ભારતીય ચોખા પર ટ્રમ્પની તવાઈ? અમેરિકામાં ડમ્પિંગ રોકવા ટેરિફ લગાવવાના સંકેત, ખેડૂતો માટે 12 અબજ ડોલરનું પેકેજ જાહેર
US tariff: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચોખા પર 'ડમ્પિંગ'નો આરોપ લગાવી વધારાનો ટેરિફ લગાવવાનો સંકેત આપ્યો છે. જાણો આ નિર્ણય પાછળનું કારણ અને અમેરિકન ખેડૂતો માટે જાહેર કરાયેલ $12 અબજ ડોલરના રાહત પેકેજ વિશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચોખા પર 'ડમ્પિંગ'નો આરોપ લગાવી વધારાનો ટેરિફ લગાવવાનો સંકેત આપ્યો છે.
US tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે વ્હાઇટ હાઉસમાં એક બેઠક દરમિયાન સંકેત આપ્યો હતો કે તેઓ ભારતીય ચોખા પર વધારાનો ટેરિફ (આયાત શુલ્ક) લગાવવાનું વિચારી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અમેરિકામાં ભારતીય ચોખાનું "ડમ્પિંગ" ન થવું જોઈએ, જે સ્થાનિક બજારને નુકસાન પહોંચાડી રહ્યું છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમણે અમેરિકન ખેડૂતોને રાહત આપવા માટે $12 અબજ ડોલરના મોટા નાણાકીય સહાય પેકેજની જાહેરાત કરી હતી.
આયાતી ચોખાને કારણે પડકાર
આ બેઠક દરમિયાન, ચોખાના વેપારી અને કેનેડી રાઇસ મિલ્સ તથા 4 સિસ્ટર્સ રાઇસના CEO મેરિલ કેનેડીએ ટ્રમ્પને સ્થાનિક બજારમાં ચોખાના ઘટતા ભાવો વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આયાતી ચોખાના કારણે ઘરેલું ઉત્પાદકોને મોટો પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. આ રજૂઆત બાદ ટ્રમ્પે આ મુદ્દાને ગંભીરતાથી ઉકેલવાની ખાતરી આપી હતી. ટ્રમ્પને એવા દેશોની યાદી પણ આપવામાં આવી હતી જે અમેરિકામાં ચોખા "ડમ્પ" કરી રહ્યા છે, જેમાં ભારત, થાઈલેન્ડ અને ચીન જેવા દેશોનો સમાવેશ થાય છે.
આ ચર્ચા દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટને સીધો સવાલ કર્યો, “ભારત વિશે જણાવો. ભારતને આવું કરવાની પરવાનગી કેમ છે? શું તેમને ચોખા પર કોઈ છૂટછાટ મળેલી છે?” તેના જવાબમાં બેસેન્ટે કહ્યું, “ના સર, અમે હજુ પણ તેમના વેપાર કરાર પર કામ કરી રહ્યા છીએ...” ટ્રમ્પે તેમને વચ્ચે જ અટકાવીને કહ્યું, “હા, પણ તેમણે ડમ્પિંગ ન કરવું જોઈએ. મેં આ વિશે અન્ય લોકો પાસેથી પણ સાંભળ્યું છે. તમે આવું ન કરી શકો.” તેમણે ખાતરી આપી કે તેઓ ભારતીય ચોખાના કથિત ડમ્પિંગના મુદ્દા પર "ધ્યાન આપશે".
કેનેડા પર પણ લાગશે ભારે ટેરિફ
આટલું જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કેનેડાથી આયાત થતા ખાતર પર પણ ભારે ટેરિફ લગાવવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું, "અમેરિકામાં વપરાતું મોટાભાગનું ખાતર કેનેડાથી આવે છે. જો જરૂર પડશે તો અમે તેના પર પણ ભારે ટેરિફ લગાવીશું, જેથી અમેરિકામાં જ ખાતરનું ઉત્પાદન વધે."
આ નિવેદનો એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકામાં મોંઘવારી અને ગ્રાહક ભાવોને લઈને આર્થિક દબાણ વધી રહ્યું છે. ટ્રમ્પના મુખ્ય સમર્થક ગણાતા ખેડૂતો ટેરિફ નીતિઓને કારણે વધતી કિંમતો અને બજારના પડકારોનો સામનો કરી રહ્યા છે. નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં ટ્રમ્પે વેપાર અવરોધો અને ઊર્જા ખરીદી જેવા મુદ્દાઓનો હવાલો આપીને ભારતીય માલ પર 50% ટેરિફ લાદ્યો હતો.
આ બધાની વચ્ચે, ટ્રમ્પે અમેરિકન ખેડૂતો માટે $12 અબજ ડોલરના નવા રાહત પેકેજની જાહેરાત કરીને તેમને મોટી રાહત આપી છે. તેમનું કહેવું છે કે મોંઘવારી, વધતા ખર્ચ અને વિદેશી આયાતના મારથી ખેડૂતોને બચાવવા તેમની પ્રાથમિકતા છે. ખેડૂતો ટ્રમ્પનો મોટો વોટ બેંક છે અને 2024ની ચૂંટણીમાં પણ તેમના સમર્થનથી તેમને મોટો ફાયદો થયો હતો.