ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર: મહુવામાં 7.68 ઈંચ, અમરેલીમાં રાયડી ડેમના 5 દરવાજા ખોલાયા! | Moneycontrol Gujarati
Get App

ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર: મહુવામાં 7.68 ઈંચ, અમરેલીમાં રાયડી ડેમના 5 દરવાજા ખોલાયા!

Gujarat Unseasonal Rain: અરબ સાગરની સિસ્ટમને કારણે ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલા ચોમાસા જેવો માહોલ! મહુવામાં 7.68 ઈંચ વરસાદ, રાયડી ડેમના 5 દરવાજા ખોલાયા, અનેક વિસ્તારોમાં જળબંબાકાર. જાણો છેલ્લા 24 કલાકની વિગતવાર સ્થિતિ.

અપડેટેડ 11:02:22 AM Oct 27, 2025 પર
Story continues below Advertisement
ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ: મહુવામાં 7.68 ઈંચ વરસાદ, અમરેલીના રાયડી ડેમના દરવાજા ખોલાયા

Gujarat Unseasonal Rain: અરબ સાગરમાં સર્જાયેલી એક સિસ્ટમના પગલે ગુજરાતમાં શિયાળાની શરૂઆત પહેલા જ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 152 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાંથી 21 તાલુકા એવા છે જ્યાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.

સૌથી વધુ વરસાદ મહુવા અને સિહોરમાં

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં નોંધાયો છે. ભાવનગરના મહુવા તાલુકામાં 7.68 ઈંચ અને સિહોરમાં 5 ઈંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, પાલિતાણામાં 2.99 ઈંચ, ભાવનગર શહેરમાં 2.83 ઈંચ, જેસરમાં 2.64 ઈંચ, ઉમરાળામાં 2.13 ઈંચ, તળાજામાં 1.89 ઈંચ, અને વલ્લભીપુરમાં 1.50 ઈંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો, તાપીના સોનગઢમાં 3.94 ઈંચ, સુરતના ઉમરપાડામાં 3.66 ઈંચ, સુરત શહેરમાં 1.89 ઈંચ, અને ઓલપાડમાં 1.26 ઈંચ વરસાદ ખાબક્યો હતો, જેના પગલે શહેર સહિત જિલ્લાભરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

સૌરાષ્ટ્રમાં રાતભર ધોધમાર વરસાદ, રાયડી ડેમ ઓવરફ્લો


સૌરાષ્ટ્રના કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાફરાબાદ શહેર અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે વડલી સહિત અનેક ગામોની શેરીઓ પાણીમાં તરબતર થઈ ગઈ હતી. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં પણ વરસાદ નોંધાયો છે. રાજુલાના ડુંગર માંડળ, ડુંગરપરડા, કુંભારીયા, દેવકા, બાલાપર, મસુનદડા જેવા કોસ્ટલ બેલ્ટ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ડુંગરની સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું અને રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા.

ખાસ કરીને, અમરેલી જિલ્લાના ખાંભાના ગ્રામ્ય પંથકમાં સતત વરસાદને કારણે રાયડી ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. ડેમનું જળસ્તર વધતા તેના 5 દરવાજા 2-2 ફૂટ ખોલવામાં આવ્યા છે, જેના પગલે રાયડી નદી બે કાંઠે વહેતી થઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

પંચમહાલના ગોધરામાં જળભરાવથી હાલાકી

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પણ કમોસમી ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ, પ્રભારોડ, ચિત્રા ખાડી અને ભુરાવાવ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શિયાળાની શરૂઆતમાં જ ચોમાસા જેવી સ્થિતિ સર્જાતા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે.

આ પણ વાંચો- AI Data Center India: AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 15 બિલિયન ડોલર સુધીનું રોકાણ કરી શકે છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મોર્ગન સ્ટેનલીના રિપોર્ટમાં અનેક મુખ્ય તારણો જાહેર

MoneyControl News

MoneyControl News

First Published: Oct 27, 2025 11:02 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.