અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે લોઢાના ચણા ચાવવા જેવું! US સરકારે 20 વર્ષ બાદ બદલ્યા નિયમો, ભારતીયોની વધશે મુશ્કેલી | Moneycontrol Gujarati
Get App

અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું હવે લોઢાના ચણા ચાવવા જેવું! US સરકારે 20 વર્ષ બાદ બદલ્યા નિયમો, ભારતીયોની વધશે મુશ્કેલી

US Green Card New Rules: અમેરિકન સરકારે 20 વર્ષ બાદ રોજગાર આધારિત ગ્રીન કાર્ડ (PERM પ્રોગ્રામ) માટેના નિયમો કડક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે છટણી કરનાર કંપનીઓ વિદેશીઓને સ્પોન્સર નહીં કરી શકે.

અપડેટેડ 11:43:25 AM Nov 17, 2026 પર
Story continues below Advertisement
આ નવા ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈપણ વિદેશી કર્મચારીની ભરતી કરતા પહેલાં લાયક અમેરિકન નાગરિકોને ઊંચા પગાર અને ઉચ્ચ કૌશલ્યવાળી નોકરીઓ માટે અરજી કરવાની પ્રથમ તક મળે.

US Green Card New Rules: અમેરિકામાં કાયમી વસવાટનું સપનું જોતા વિદેશી કામદારો અને ખાસ કરીને ભારતીયો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકન સરકારે રોજગાર આધારિત ગ્રીન કાર્ડ (Employment-based Green Card) માટે વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરતી કંપનીઓ માટેના નિયમો વધુ કડક બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર (શ્રમ વિભાગ)ના જણાવ્યા અનુસાર, આ નવા ફેરફારોનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈપણ વિદેશી કર્મચારીની ભરતી કરતા પહેલાં લાયક અમેરિકન નાગરિકોને ઊંચા પગાર અને ઉચ્ચ કૌશલ્યવાળી નોકરીઓ માટે અરજી કરવાની પ્રથમ તક મળે. શ્રમ સચિવ કીથ સોન્ડરલિંગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "અમેરિકન કામદારો વિશ્વમાં શ્રેષ્ઠ છે અને તેઓ શ્રેષ્ઠ નોકરીની તકો માટે પ્રથમ હકદાર છે." ઉલ્લેખનીય છે કે લગભગ 20 વર્ષમાં પહેલીવાર 'પરમનેન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ' એટલે કે PERM માં આટલો મોટો ફેરફાર કરવાની તૈયારી ચાલી રહી છે, જે EB-2 અને EB-3 કેટેગરીના ગ્રીન કાર્ડ માટે સૌથી મહત્વનો તબક્કો ગણાય છે.

નોકરીની જાહેરાત 90 દિવસ સુધી ખુલ્લી રાખવી પડશે: ભરતી પ્રક્રિયામાં મોટા ફેરફાર


પ્રસ્તાવિત નિયમો મુજબ, કંપનીઓએ હવે નોકરીની જાહેરાતો આપવાની પોતાની જૂની પદ્ધતિ બદલવી પડશે:

આધુનિક માધ્યમોનો ઉપયોગ: શ્રમ વિભાગ ઈચ્છે છે કે કંપનીઓ માત્ર પરંપરાગત પ્રિન્ટ (અખબાર) જાહેરાતો આપવાને બદલે પોતાની સત્તાવાર વેબસાઈટ, ઓનલાઈન જોબ પોર્ટલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, જોબ ફેર અને કેમ્પસ રિક્રૂટમેન્ટનો ઉપયોગ કરે.

90 દિવસની મુદત: કંપનીઓએ નોકરીની જાહેરાત ઓછામાં ઓછા 90 કેલેન્ડર દિવસ સુધી ખુલ્લી રાખવી પડશે, જેથી લાયક અમેરિકન ઉમેદવારોને અરજી કરવા માટે પૂરતો સમય મળી રહે.

રિજેક્શનનું યોગ્ય કારણ: કંપનીઓએ અમેરિકન અરજદારોની ગંભીરતાપૂર્વક વિચારણા કરવી પડશે. જો કોઈ અમેરિકન ઉમેદવારને નોકરી માટે નકારવામાં (Reject) આવે, તો કંપનીએ તેના માટે નોકરી સંબંધિત યોગ્ય અને કાયદેસરનું કારણ આપવું ફરજિયાત રહેશે.

છટણી કરનાર કંપનીઓ વિદેશી કામદારોને સ્પોન્સર નહીં કરી શકે

જે કંપનીઓ અમેરિકન કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકે છે અને તેની સામે વિદેશી કામદારોને ગ્રીન કાર્ડ માટે સ્પોન્સર કરવા માંગે છે, તેમના પર હવે કડક પ્રતિબંધ લાગશે:

2 વર્ષનો નિયમ: જો કોઈ કંપનીએ છેલ્લા 2 વર્ષ દરમિયાન સંબંધિત કાર્યસ્થળે સમાન પદ પરથી અમેરિકન કામદારોની છટણી કરી હશે, તો તે કંપની PERM અરજી દાખલ કરી શકશે નહીં.

Form I-140 સુધી પ્રાથમિકતા: જો PERM અરજી કર્યા બાદ કંપની અમેરિકન કર્મચારીઓની છટણી કરે, તો જ્યાં સુધી 'Form I-140' પિટિશન મંજૂર ન થાય ત્યાં સુધી કંપનીએ છટણી કરાયેલા લાયક અમેરિકન કર્મચારીઓને જ આ પદ માટે પ્રાથમિકતા આપવી પડશે.

5 દિવસમાં જાણ કરવી ફરજિયાત: કંપનીઓએ આવી કોઈપણ છટણીની જાણ 5 કામકાજના દિવસોમાં શ્રમ વિભાગ અને USCIS ને કરવાની રહેશે.

નર્સ અને ફિઝિકલ થેરાપિસ્ટ માટે મળતી ખાસ છૂટછાટ પણ ખતમ થશે

શ્રમ વિભાગે 'શેડ્યૂલ A' (Schedule A) હેઠળ મળતી વહીવટી છૂટછાટો સમાપ્ત કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. હાલમાં પ્રોફેશનલ નર્સ, ફિઝિકલ થેરાપિસ્ટ તેમજ વિજ્ઞાન અને કલા ક્ષેત્રે અસાધારણ ક્ષમતા ધરાવતા લોકોને સામાન્ય લેબર માર્કેટ ટેસ્ટમાંથી મુક્તિ મળે છે. પરંતુ જો આ નવો પ્રસ્તાવ મંજૂર થશે, તો આ કેટેગરીમાં વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરતી કંપનીઓએ પણ પહેલાં અમેરિકન લેબર માર્કેટમાં તપાસ કરવી પડશે અને અમેરિકન ઉમેદવારોને પ્રથમ તક આપવી પડશે.

ક્યારે અમલમાં આવશે આ નવા નિયમો?

આ ફેરફારો હજુ અંતિમ નથી બન્યા. 17 નવેમ્બરના રોજ ફેડરલ રજિસ્ટરમાં આ પ્રસ્તાવ પ્રકાશિત થયા બાદ શ્રમ વિભાગે જાહેર જનતા પાસેથી સૂચનો અને ટિપ્પણીઓ મંગાવવા માટે 60 દિવસનો સમય આપ્યો છે. જો આ નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે, તો અમેરિકામાં વિદેશી કર્મચારીઓ માટે ગ્રીન કાર્ડ મેળવવાની પ્રક્રિયા કંપનીઓ અને કર્મચારીઓ બંને માટે અત્યંત જટિલ અને પડકારજનક બની જશે.

આ પણ વાંચો- ખુલી ગયો SBIનો નવો ડિફેન્સ ફંડ! પોર્ટફોલિયોના 50%થી વધુ પૈસા માત્ર આ 5 શેરોમાં જ રોકાશે, પૈસા લગાવતા પહેલાં જાણી લો ફાયદા અને જોખમ

MoneyControl News

MoneyControl News

First Published: Nov 17, 2026 11:43 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.