US-Iran War: ટ્રમ્પે જે AI મોડલ પર પ્રતિબંધ મૂક્યો હતો, ઈરાન પર હુમલા માટે અમેરિકન સેનાએ એ જ ‘Claude' નો ઉપયોગ કર્યો!
US Iran War: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે Anthropic ના ‘Claude AI' પર તાજેતરમાં જ પ્રતિબંધ મૂક્યો હતો. તેમ છતાં અમેરિકન સેનાએ ઈરાન પરના હવાઈ હુમલામાં આ જ AI નો ઉપયોગ કર્યો છે. જાણો શું છે આ સમગ્ર વિવાદ અને Claude માં એવું શું ખાસ છે.
US Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો મોટો રોલ સામે આવ્યો છે.
US Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો મોટો રોલ સામે આવ્યો છે. અમેરિકન સેનાએ ઈરાન પર કરેલા તાજેતરના હવાઈ હુમલામાં સાન ફ્રાન્સિસ્કો સ્થિત સ્ટાર્ટઅપ કંપની Anthropicના AI સોફ્ટવેર ‘Claude’ (ક્લોડ)નો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ વાત એટલા માટે આશ્ચર્યજનક છે કારણ કે, આ હુમલાના થોડા સમય પહેલાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમામ કેન્દ્રીય એજન્સીઓને આ સ્ટાર્ટઅપના AI સિસ્ટમનો ઉપયોગ બંધ કરવાનો કડક આદેશ આપ્યો હતો.
સેના કઈ રીતે કરે છે Claudeનો ઉપયોગ?
વોલ સ્ટ્રીટના સૂત્રોના જણાવ્યા અનુસાર, મિડલ ઈસ્ટમાં આવેલ યુએસ સેન્ટ્રલ કમાન્ડ સહિત દુનિયાભરના ઘણા અમેરિકન કમાન્ડ Anthropicના આ ક્લોડ એઆઈ ટૂલનો ઉપયોગ કરે છે. આ ટૂલની મદદથી સેના ખુફિયા માહિતીનું આકલન (Intelligence Assessment), દુશ્મનના ટાર્ગેટની સચોટ ઓળખ અને યુદ્ધના માહોલનું સિમ્યુલેશન જેવા મહત્વના કામ કરે છે. જોકે, ઈરાન હુમલામાં તેના ઉપયોગ અંગે હજુ સુધી સેના તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
Anthropic અને ટ્રમ્પ સરકાર વચ્ચે શા માટે છે વિવાદ?
ઈરાન પરના હુમલાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે અમેરિકન મિલિટરી ઓપરેશન્સમાં ‘Claude' પહેલેથી જ ઊંડે સુધી સામેલ છે. પરંતુ હાલમાં કંપની અને સરકાર વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ આવી ગઈ છે.
વિવાદનું મુખ્ય કારણ: અમેરિકાના ડિફેન્સ વિભાગ અને Anthropic વચ્ચે AI મોડલના ઉપયોગની શરતોને લઈને ડખો પડ્યો હતો.
સંરક્ષણ સચિવ Pete Hegseth એ Anthropic ને તમામ કાનૂની સૈન્ય કામગીરીમાં તેમના AI ટૂલના છૂટથી ઉપયોગની મંજૂરી આપવા માટે એક ડેડલાઈન આપી હતી.
પરંતુ, Anthropic ના CEO Dario Amodei એ સ્પષ્ટ ના પાડી દીધી. તેમણે નૈતિકતા (Ethical Boundary) નું કારણ આપીને અમુક ખાસ સૈન્ય ઉપયોગોમાંથી સુરક્ષાના નિયમો હટાવવાનો ઇનકાર કર્યો. આથી નારાજ થઈને ટ્રમ્પ પ્રશાસને ગત સપ્તાહે તમામ સંઘીય એજન્સીઓને Anthropic સાથે કામ કરવાનું બંધ કરવા આદેશ આપ્યો અને આ કંપનીને સુરક્ષા અને ડિફેન્સ સપ્લાય ચેઈન માટે 'ખતરો' જાહેર કરી દીધી.
હવે સેના પાસે શું છે વિકલ્પ?
આ વિવાદને પગલે અમેરિકન સંરક્ષણ વિભાગે હવે અન્ય ડેવલપર્સ સાથે હાથ મિલાવવાનું શરૂ કર્યું છે. પેન્ટાગોને ગુપ્ત સૈન્ય કામગીરી માટે OpenAI ના ChatGPT અને એલન મસ્ક (Elon Musk) ની xAI સાથે ડીલ કરી છે. જોકે, સૈન્ય અધિકારીઓ અને AI નિષ્ણાતો માને છે કે વર્તમાન સિસ્ટમમાંથી Claude ને સંપૂર્ણપણે હટાવીને નવું મોડલ સેટ કરવામાં હજુ ઘણા મહિનાઓ લાગી શકે છે.
Claudeમાં એવું તો શું છે ખાસ?
તમને જણાવી દઈએ કે, ગૂગલ અને xAI ની સાથે Anthropic પણ તે અગ્રણી AI લેબ્સમાં સામેલ છે, જેમણે અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટ સાથે લગભગ $20 કરોડ સુધીના મલ્ટી-ઈયર કોન્ટ્રાક્ટ કર્યા હતા.
Palantir Technologies અને Amazon Web Services (AWS) સાથેની ભાગીદારી દ્વારા, અત્યાર સુધી માત્ર Anthropic ના 'Claude' મોડલને જ ખુફિયા સૈન્ય અને ઇન્ટેલિજન્સ કામગીરી માટે સત્તાવાર મંજૂરી મળી હતી. જાન્યુઆરી મહિનામાં વેનેઝુએલાના તત્કાલીન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અટકાયત કરવામાં પણ આ AI મોડલના ઉપયોગે તેની તાકાત અને મહત્વ સાબિત કર્યા હતા.
ટૂંકમાં, ભલે ટ્રમ્પ સરકારે આ AI પર કાગળ પર પ્રતિબંધ મૂક્યો હોય, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર અમેરિકન સેના માટે તેને રાતોરાત છોડવું શક્ય નથી લાગી રહ્યું. આ ઘટના દર્શાવે છે કે આધુનિક યુદ્ધમાં AI કેટલી હદે અનિવાર્ય બની ગયું છે.