US Iran Tension: ઈરાન પર હુમલો થશે? અમેરિકાની ચેતવણી- ‘અમારા ભરોસે રહેતા નહીં, તાત્કાલિક દેશ છોડો' | Moneycontrol Gujarati
Get App

US Iran Tension: ઈરાન પર હુમલો થશે? અમેરિકાની ચેતવણી- ‘અમારા ભરોસે રહેતા નહીં, તાત્કાલિક દેશ છોડો'

US Iran Tension: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા? અમેરિકાએ પોતાના નાગરિકોને ઈરાન છોડવા અલ્ટીમેટમ આપ્યું છે. જાણો એડવાઈઝરીમાં શું કહ્યું અને અત્યારે ઈરાનમાં શું સ્થિતિ છે.

અપડેટેડ 03:33:56 PM Feb 06, 2026 પર
Story continues below Advertisement
US Iran Tension: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારા? અમેરિકાએ પોતાના નાગરિકોને ઈરાન છોડવા અલ્ટીમેટમ આપ્યું છે.

US Iran Tension: અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો ફરી એકવાર તંગ બન્યા છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધે હવે ગંભીર વળાંક લીધો છે. અમેરિકાએ ઈરાનમાં રહેતા પોતાના તમામ નાગરિકો માટે એક તાત્કાલિક એડવાઈઝરી જાહેર કરી છે, જેણે સમગ્ર વિશ્વમાં ચિંતા જગાવી છે. અમેરિકાના વિદેશ વિભાગે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ઈરાનમાં રહેતા અમેરિકન નાગરિકોએ સમય બગાડ્યા વગર તુરંત જ દેશ છોડી દેવો જોઈએ.

કેમ અચાનક વધી ગયું ટેન્શન?

આ મામલાની ગંભીરતા સમજવા માટે થોડું પાછળ જવું પડશે. ગયા વર્ષના અંતમાં ઈરાનમાં સત્તા વિરોધી મોટા આંદોલનો શરૂ થયા હતા. ઈરાન સરકારનો આરોપ છે કે આ દેખાવો પાછળ વિદેશી તાકાતોનો હાથ છે અને તે પ્રદર્શનકારીઓને આતંકવાદી ગણાવી રહી છે. બીજી તરફ, અમેરિકાએ ખુલ્લી ચેતવણી આપી છે કે જો ઈરાનમાં આંદોલનકારીઓની હત્યા કરવામાં આવશે, તો અમેરિકા ચૂપ નહીં બેસે અને ઈરાન પર હુમલો કરી શકે છે. આ નિવેદન બાદથી જ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

ઈરાનમાં અત્યારે શું સ્થિતિ છે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈરાનમાં હાલ સ્થિતિ સામાન્ય નથી. સુરક્ષાના કારણોસર સરકારે અનેક મુખ્ય રસ્તાઓ બંધ કરી દીધા છે. એટલું જ નહીં, મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાઓ પણ ઠપ કરી દેવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ પણ હવે ઈરાન જતી ફ્લાઈટ્સ રદ કરી રહી છે, જેના કારણે બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે.


અમેરિકાએ એડવાઈઝરીમાં શું સલાહ આપી?

અમેરિકાએ પોતાના નાગરિકોને સ્પષ્ટ કહી દીધું છે કે તેઓ સરકારની મદદની રાહ જોઈને બેસી ન રહે. જે કોઈ સાધન મળે તેનો ઉપયોગ કરીને જાતે જ દેશ છોડી દે. એડવાઈઝરીમાં નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ જણાવવામાં આવ્યા છે:

સરકાર પર નિર્ભર ન રહો: અમેરિકન સરકાર તમને લેવા આવશે તેની રાહ જોયા વગર, તાત્કાલિક ઈરાન છોડો.

ક્યાં જવું?: જો શક્ય હોય તો હવાઈ, દરિયાઈ કે સડક માર્ગે આર્મેનિયા અથવા તુર્કીયે (Turkey) તરફ નીકળી જાઓ.

જો નીકળી ન શકો તો?: જો ઈરાન છોડવું શક્ય ન હોય, તો ખાવા-પીવાની વસ્તુઓ અને પાણીનો સ્ટોક કરી લો અને કોઈ સુરક્ષિત જગ્યાએ આશરો લો.

સાવચેતી રાખો: સ્થાનિક લોકો સાથે કોઈ પણ પ્રકારની દલીલ કે વાદવિવાદમાં ઉતરવું નહીં. સ્થાનિક સમાચારો પર નજર રાખો.

સંપર્ક જાળવો: ફોન હંમેશા ચાર્જ રાખો અને શક્ય હોય ત્યાં સુધી પરિવાર કે મિત્રોના સંપર્કમાં રહેવાનો પ્રયાસ કરો.

ઓમાનમાં મહત્વની બેઠક

એક તરફ યુદ્ધ જેવો માહોલ છે, તો બીજી તરફ ડિપ્લોમસીના પ્રયાસો પણ ચાલુ છે. શુક્રવારે ઓમાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ મુદ્દે એક મહત્વપૂર્ણ બેઠક મળવા જઈ રહી છે. આ બેઠકમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ ભાગ લેવાના છે. હવે જોવાનું એ રહે છે કે આ બેઠકથી તણાવ ઓછો થાય છે કે પરિસ્થિતિ વધુ બગડે છે.

આ પણ વાંચો- Bitcoin Crash: ક્રિપ્ટો માર્કેટમાં મોટો કડાકો! રેકોર્ડ હાઈ લેવલથી બિટકોઈન તૂટીને અડધો થઈ ગયો, રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો

MoneyControl News

MoneyControl News

First Published: Feb 06, 2026 3:33 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.