દવાઓ થશે 60% સસ્તી? ટ્રમ્પનો 'TrumpRx' માસ્ટર સ્ટ્રોક, અમેરિકન ફાર્મા કંપનીઓની ઊંઘ હરામ | Moneycontrol Gujarati
Get App

દવાઓ થશે 60% સસ્તી? ટ્રમ્પનો 'TrumpRx' માસ્ટર સ્ટ્રોક, અમેરિકન ફાર્મા કંપનીઓની ઊંઘ હરામ

TrumpRx: અમેરિકામાં દવાઓના ભાવ ઘટાડવા ડોનાલ્ડ ટ્રમ્પે લોન્ચ કર્યું 'TrumpRx' પ્લેટફોર્મ. જાણો કેવી રીતે વચેટિયાઓને દૂર કરી સીધી કંપની પાસેથી દવા મળતા ભાવ 50-60% ઘટશે અને કેમ ફાર્મા કંપનીઓ પરેશાન છે.

અપડેટેડ 12:30:12 PM Jan 30, 2026 પર
Story continues below Advertisement
TrumpRx: અમેરિકામાં દવાઓના ભાવ ઘટાડવા ડોનાલ્ડ ટ્રમ્પે લોન્ચ કર્યું 'TrumpRx' પ્લેટફોર્મ.

TrumpRx: અમેરિકાના રાજકારણ અને હેલ્થકેર સેક્ટરમાં અત્યારે એક જ નામની ચર્ચા છે ‘TrumpRx’. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને મેડિકલ ક્ષેત્રે એક મોટો દાવ રમ્યો છે, જેના કારણે અમેરિકાની તોતિંગ ફાર્મા કંપનીઓ અને મેડિકલ સ્ટોર્સના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય જનતાને મોંઘી દવાઓથી છુટકારો અપાવવા માટે ટ્રમ્પ સરકારે એક નવી વેબસાઇટ લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે.

ચાલો વિગતે સમજીએ કે આ 'TrumpRx' શું છે અને તેનાથી સામાન્ય માણસને શું ફાયદો થશે.

શું છે ‘TrumpRx’ મિશન?

સરળ ભાષામાં કહીએ તો, આ એક સરકારી ઓનલાઇન પ્લેટફોર્મ છે જે આ જ મહિને એટલે કે જાન્યુઆરી 2026માં લોન્ચ થવા જઈ રહ્યું છે. ટ્રમ્પ સરકારનો મુખ્ય હેતુ દર્દીઓને વીમા કંપનીઓ અને વચેટિયાઓની માયાજાળમાંથી મુક્ત કરવાનો છે. અત્યાર સુધી દવા કંપની અને દર્દી વચ્ચે અનેક એજન્ટો હતા, જેના કારણે દવાની કિંમત વધી જતી હતી. હવે સરકારનો પ્લાન છે કે દર્દી સીધો જ દવા બનાવતી કંપની પાસેથી દવા ખરીદી શકે. સરકારનો દાવો છે કે આ સીધી ખરીદીને કારણે દવાઓની કિંમતમાં 50%થી 60% જેટલો ધરખમ ઘટાડો થઈ શકે છે.

કેવી રીતે કામ કરશે આ વેબસાઈટ?


ઘણા લોકોને પ્રશ્ન થશે કે શું સરકાર પોતે દવા વેચશે? તો જવાબ છે - ના. TrumpRx એક બ્રિજ (સેતુ) જેવું કામ કરશે. જ્યારે દર્દી TrumpRx વેબસાઈટ પર જશે, ત્યારે તેને સીધા જ એ કંપનીઓની વેબસાઈટ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જેમણે સરકાર સાથે સસ્તા દરે દવા આપવાના કરાર કર્યા છે. અત્યાર સુધીમાં Pfizer, Eli Lilly અને Novo Nordisk જેવી દુનિયાની મોટી 14 કંપનીઓએ ટ્રમ્પ સરકાર સાથે હાથ મિલાવ્યા છે. આ પ્લેટફોર્મ પર ખાસ કરીને ડાયાબિટીસ અને વજન ઘટાડવાની જે મોંઘી દવાઓ (GLP-1s) આવે છે, તે ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મેડિકલ સ્ટોર્સ અને ફાર્મા કંપનીઓ કેમ ડરી રહી છે?

અત્યાર સુધી અમેરિકામાં દવાની કિંમતો નક્કી કરવામાં 'ફાર્મસી બેનિફિટ મેનેજર્સ' (PBMs) નો મોટો રોલ હતો. આ વચેટિયાઓ મોટો નફો કમાતા હતા. TrumpRx આખી સિસ્ટમને બાયપાસ કરી રહ્યું છે. જો લોકો સીધા ઓનલાઇન સસ્તી દવા મંગાવશે, તો પરંપરાગત મેડિકલ સ્ટોર્સ અને વીમા કંપનીઓના નફામાં મોટું ગાબડું પડશે.

વધુમાં, ટ્રમ્પ પ્રશાસન ‘મોસ્ટ ફેવર્ડ નેશન’ (MFN) પ્રાઈસિંગ મોડલ લાવી રહ્યું છે. આનો અર્થ એ છે કે જે ભાવે દવા બીજા વિકસિત દેશોમાં વેચાય છે, તે જ ભાવે અમેરિકામાં પણ મળવી જોઈએ. આ નિયમ ફાર્મા કંપનીઓની મનમાની પર બ્રેક લગાવી શકે છે.

શું છે વિવાદ અને જોખમ?

કોઈપણ મોટી યોજના આવે એટલે વિરોધ તો હોય જ. ડેમોક્રેટ્સ પાર્ટીના નેતાઓ, ખાસ કરીને એલિઝાબેથ વોરેન અને ડિક ડર્બિને આ યોજના સામે સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે હિતોનો સંઘર્ષ અમુક ચોક્કસ કંપનીઓને જ સરકાર પ્રમોટ કરી રહી છે, જે શંકાસ્પદ છે. વીમા પોલિસીનું નુકસાન સૌથી મોટી ચિંતા એ છે કે જો દર્દી TrumpRx પરથી રોકડેથી દવા ખરીદશે, તો તે ખર્ચ તેમના હેલ્થ ઇન્શ્યોરન્સના 'ડિડક્ટિબલ' લિમિટમાં ગણાશે નહીં. એટલે કે, સસ્તી દવાની લાલચમાં દર્દીને લાંબે ગાળે વીમાનો પૂરો લાભ નહીં મળે તેવી શક્યતા છે.

ટ્રમ્પનું આ પગલું જો સફળ રહ્યું તો અમેરિકન હેલ્થકેર સિસ્ટમમાં ક્રાંતિ આવી શકે છે. દર્દીઓને સસ્તી દવા મળશે તે ચોક્કસ છે, પરંતુ વીમા પોલિસીને લગતા ગૂંચવાડા કેટલા નડશે તે તો સમય જ કહેશે. હાલ તો આ 'TrumpRx' દવા બજારના મોટા ખેલાડીઓ માટે માથાનો દુખાવો બની ગયું છે.

આ પણ વાંચો- Gujarat Toll Tax Collection: ખખડધજ રસ્તા છતાં ગુજરાતની પ્રજાએ ચૂકવ્યો 16000 કરોડનો ટોલ ટેક્સ! જાણો 3 વર્ષનો ચોંકાવનારો હિસાબ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 30, 2026 12:30 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.