નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ પાસે મોટી દુર્ઘટના: લેન્ડિંગ સમયે 2 હેલિકોપ્ટર સામસામે અથડાયા, 1 ભારતીય નાગરિકનું મોત
નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ નજીક ફેરિચે વિસ્તારમાં લેન્ડિંગ દરમિયાન 2 હેલિકોપ્ટર સામસામે અથડાયા છે. આ ગંભીર અકસ્માતમાં 1 ભારતીય પ્રવાસીનું મોત થયું છે અને 3 લોકો ઘાયલ થયા છે.
અકસ્માત સમયે તે જ હેલિકોપ્ટરમાં હાજર રહેલા ભારતીય મૂળના અને ન્યૂઝીલેન્ડના નિવાસી શૈલેષ કૃષ્ણ પટેલ પણ ઘાયલ થયા છે.
નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ નજીક મંગળવારે સવારે એક ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાયો છે. ન્યૂઝ એજન્સી PTI ના અહેવાલ મુજબ, બરફથી ઢંકાયેલા ફેરિચે વિસ્તારમાં લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહેલા 2 હેલિકોપ્ટર અચાનક સામસામે અથડાઈ ગયા હતા. આ ભયાનક દુર્ઘટનામાં 1 ભારતીય નાગરિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે હેલિકોપ્ટરના પાયલટ સહિત અન્ય 3 લોકો ઘાયલ થયા છે.
ક્યારે અને કેવી રીતે સર્જાઈ આ દુર્ઘટના?
નેપાળ પોલીસે આ અકસ્માતની સત્તાવાર પુષ્ટિ કરી છે. 'કાઠમંડુ પોસ્ટ'ના અહેવાલ પ્રમાણે, નેપાળના સોલુખુમ્બુ જિલ્લામાં આવેલા ફેરિચે હેલિપેડ પર સ્થાનિક સમય અનુસાર સવારે આશરે 8 વાગ્યે અને 11 મિનિટે (8:11 વાગ્યે) આ ઘટના બની હતી.
અકસ્માતનો ભોગ બનેલા હેલિકોપ્ટરો 'ફિશટેલ એર' અને 'એર ડાયનેસ્ટી' કંપનીના હતા. બંને હેલિકોપ્ટર બરફીલા વિસ્તારમાં બનેલા હેલિપેડ પર ઉતરાણ કરવાની કોશિશ કરી રહ્યા હતા, ત્યારે જ અચાનક તેમની વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
મૃતક ભારતીયની થઈ ઓળખ, મૂળ ભારતીય NRI પણ ઘાયલ
સોલુખુમ્બુના પોલીસ વડા મૌસમ તમાંગે માહિતી આપતા જણાવ્યું કે, ફિશટેલ એરના હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા 1 ભારતીય પ્રવાસીનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે. મૃતક ભારતીય નાગરિકની ઓળખ વસંત કુમાર બલરામરામાડુ તરીકે કરવામાં આવી છે. પોલીસે તેમના મૃતદેહને આગળની કાર્યવાહી માટે લુક્લાની એક હોસ્પિટલમાં મોકલી આપ્યો છે.
ભારતીય મૂળના પ્રવાસી ઘાયલ: અકસ્માત સમયે તે જ હેલિકોપ્ટરમાં હાજર રહેલા ભારતીય મૂળના અને ન્યૂઝીલેન્ડના નિવાસી શૈલેષ કૃષ્ણ પટેલ પણ ઘાયલ થયા છે. પોલીસ અધિકારી મૌસમ તમાંગના જણાવ્યા અનુસાર, તેમને 'પ્રભુ હેલિકોપ્ટર'ની મદદથી તાત્કાલિક કાઠમંડુની મેડિસિટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
કોણ ઉડાવી રહ્યું હતું હેલિકોપ્ટર?: ફિશટેલ એરના હેલિકોપ્ટરની કમાન કેપ્ટન પ્રજ્જવલ કેસી સંભાળી રહ્યા હતા, જ્યારે એર ડાયનેસ્ટીના હેલિકોપ્ટરની જવાબદારી કેપ્ટન રવીન્દ્ર પ્રજાપતિ પાસે હતી. આ ટક્કરમાં એર ડાયનેસ્ટીના પાયલટ કેપ્ટન રવીન્દ્ર પ્રજાપતિ અને અન્ય 2 લોકો પણ ઘાયલ થયા છે.
તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન: ઘટનાની જાણ થતાં જ સિમરિક એરનું એક અન્ય હેલિકોપ્ટર તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે પહોંચી ગયું હતું અને ઘાયલોને સુરક્ષિત બહાર કાઢવા માટે રાહત તેમજ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયો અકસ્માતનો વીડિયો
બંને હેલિકોપ્ટર વચ્ચે થયેલી આ ટક્કરનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટક્કર બાદ બંને હેલિકોપ્ટર બરફથી છવાયેલા પહાડી વિસ્તારના લેન્ડિંગ સ્થળ પર તૂટેલી હાલતમાં પડ્યા છે. હાલમાં ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને અધિકારીઓ દ્વારા આ અકસ્માત પાછળના ચોક્કસ કારણોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.