Aequsના શેરમાં Q2 FY27નાં પરિણામો બાદ ઇન્ટ્રાડે 19% સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીની આવક વાર્ષિક ધોરણે 45% વધીને ₹409 કરોડ થઈ હતી, પરંતુ ચોખ્ખી ખોટ વધીને ₹52.3 કરોડ થઈ હતી. EBITDA 51.7% ઘટીને ₹14 કરોડ અને EBITDA માર્જિન ઘટીને 3.37% થયું હતું. સપ્લાય ચેઇનની સમસ્યાઓ, ડેપ્રિસિએશન અને ફાઇનાન્સ ખર્ચમાં વધારાથી નફાકારકતા પર દબાણ આવ્યું હતું. મેનેજમેન્ટે કન્ઝ્યુમર બિઝનેસ માટે માર્ચ 2027 સુધીમાં EBITDA બ્રેક-ઈવન હાંસલ કરવાનો અગાઉનો લક્ષ્યાંક પણ પાછો ખેંચ્યો હતો.
Aequs Share Price: સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની ખોટમાં મોટો વધારો અને ઓપરેટિંગ પ્રોફિટેબિલિટીમાં ઘટાડાને કારણે આવકમાં વૃદ્ધિની ખુશી ફિક્કી પડી ગઈ હતી. તેના કારણે Aequsના શેરમાં ઇન્ટ્રાડે 18.81% સુધીનો કડાકો જોવા મળ્યો હતો. નીચા સ્તરે ખરીદી જોવા મળી હોવા છતાં શેર દબાણમાં રહ્યો હતો.
એરોસ્પેસ અને કન્ઝ્યુમર કમ્પોનન્ટ્સ બનાવતી Aequsનો શેર BSE પર 10.90%ના ઘટાડા સાથે ₹215.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ઇન્ટ્રાડેમાં શેર ઘટીને ₹196.55 સુધી પહોંચ્યો હતો.
કંપનીના શેરનું લિસ્ટિંગ 10 ડિસેમ્બર, 2025ના રોજ થયું હતું. ₹922 કરોડના IPO હેઠળ શેર દીઠ ₹124ના ભાવે શેર ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. લિસ્ટિંગ બાદ શેર ઘટીને 16 માર્ચ, 2026ના રોજ BSE પર ₹113.65ના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યો હતો. ત્યારબાદ તેમાં 159.48%નો ઉછાળો આવ્યો અને 6 ઓક્ટોબર, 2026ના રોજ શેર ₹294.90ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
Aequs Q2 Results: મુખ્ય વિગતો
ચાલુ નાણાકીય વર્ષ 2026-27ના બીજા ક્વાર્ટર એટલે કે જુલાઈથી સપ્ટેમ્બર 2026 દરમિયાન Aequsની આવક વાર્ષિક ધોરણે 45% વધીને ₹409 કરોડ થઈ હતી. જોકે, કંપનીની ચોખ્ખી ખોટ ₹21 કરોડથી વધીને ₹52.3 કરોડ થઈ હતી.
ઓપરેટિંગ સ્તરે પણ કંપનીના પ્રદર્શન પર દબાણ જોવા મળ્યું હતું. EBITDA વાર્ષિક ધોરણે 51.7% ઘટીને ₹14 કરોડ રહ્યો હતો. EBITDA માર્જિન પણ અગાઉના 10%થી ઘટીને 3.37% થયું હતું.
કન્ઝ્યુમર બિઝનેસમાં મજબૂત વૃદ્ધિને કારણે કંપનીની આવકમાં વધારો થયો હતો. જોકે, સપ્લાય ચેઇનની સમસ્યાઓને કારણે ઉત્પાદનમાં વિલંબ થયો હતો. આ ઉપરાંત, ડેપ્રિસિએશન અને ફાઇનાન્સ ખર્ચમાં વધારાને કારણે કંપનીના નફા પર દબાણ આવ્યું હતું.
એરોસ્પેસ અને કન્ઝ્યુમર બિઝનેસનું પ્રદર્શન
એરોસ્પેસ સેગમેન્ટમાંથી કંપનીને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ₹322 કરોડની આવક મળી હતી. નાણાકીય વર્ષ 2027ના પ્રથમ છ મહિનામાં આ સેગમેન્ટની આવક વાર્ષિક ધોરણે 42% વધીને ₹637 કરોડ થઈ હતી.
કન્ઝ્યુમર સેગમેન્ટમાં સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ₹87 કરોડની આવક નોંધાઈ હતી. એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન આ સેગમેન્ટની આવક વધીને ₹168 કરોડ થઈ હતી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹63 કરોડ હતી.
પરિણામો બાદ કંપનીના મેનેજમેન્ટે કન્ઝ્યુમર બિઝનેસમાં EBITDA સ્તરે માર્ચ 2027 ક્વાર્ટર સુધીમાં બ્રેક-ઈવન હાંસલ કરવાનો અગાઉનો લક્ષ્યાંક પાછો ખેંચી લીધો હતો. જોકે, તેના સ્થાને કોઈ નવો બ્રેક-ઈવન લક્ષ્યાંક જાહેર કરવામાં આવ્યો નહોતો.
કંપનીએ માર્ચ 2027 ક્વાર્ટર સુધીમાં કન્ઝ્યુમર બિઝનેસની ઉત્પાદન ક્ષમતાનો 40%થી 50% ઉપયોગ હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
મેનેજમેન્ટે નાણાકીય વર્ષ 2031 સુધીમાં બિઝનેસને ચારથી છ ગણો વધારવાનો અગાઉનો લક્ષ્યાંક પણ પુનરાવર્તિત કર્યો હતો. સાથે જ, કન્ઝ્યુમર બિઝનેસ નાણાકીય વર્ષ 2030માં ચોખ્ખો નફો નોંધાવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
ઓર્ડર બુકમાં 9%નો વધારો
સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે કંપનીની ઓર્ડર બુક ત્રિમાસિક ધોરણે 9% વધીને 110 કરોડ ડૉલર થઈ હતી. આ ઓર્ડર્સ પર આગામી પાંચથી સાત વર્ષ દરમિયાન કામ પૂરું કરવાનું છે.
મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, નજીકના ભવિષ્યમાં ઓર્ડર બુકને લઈને કોઈ મોટું જોખમ દેખાતું નથી.
કંપનીની એરોસ્પેસ ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ વધીને 69% થયો હતો. ભારતમાં આવેલા તેના બિઝનેસમાં આ આંકડો 76% હતો. એરોસ્પેસ ઇન્વેન્ટરી નાણાકીય વર્ષ 2028ના પ્રથમ ક્વાર્ટર સુધીમાં સામાન્ય સ્તરે પહોંચવાની અપેક્ષા છે. કંપનીએ આશરે 120 દિવસની ઇન્વેન્ટરીનું લક્ષ્ય રાખ્યું છે.
કેપેક્સનો અંદાજ ઘટાડ્યો, પ્રમોટર્સ ₹650 કરોડ આપશે
Aequsએ અગાઉ અંદાજેલા ₹600 કરોડના મૂડી ખર્ચ (Capex) કરતાં ઓછો ખર્ચ થવાની શક્યતા વ્યક્ત કરી છે. મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, સમગ્ર નાણાકીય વર્ષ દરમિયાન કેપેક્સ આશરે ₹500 કરોડ રહી શકે છે.
કંપની હવે મૂડી ખર્ચનો મોટો હિસ્સો એરોસ્પેસ બિઝનેસ તરફ વાળી રહી છે. મેનેજમેન્ટે એમ પણ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2028 સુધીમાં વધારાની મૂડી ઊભી કરવાની જરૂરિયાત ઓછી રહેવાની શક્યતા છે.
આ ઉપરાંત, પ્રમોટર્સે પ્રેફરન્શિયલ વૉરન્ટ્સ મારફતે કંપનીમાં ₹650 કરોડનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
રોકાણકારોએ કઈ બાબતો પર નજર રાખવી?
Aequsની આવકમાં 45%ની વૃદ્ધિ નોંધાઈ હોવા છતાં ચોખ્ખી ખોટમાં વધારો અને EBITDAમાં ઘટાડો રોકાણકારો માટે ચિંતાનો વિષય બન્યા છે. કન્ઝ્યુમર બિઝનેસના બ્રેક-ઈવનનો અગાઉનો લક્ષ્યાંક પાછો ખેંચાવાથી પણ કંપનીની નફાકારકતા અંગે પ્રશ્નો ઊભા થાય છે.
આગળના ક્વાર્ટરમાં સપ્લાય ચેઇનની સમસ્યાઓમાં સુધારો, ઓપરેટિંગ માર્જિન, કન્ઝ્યુમર બિઝનેસની ક્ષમતાનો ઉપયોગ અને એરોસ્પેસ સેગમેન્ટની વૃદ્ધિ પર નજર રાખવી મહત્ત્વપૂર્ણ રહેશે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.