વાર્ષિક ધોરણે NSE ના પરિણામો ખૂબ જ મજબૂત રહ્યા છે, પરંતુ પાછલા ક્વાર્ટર (જૂન ક્વાર્ટર) ની સરખામણીએ પ્રદર્શનમાં ઘટાડો જોવા મળ્યો છે.
NSE Q2 Results: દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ 'નેશનલ સ્ટોક એક્સચેન્જ'એ મંગળવાર, 3 નવેમ્બરના રોજ નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ક્વાર્ટરના શાનદાર પરિણામો જાહેર કર્યા છે. વાર્ષિક ધોરણે કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ 23% વધીને 2,578 કરોડ પર પહોંચી ગયો છે. ગયા વર્ષે આ જ ત્રિમાસિક ગાળામાં NSE એ 2,098 કરોડનો નફો કમાયો હતો.
આ ક્વાર્ટર દરમિયાન કંપનીની કુલ આવક પણ વાર્ષિક ધોરણે 9% વધીને 4,554 કરોડ થઈ ગઈ છે, જે એક વર્ષ પહેલા 4,160 કરોડ હતી. સૌથી ખાસ વાત એ છે કે કંપનીનો ઓપરેટિંગ EBITDA 107% ના તોફાની ઉછાળા સાથે 3,079 કરોડ નોંધાયો છે અને EBITDA માર્જિન 76% રહ્યું છે. આ ઉપરાંત પ્રતિ શેર કમાણી પણ 8.48 થી વધીને 10.41 થઈ ગઈ છે.
ત્રિમાસિક ધોરણે પરિણામોમાં જોવા મળી નરમાઈ
વાર્ષિક ધોરણે NSE ના પરિણામો ખૂબ જ મજબૂત રહ્યા છે, પરંતુ પાછલા ક્વાર્ટર (જૂન ક્વાર્ટર) ની સરખામણીએ પ્રદર્શનમાં ઘટાડો જોવા મળ્યો છે. Q2 FY27 માં કંપનીનો નેટ પ્રોફિટ ત્રિમાસિક ધોરણે 17.4% ઘટીને 2,575.9 કરોડ રહ્યો છે, જે જૂન ક્વાર્ટરમાં 3,120.1 કરોડ હતો. આ જ રીતે રેવન્યુ પણ 10.8% ઘટીને 4,066.8 કરોડ રહી છે. જ્યારે EBITDA 13.3% ઘટીને 3,079 કરોડ અને EBITDA માર્જિન 77.86% થી ઘટીને 75.7% પર આવી ગયું છે.
ટ્રાન્ઝેક્શન ચાર્જમાંથી 3,035 કરોડની બમ્પર કમાણી
શેરબજારના કેશ માર્કેટ અને ઇક્વિટી ઓપ્શન્સમાં વધેલા ટ્રેડિંગ વોલ્યુમનો સીધો ફાયદો NSE ને મળ્યો છે, જેની મુખ્ય વિગતો નીચે મુજબ છે.
ટ્રાન્ઝેક્શન ચાર્જ: ટ્રાન્ઝેક્શન ચાર્જમાંથી થતી આવક વાર્ષિક ધોરણે 9% વધીને 3,035 કરોડ થઈ ગઈ છે.
ટ્રેડિંગ વોલ્યુમ: કેશ માર્કેટમાં સરેરાશ દૈનિક ટ્રેડિંગ વોલ્યુમ 24% વધીને 1,18,377 કરોડ રહ્યું છે. જ્યારે ઇક્વિટી ઓપ્શન્સમાં પ્રીમિયમ વેલ્યુના આધારે વોલ્યુમ 3% વધીને 47,977 કરોડ પર પહોંચ્યું છે.
અન્ય સેવાઓમાંથી આવક: ડેટા ફીડ અને ટર્મિનલ સર્વિસીસમાંથી થતી આવક 43% વધીને 165 કરોડ રહી છે. જ્યારે નવા IPO અને લિસ્ટિંગ સર્વિસીસમાંથી થતી કમાણી 70% ના મોટા ઉછાળા સાથે 150 કરોડ થઈ ગઈ છે.
ખર્ચમાં 51% નો મોટો ઘટાડો, પ્રથમ છ માસમાં નફો 13% વધ્યો
વાર્ષિક ધોરણે NSE નો કુલ ખર્ચ 51% ઘટીને 1,161 કરોડ રહી ગયો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં કંપનીએ કો-લોકેશન અને ડાર્ક ફાઇબર કેસમાં SEBI સેટલમેન્ટ ફી પેટે 1,297 કરોડની જોગવાઈ કરી હતી, જેના કારણે ગયા વર્ષનો ખર્ચ ઘણો વધારે દેખાયો હતો.
નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ છ મહિનાના આંકડા પર નજર કરીએ તો, NSE ની કુલ આવક 9% વધીને 9,807 કરોડ થઈ છે. ઓપરેટિંગ EBITDA 45% વધીને 6,674 કરોડ રહ્યો છે અને ચોખ્ખો નફો 13% વધીને 5,698 કરોડ પર પહોંચ્યો છે.
સરકારી તિજોરીમાં જમા કરાવ્યા 41,234 કરોડ!
NSE એ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં સરકારી તિજોરીમાં 41,234 કરોડનું જંગી યોગદાન આપ્યું છે. જેમાં નીચે મુજબના ટેક્સ અને ફી સામેલ છે.
STT અને CTT: 34,788 કરોડ
ઇન્કમ ટેક્સ: 2,885 કરોડ
સ્ટેમ્પ ડ્યુટી: 1,926 કરોડ
GST: 1,171 કરોડ
SEBI ફી: 464 કરોડ
આ ઉપરાંત, NSE ના બોર્ડે પોતાની સબસિડિયરી કંપની નેશનલ કોલ એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડમાંથી 40% સુધીનો હિસ્સો વેચવાની પણ મંજૂરી આપી દીધી છે. આ વેચાણ એક અથવા અલગ-અલગ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે BSE પર NSE ના શેર 24.10 એટલે કે 1.35% ના ઘટાડા સાથે 1,803.80 પર બંધ થયા હતા.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.