એરટેલની હોમ બ્રોડબેન્ડ સેવાની આવકમાં 4.4% નો વધારો થયો છે. કંપનીએ આ ક્વાર્ટરમાં 4.73 લાખ નવા બ્રોડબેન્ડ કસ્ટમર્સ ઉમેર્યા છે. જ્યારે 'એરટેલ બિઝનેસ' ની આવકમાં 3.2%નો વધારો થયો છે.
Airtel Q1 Results: દેશની અગ્રણી ટેલિકોમ કંપની ભારતી એરટેલે જૂન ક્વાર્ટર માટે પોતાના શાનદાર પરિણામો જાહેર કર્યા છે. આ ક્વાર્ટરમાં કંપનીના નફા અને આવક બંનેમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. એટલું જ નહીં, એરટેલે ગ્રાહકો ઉમેરવાની બાબતમાં પોતાનો જ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સાથે જ આફ્રિકાના બિઝનેસ અને બ્રોડબેન્ડ સેવાઓએ પણ કંપનીના ગ્રોથને મજબૂતી આપી છે.
નફો અને આવકમાં મોટો વધારો
એરટેલે જાહેર કરેલા આંકડા મુજબ, જૂન ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 11.5% વધીને 8,167 કરોડ રૂપિયા રહ્યો છે. જોકે, માર્કેટના એક્સપર્ટ્સને 8,374 કરોડ રૂપિયાના નફાની અપેક્ષા હતી, એટલે કે નફો અંદાજ કરતા થોડો ઓછો રહ્યો છે. બીજી તરફ, જો આવકની વાત કરીએ તો, ક્વાર્ટરના આધારે તેમાં 5.7% નો વધારો થયો છે અને તે 58,539 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. આ આંકડો બજારના 57,054 કરોડ રૂપિયાના અંદાજ કરતા ઘણો સારો છે.
EBITDA અને માર્જિનમાં પણ સુધારો
કંપનીના કામકાજના નફા એટલે કે EBITDA માં જૂન ક્વાર્ટરમાં 6.7% નો વધારો થયો છે અને તે 33,599 કરોડ રૂપિયા થઈ ગયો છે. જ્યારે EBITDA માર્જિન પણ વધીને 57.4% પર પહોંચી ગયું છે, જે બજારના 57.1% ના અંદાજ કરતા વધુ સારું છે.
ગ્રાહકોની સંખ્યામાં ઐતિહાસિક ઉછાળો અને ARPU વધ્યો
આ ક્વાર્ટર એરટેલ માટે ગ્રાહકો ઉમેરવાની બાબતમાં ઐતિહાસિક રહ્યું છે, કંપનીએ આ એક જ ક્વાર્ટરમાં 10 લાખ નવા પોસ્ટપેડ ગ્રાહકો ઉમેર્યા છે. કંપનીના ઇતિહાસમાં કોઈ એક ક્વાર્ટરમાં આ સૌથી મોટો વધારો છે. આ ઉપરાંત 50 લાખ નવા સ્માર્ટફોન યુઝર્સ પણ એરટેલ સાથે જોડાયા છે. ટેલિકોમ કંપનીઓ માટે સૌથી મહત્વના ગણાતા પ્રતિ ગ્રાહક સરેરાશ આવકના આંકડામાં પણ નવી ઊંચાઈ જોવા મળી છે. એરટેલનો ARPU વધીને 264 રૂપિયા થઈ ગયો છે, જે એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં 250 રૂપિયા હતો. ભારતમાં કંપનીના મોબાઈલ બિઝનેસની આવકમાં પણ 4.2% નો વધારો જોવા મળ્યો છે.
બ્રોડબેન્ડ અને આફ્રિકાના બિઝનેસનો મજબૂત સપોર્ટ
એરટેલની હોમ બ્રોડબેન્ડ સેવાની આવકમાં 4.4% નો વધારો થયો છે. કંપનીએ આ ક્વાર્ટરમાં 4.73 લાખ નવા બ્રોડબેન્ડ કસ્ટમર્સ ઉમેર્યા છે. જ્યારે 'એરટેલ બિઝનેસ' ની આવકમાં 3.2%નો વધારો થયો છે.
આફ્રિકાના બિઝનેસમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી છે. સ્થિર ચલણના આધારે ત્યાંની આવક 5.7% વધી છે. નોંધનીય છે કે, એરટેલે શેર સ્વેપ ડીલ દ્વારા Airtel Africa માં પોતાનો હિસ્સો વધારીને 79% થી વધુ કરી લીધો છે.
ડેટા વપરાશ અને રોકાણમાં વધારો
અત્યારે એરટેલના કુલ મોબાઈલ ગ્રાહકોમાંથી 80% લોકો સ્માર્ટફોન યુઝર્સ છે.પ્રતિ ગ્રાહક દર મહિને સરેરાશ ડેટાનો વપરાશ 36% વધીને 34.4 GB થઈ ગયો છે.છેલ્લા એક વર્ષમાં કંપનીએ 37 લાખ નવા હોમ બ્રોડબેન્ડ ગ્રાહકો બનાવ્યા છે. ભવિષ્યની તૈયારી રૂપે, એરટેલે નેટવર્ક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે 13,386 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે. જેમાંથી 9,698 કરોડ રૂપિયા માત્ર ભારતમાં જ રોકવામાં આવ્યા છે.
શેરબજારમાં એરટેલના શેરની સ્થિતિ
આ પરિણામો વચ્ચે મંગળવારે શેરબજારમાં એરટેલનો શેર 0.78% ના સામાન્ય ઘટાડા સાથે 1,955.10 રૂપિયા પર બંધ થયો હતો. જો લાંબા ગાળાની વાત કરીએ તો, છેલ્લા 6 મહિનામાં આ શેરમાં 3.49% નો ઘટાડો નોંધાયો છે, જ્યારે 1 વર્ષમાં તેણે લગભગ 2% નું સાધારણ રિટર્ન આપ્યું છે. હાલમાં ભારતી એરટેલનું કુલ માર્કેટ કેપ 11.72 લાખ કરોડ રૂપિયા છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.