ભારતમાં વિદેશી રોકાણ વધારવા સરકારે રજૂ કર્યું નવું બિલ, વિદેશી રોકાણકારોને મળશે મોટી ટેક્સ રાહત
ભારતમાં વિદેશી રોકાણ લાવવા અને ગ્લોબલ ફંડ્સને આકર્ષવા સરકારે સંસદમાં નવું બિલ રજૂ કર્યું છે. જેમાં FPIs, REITs, ડેટા સેન્ટર અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરને ટેક્સમાં મોટી રાહત અપાઈ છે.
આ નવા બિલ હેઠળ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ માટે રોકાણની શરતો એકદમ હળવી કરવાનો પ્રસ્તાવ છે. કાયદામાં માત્ર એવા જ નિયમો રાખવામાં આવ્યા છે જે કોઈ પણ પ્રકારના દુરુપયોગને રોકી શકે.
ભારતમાં વિદેશી રોકાણનો પ્રવાહ વધારવા અને દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે સરકારે સંસદમાં એક અત્યંત મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યું છે. 'ટેક્સેશન એન્ડ અધર લોઝ બિલ' નામનું આ બિલ વિદેશી રોકાણકારો અને ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ માટે મોટી રાહતના સમાચાર લઈને આવ્યું છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવેલું આ બિલ મુખ્યત્વે 3 થીમ પર કામ કરશે: FDI, મેક ઇન ઇન્ડિયા અને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ. ચાલો જાણીએ આ બિલથી કયા સેક્ટરને અને કોને કેટલો ફાયદો થશે.
ગ્લોબલ ફંડ્સ અને FPIs માટે નિયમો બન્યા સરળ
આ નવા બિલ હેઠળ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ માટે રોકાણની શરતો એકદમ હળવી કરવાનો પ્રસ્તાવ છે. કાયદામાં માત્ર એવા જ નિયમો રાખવામાં આવ્યા છે જે કોઈ પણ પ્રકારના દુરુપયોગને રોકી શકે. FPIs માટે ટેક્સના નિયમો વધુ સ્પષ્ટ અને કાયમી બનાવવામાં આવ્યા છે. આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે ગ્લોબલ ફંડ મેનેજર્સ હવે સરળતાથી પોતાનું ફંડ ભારતમાં રિલોકેટ કરી શકશે.
નાના રોકાણકારો માટે ખુશખબર: REIT અને InvITમાં ટેક્સ છૂટ
સરકારનો ભાર નાના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા પર છે. આ જ કારણસર બિલમાં REIT અને InvIT રોકાણકારોને મોટી રાહત આપવામાં આવી છે. આ ઇન્વેસ્ટમેન્ટ પર મળતા ડિવિડન્ડ પર ટેક્સ છૂટ ચાલુ જ રહેશે. નવી ટેક્સ સિસ્ટમ લાગુ થવા છતાં પણ તેમાં ટેક્સ-ફ્રી ડિવિડન્ડની જોગવાઈ રાખવામાં આવી છે, જેથી ટેક્સ રિજીમ બદલાવવાથી રોકાણકારો પર કોઈ નકારાત્મક અસર નહીં પડે.
ડેટા સેન્ટર અને મંજૂરીની પ્રક્રિયામાં સરળતા
ડિજિટલ યુગમાં ડેટા સેન્ટરની વધતી માંગને જોતા સરકાર આ સેક્ટરને પણ મોટી ટેક્સ રાહત આપવાની તૈયારીમાં છે. હવેથી ડેટા સેન્ટર ઉભા કરવા માટે મંજૂરીની પ્રક્રિયા એકદમ સરળ બની જશે અને સરકારી મંજૂરીને લગતી ઘણી જટિલ શરતો રદ કરવામાં આવશે.
ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર માટે ટેક્સ છૂટ 10 વર્ષ લંબાવાઈ
મેક ઇન ઇન્ડિયાને વેગ આપવા માટે સરકારે ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર મોટો દાવ રમ્યો છે. બિલ દ્વારા ઇન્કમ-ટેક્સ એક્ટ, 2025 ના શેડ્યૂલ IV માં સુધારો કરવામાં આવશે.
જે અંતર્ગત ભારતમાં કામ કરતી કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને મશીનરી, ઇક્વિપમેન્ટ કે ટૂલિંગ સપ્લાય કરતી વિદેશી કંપનીઓને મળતી ટેક્સ છૂટને વધારી દેવાઈ છે. આ છૂટ જે પહેલા નાણાકીય વર્ષ 2031 સુધી હતી, તે વધારીને 2041 સુધી એટલે કે પૂરા 10 વર્ષ માટે લંબાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
જોકે, આ માટે અમુક શરતો લાગુ રહેશે
કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર 'કસ્ટમ બોન્ડેડ એરિયા' માં હોવો ફરજિયાત છે. વિદેશી કંપનીની મદદથી બનતી પ્રોડક્ટ્સનો ઉપયોગ ભારતમાં જ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ માટે થવો જોઈએ. આ ખાસ ઇલેક્ટ્રોનિક સામાનમાં મોબાઈલ ફોન, લેપટોપ, ટેબલેટ, સર્વર, વિયરેબલ્સ અને એસેસરીઝનો સમાવેશ થાય છે.