એશિયન બજારોમાં કડાકો: નિક્કી અને કોસ્પી 1.5% તૂટ્યા, જાણો ગ્લોબલ માર્કેટમાં ઘટાડા પાછળનું મોટું કારણ
એશિયન બજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. નિક્કી અને કોસ્પી 1.5% તૂટ્યા છે. ઈરાન-અમેરિકા વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ વિવાદ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવની શેરબજાર પર સીધી અસર.
શેરબજાર અને ક્રૂડ ઓઇલની ઊથલપાથલ વચ્ચે સોનાના ભાવ સ્થિર રહ્યા છે. સ્પોટ ગોલ્ડની કિંમત 4,235.57 ડોલર પ્રતિ ઔંસ પર જળવાઈ રહી છે. આ સાથે સોનામાં 4.8% ની મોટી સાપ્તાહિક તેજી જોવા મળી છે.
Asian markets: આજના લેટેસ્ટ ગ્લોબલ માર્કેટ અપડેટ મુજબ, એશિયન બજારોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. રોકાણકારોમાં હાલ બે મુખ્ય કારણોસર ચિંતાનો માહોલ છે - એક તરફ હોર્મુઝ જળસંધિને લઈને ચાલી રહેલા વિવાદના કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકાના જોબ્સ રિપોર્ટ અને વ્યાજ દરો અંગેના નિર્ણયોની રાહ જોવાઈ રહી છે. આ અનિશ્ચિતતાની સીધી અસર દુનિયાભરના શેર બજારો પર પડી છે.
એશિયન માર્કેટની આજની સ્થિતિ
એશિયન બજારોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. જાપાનનો નિક્કી અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 1.5 ટકા સુધી તૂટ્યો છે. નિક્કી 0.96 ટકાના ઘટાડા સાથે 65,061.00 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે.
કોસ્પી 0.61 ટકાનો ઘટાડો નોંધાયો છે. તાઇવાન માર્કેટ 0.24 ટકા ઘટીને 44,290.00 ના સ્તર પર છે. હેંગસેંગ 0.35 ટકાના મામૂલી વધારા સાથે 25,436.00 પર જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ટાઇમ્સ 0.34 ટકાનો વધારો દર્શાવે છે. શાંઘાઈ કમ્પોઝિટ 0.24 ટકાના વધારા સાથે 3,909.90ના સ્તર પર છે.
વોલ સ્ટ્રીટની ચાલ
અમેરિકન બજારોમાં રોકાણકારો જુલાઈ મહિનાના જોબ્સ રિપોર્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેના કારણે યુએસ સ્ટોક ફ્યુચર્સમાં કોઈ મોટી હલચલ જોવા મળી નથી. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ ફ્યુચર્સ માત્ર 17 પોઇન્ટ (0.03%) ઘટ્યો છે, જ્યારે S&P 500 ફ્યુચર્સમાં 0.04% અને નાસ્ડેક 100 ફ્યુચર્સમાં 0.3% નો સામાન્ય વધારો જોવા મળ્યો છે.
અગાઉના સેશનમાં, ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે વોલ સ્ટ્રીટમાં મોટું દબાણ જોવા મળ્યું હતું. ડાઉ જોન્સ 460 પોઇન્ટ (0.9%) થી વધુ તૂટ્યો હતો, જેના કારણે સળંગ પાંચ દિવસથી ચાલતી તેજીને બ્રેક લાગી હતી. આ ઉપરાંત, S&P 500 માં 0.2% અને નાસ્ડેક કમ્પોઝિટમાં 0.1% નો ઘટાડો નોંધાયો હતો.
ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો અને યુએસ-ઈરાન ટેન્શન
શેરબજારમાં ઘટાડાનું સૌથી મોટું કારણ ગ્લોબલ જિયોપોલિટિકલ ટેન્શન છે. હોર્મુઝ જળસંધિ સુધીની પહોંચ અંગે નવી ચિંતાઓ ઉભી થતાં ક્રૂડ ઓઇલના ભાવ ફરી ઉંચકાયા છે. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 1.2% (99 સેન્ટ) વધીને 83.48 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. WTI ક્રૂડ ફ્યુચર્સ 1.1% (85 સેન્ટ) વધીને 78.84 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.
શું છે ઈરાનનો પ્લાન?
વિશ્વના કુલ ઓઇલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ શિપમેન્ટનો 20% હિસ્સો હોર્મુઝ જળસંધિમાંથી પસાર થાય છે. ઈરાન એક નવો કાયદો લાવવા પર વિચાર કરી રહ્યું છે, જેના હેઠળ અમેરિકા અને ઇઝરાયેલ જેવા 'દુશ્મન દેશો' ના જહાજોને આ રૂટ પરથી પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવશે.
જો કોઈ જહાજ નિયમ તોડશે, તો તેના પર કાર્ગોની કુલ કિંમતના 20% જેટલો જંગી દંડ ફટકારવામાં આવશે. વધુમાં, ઈરાન આ રૂટ પરથી પસાર થતા જહાજો પાસે 5% થી 7% ટ્રાન્ઝિટ ફી વસૂલવા માંગે છે. જ્યારે ઓમાન 3% ફી માટે ચર્ચા કરી રહ્યું છે, સામે પક્ષે અમેરિકાની માંગ છે કે જહાજો માટે આ માર્ગ સંપૂર્ણપણે ફ્રી રહેવો જોઈએ.
સોનાના ભાવની લેટેસ્ટ સ્થિતિ
શેરબજાર અને ક્રૂડ ઓઇલની ઊથલપાથલ વચ્ચે સોનાના ભાવ સ્થિર રહ્યા છે. સ્પોટ ગોલ્ડની કિંમત 4,235.57 ડોલર પ્રતિ ઔંસ પર જળવાઈ રહી છે. આ સાથે સોનામાં 4.8% ની મોટી સાપ્તાહિક તેજી જોવા મળી છે. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 0.1% ના નજીવા ઘટાડા સાથે 4,293.80 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.