Stock Market Crash: સતત બે દિવસની તેજી બાદ ભારતીય શેરબજાર માટે શુક્રવારનો દિવસ ‘બ્લેક ફ્રાઈડે’ સાબિત થયો છે. 27 માર્ચના રોજ બજાર ખુલતાની સાથે જ રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી હતી, જેના કારણે ચારેય તરફ લાલ નિશાન દેખાઈ રહ્યા છે.
આજે સવારે સેન્સેક્સ 74,883.79 ના સ્તરે ખૂલ્યો હતો, પરંતુ થોડી જ વારમાં વેચવાલીનું દબાણ એટલું વધ્યું કે સેન્સેક્સમાં 1200 અંકોનો જંગી ઘટાડો નોંધાયો અને તે 74,000 ના સ્તરની આસપાસ આવી ગયો. બીજી તરફ, નિફ્ટીની હાલત પણ કફોડી બની હતી. નિફ્ટી પણ લાલ નિશાનમાં 23,173.55 પર ખૂલ્યો હતો અને ત્યારબાદ પાછલી ક્લોઝિંગથી 358.35 અંક તૂટીને 22,948.10 ના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. આમ, નિફ્ટીએ 23,000 નું મહત્વનું લેવલ તોડી નાખ્યું છે.
રૂપિયો પાતાળમાં: ઐતિહાસિક નીચી સપાટીએ
માત્ર શેરબજાર જ નહીં, પરંતુ ભારતીય કરન્સી માર્કેટમાં પણ ગભરાટનો માહોલ છે. ભારતીય રૂપિયો અમેરિકન ડોલરની સામે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. શુક્રવારે રૂપિયો તૂટીને 94 ના લેવલથી પણ નીચે સરકી ગયો હતો.
શેરબજારમાં આવેલા આ મોટા ઘટાડા પાછળના 7 મુખ્ય કારણો
બજારમાં અચાનક આવેલી આ મંદી પાછળ કોઈ એક નહીં પણ અનેક કારણો જવાબદાર છે. ચાલો જાણીએ કે આખરે કેમ શેરબજારમાં આજે સુનામી આવી છે.
1. નફા વસૂલી (Profit Booking)
ગત 24 અને 25 માર્ચના રોજ શેરબજારમાં સારી રિકવરી જોવા મળી હતી અને સૂચકાંકોમાં લગભગ 3.5% નો ઉછાળો આવ્યો હતો. એક્સપર્ટ્સનું માનવું છે કે 27 માર્ચે રોકાણકારોએ નફો બુક કરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને એવા રોકાણકારો જેમણે ઊંચા લેવલે શેર લીધા હતા અને ફસાયેલા હતા, તેઓ આ તેજીનો લાભ લઈને માર્કેટમાંથી બહાર નીકળી રહ્યા છે.
2. જીયો-પોલિટિકલ ટેન્શન (Geopolitical Tensions)
વૈશ્વિક સ્તરે યુદ્ધ અને તણાવની સ્થિતિએ બજારનો મૂડ બગાડ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઉર્જા પ્લાન્ટ્સ પરના હુમલા પરનો પ્રતિબંધ 6 એપ્રિલ સુધી લંબાવ્યો છે, પરંતુ સામે પક્ષે ઈરાન પણ નમતું જોખવા તૈયાર નથી. ઈરાનના આ કડક વલણને કારણે અનિશ્ચિતતા વધી છે, જેની સીધી અસર શેરબજાર પર પડી છે.
3. અમેરિકા અને એશિયન બજારોમાં કડાકો
વૈશ્વિક બજારોની નરમાઈની અસર ભારતીય બજાર પર જોવા મળી છે. 26 માર્ચે અમેરિકન માર્કેટમાં લગભગ 2% નો ઘટાડો થયો હતો. આ ઉપરાંત, 10 વર્ષના અમેરિકન ટ્રેઝરી યીલ્ડ 4.4% ને પાર કરી ગયા છે. વોલ સ્ટ્રીટના સૂચકાંકો સપ્ટેમ્બર પછીના સૌથી નીચલા સ્તરે છે. આની અસર એશિયાના અન્ય બજારો પર પણ થઈ છે; દક્ષિણ કોરિયાનું માર્કેટ 2.7% અને તાઈવાનનું માર્કેટ 1.4% તૂટ્યું હતું.
4. કાચા તેલ (Crude Oil)માં ભડકો
થોડા સમય સુધી શાંત રહ્યા બાદ ક્રૂડ ઓઈલના ભાવ ફરી આસમાને પહોંચવા લાગ્યા છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલ દીઠ 108 ડોલરની નજીક પહોંચી ગયો છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ આયાત કરે છે, તેથી ક્રૂડના વધતા ભાવ ભારતીય અર્થતંત્ર અને શેરબજાર માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે.
5. રૂપિયો રેકોર્ડ લો લેવલ પર (Weak Rupee)
જેમ અગાઉ જણાવ્યું તેમ, રૂપિયો ડોલર સામે 94.44 ના સ્તરે પહોંચી ગયો છે. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઉર્જા સંકટ ઘેરું બની શકે છે, તેવી ભીતિ છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષ બાદ રૂપિયામાં લગભગ 4% નો ઘટાડો જોવા મળ્યો છે. નબળો રૂપિયો વિદેશી રોકાણકારોને ભારતીય બજારથી દૂર કરે છે.
6. વિદેશી રોકાણકારોની સતત વેચવાલી (FII Selling)
છેલ્લા બે દિવસમાં બજારમાં તેજી હોવા છતાં, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ વેચવાલી ચાલુ રાખી હતી. તેઓ બંને દિવસ નેટ સેલર્સ (Net Sellers) રહ્યા હતા. એક્સપર્ટ્સ મુજબ, જ્યાં સુધી વિદેશી રોકાણકારો ફરીથી ખરીદી શરૂ નહીં કરે ત્યાં સુધી બજાર પરનું દબાણ ઓછું થવાની શક્યતા નહિવત છે.
7. વોલેટિલિટી ઇન્ડેક્સ (India VIX) માં ઉછાળો
બજારમાં ડર અને અસ્થિરતા માપતો ઇન્ડેક્સ એટલે કે 'India VIX' આજે 7.5% વધીને 26.53 ના સ્તરે પહોંચી ગયો છે. VIX નો વધારો એ સંકેત આપે છે કે આગામી સમયમાં બજારમાં વધુ ઉથલપાથલ અને વેચવાલીનું દબાણ જોવા મળી શકે છે.
આમ, વૈશ્વિક અને સ્થાનિક એમ બંને પરિબળો ભેગા થવાને કારણે શેરબજારમાં આજે મોટું ગાબડું પડ્યું છે. રોકાણકારો માટે અત્યારે 'થોભો અને રાહ જુઓ' ની નીતિ અપનાવવી વધુ હિતાવહ હોઈ શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.