આજે બેંકિંગ શેરોમાં જોરદાર ખરીદીનો માહોલ રહ્યો. બેંકિંગ શેરોના સપોર્ટના કારણે નિફ્ટી બેંક ઈન્ડેક્સ (Nifty Bank Index) લગભગ 1.5 ટકાના ઉછાળા સાથે મજબૂતીથી બંધ થયો હતો.
Closing Bell : આજે શેરબજારમાં રોકાણકારો માટે ખૂબ જ સારો દિવસ રહ્યો. સેન્સેક્સની વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં શરૂઆતથી જબરદસ્ત જોશ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. બજારમાં સળંગ ખરીદીને કારણે ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને મોટા ઉછાળા સાથે લીલા નિશાનમાં બંધ થયા છે.
સેન્સેક્સ અને નિફ્ટીના મુખ્ય આંકડા
બજાર બંધ થવાના સમયે મુખ્ય ઈન્ડેક્સના આંકડાઓ પર નજર કરીએ તો સ્થિતિ ખૂબ જ મજબૂત જોવા મળી છે.
સેન્સેક્સ: બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ 789.74 પોઈન્ટ (એટલે કે 1.06 ટકા) ના જોરદાર ઉછાળા સાથે 75,398.72 ના સ્તર પર બંધ થયો છે.
નિફ્ટી : નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ પણ પાછળ રહ્યો નથી. નિફ્ટી 277.00 પોઈન્ટ (એટલે કે 1.18 ટકા) ના વધારા સાથે 23,689.60 ની સપાટીએ બંધ રહ્યો છે.
કયા સેક્ટરમાં તેજી અને ક્યાં ઘટાડો?
આજના બજારમાં અલગ-અલગ સેક્ટરમાં રોકાણકારો તરફથી મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. અમુક સેક્ટરે બજારને નવી ઊંચાઈ પર પહોંચાડ્યું, જ્યારે અમુક સેક્ટરમાં દબાણ જોવા મળ્યું.
બેંકિંગ સેક્ટરમાં તેજી: આજે બેંકિંગ શેરોમાં જોરદાર ખરીદીનો માહોલ રહ્યો. બેંકિંગ શેરોના સપોર્ટના કારણે નિફ્ટી બેંક ઈન્ડેક્સ (Nifty Bank Index) લગભગ 1.5 ટકાના ઉછાળા સાથે મજબૂતીથી બંધ થયો હતો.
મિડકેપ શેરોમાં ચમકારો: દિગ્ગજ શેરોની સાથે બ્રોડર માર્કેટમાં પણ સારો સપોર્ટ મળ્યો હતો. આજે મિડકેપ ઈન્ડેક્સ (Midcap Index) પણ વધારા સાથે લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યો છે.
IT સેક્ટરમાં કડાકો: એક તરફ આખા બજારમાં તેજી અને ઉત્સાહ હતો, તો બીજી તરફ IT શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. આજે IT ઈન્ડેક્સ લગભગ 2 ટકાના ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયો હતો.