US-Israel Attack Iran: ઈઝરાયેલ-અમેરિકાનો ઈરાન પર હુમલાથી ક્રૂડ ઓઈલમાં ઉછાળો, 2 માર્ચે શેરબજારમાં મોટા કડાકાની ભીતિ
ઈઝરાયેલ-અમેરિકાના ઈરાન પર હુમલાથી મિડલ ઈસ્ટમાં તણાવ. ક્રૂડના ભાવ ઉછળ્યા. 2 માર્ચે ભારતીય શેરબજારમાં મોટા કડાકાની ભીતિ. જાણો તમારા ખિસ્સા પર શું અસર થશે.
એનરિચ મનીના સીઈઓ પોનુમુદી આર. માને છે કે મિડલ ઈસ્ટનો આ તણાવ ભારત માટે ખૂબ જ ચિંતાજનક છે.
US-Israel Attack Iran: ખાડી દેશોમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાયા છે. ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન પર મોટો હુમલો કર્યો છે, અને સામે ઈરાને પણ મિસાઈલ હુમલાથી જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ભૌગોલિક-રાજકીય તણાવની સીધી અસર દુનિયાભરના શેરબજારો અને કોમોડિટી માર્કેટ પર પડવાની પૂરી શક્યતા છે.
2 માર્ચે શેરબજારમાં આવી શકે છે મોટો ભૂકંપ
એનાલિસ્ટ્સનું માનવું છે કે 2 માર્ચના રોજ ભારત અને અમેરિકા સહિત વિશ્વના મોટા શેરબજારોમાં જંગી વેચવાલી (Sell-off) જોવા મળી શકે છે.
વેલ્થમિલ સિક્યોરિટીઝના ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ ક્રાંતિ બાથિનીના જણાવ્યા અનુસાર, જ્યારે પણ આવું કોઈ યુદ્ધ શરૂ થાય છે, ત્યારે બજારમાં નેગેટિવિટી વધે છે અને વેચવાલીનું દબાણ આવી જાય છે. આની શરૂઆત બજારમાં એક મોટા કડાકા સાથે થઈ શકે છે. હવે માર્કેટની નજર એ વાત પર છે કે આ ટકરાવ થોડા સમય પૂરતો છે કે પછી લાંબા યુદ્ધમાં ફેરવાશે.
ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય
એનરિચ મનીના સીઈઓ પોનુમુદી આર. માને છે કે મિડલ ઈસ્ટનો આ તણાવ ભારત માટે ખૂબ જ ચિંતાજનક છે. કારણ કે ભારત મોટા પાયે વિદેશથી ક્રૂડ ઓઈલની આયાત કરે છે. ક્રૂડના ભાવ વધવાથી સરકારના આર્થિક ગણિત પર સીધી અસર પડશે. શેરબજારના સેન્ટિમેન્ટની વાત કરીએ તો, ફેબ્રુઆરી મહિનામાં માર્કેટમાં પહેલેથી જ મોટો ઘટાડો જોવા મળ્યો છે અને હવે આ યુદ્ધ આગમાં ઘી હોમવાનું કામ કરશે.
ક્રૂડના ભાવ આસમાને: 80 ડોલર પાર કરશે તો મુશ્કેલી
બજાર નિષ્ણાત બાથિનીએ વધુમાં જણાવ્યું કે, અત્યારે ક્રૂડની કિંમત 67 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડમાં પહેલેથી જ 2 ટકાનો ઉછાળો આવી ચૂક્યો છે. જો આ યુદ્ધ વકરે અને ક્રૂડનો ભાવ 80 ડોલર પ્રતિ બેરલની સપાટી ક્રોસ કરી જાય, તો ભારતીય બજાર પર મોટું દબાણ આવશે અને લાંબા ગાળે ભારે વેચવાલી જોવા મળશે.
સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર થશે?
આ લડાઈ માત્ર દેશો વચ્ચે નથી, તેની સીધી અસર તમારા ખિસ્સા પર પણ પડશે:
વધતી મોંઘવારી: ક્રૂડ ઓઈલ મોંઘુ થવાનો સીધો અર્થ એ છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે, જેનાથી ચીજવસ્તુઓના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધશે અને મોંઘવારી (Inflation) માથું ઊંચકશે.
કંપનીઓ પર દબાણ: ક્રૂડના ભાવ વધતા ઓઈલ કંપનીઓ અને પેઇન્ટ બનાવતી કંપનીઓ પર આર્થિક દબાણ વધશે.
હવાઈ મુસાફરી થશે મોંઘી: યુદ્ધના માહોલ વચ્ચે ઘણી એરલાઇન્સ મિડલ ઈસ્ટના રૂટ પરથી ઉડાન ભરવાનું બંધ કરી દેશે. આનાથી એવિએશન કંપનીઓનો ઓપરેશનલ ખર્ચ વધશે, જેના પરિણામે વિદેશ જવાની ફ્લાઇટની ટિકિટો ખૂબ જ મોંઘી થઈ જશે.
રોકાણકારો માટે ખાસ સલાહ
એક્સપર્ટ્સ સ્પષ્ટ ચેતવણી આપી રહ્યા છે કે ઇન્વેસ્ટર્સે 2 માર્ચે બજારમાં આવનારા મોટા કડાકા માટે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ. અત્યારે બંને પક્ષો આક્રમક મૂડમાં છે અને ઈરાને વળતો પ્રહાર શરૂ કરી દીધો છે, તેથી યુદ્ધ વકરવાની પૂરી શક્યતા છે. આ સંજોગોમાં ટ્રેડર્સને બજારમાં હાલ પૂરતી કોઈ મોટી કે નવી પોઝિશન લેવાનું ટાળવાની ખાસ સલાહ આપવામાં આવે છે.