FPI selling: શેરબજારમાં વિદેશી રોકાણકારોનો મોટો ઝટકો, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં જ ખેંચી લીધા 7443 કરોડ રૂપિયા
FPI selling in Indian stock market: ભારતીય શેરબજારમાં સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં જ FPI એટલે કે વિદેશી રોકાણકારો એ 7443 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જાણો ક્રૂડ ઓઇલ અને યુએસ બોન્ડ યીલ્ડની બજાર પર શું અસર પડી રહી છે.
2026માં FPIનું કુલ સેલિંગ 2.32 લાખ કરોડે પહોંચ્યું
FPI selling in Indian stock market: ભારતીય શેરબજારમાં સતત બે મહિના સુધી ધૂમ ખરીદી કર્યા પછી વિદેશી રોકાણકારો એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ ફરી એકવાર વેચાણકર્તા બની ગયા છે. લેટેસ્ટ ડેટા મુજબ, સપ્ટેમ્બર મહિનાના પહેલા જ અઠવાડિયામાં તેમણે ભારતીય શેરબજારમાંથી 7443 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.
2026માં FPIનું કુલ સેલિંગ 2.32 લાખ કરોડે પહોંચ્યું
સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાના આ સેલિંગ સાથે વર્ષ 2026માં અત્યાર સુધીમાં ભારતીય બજારમાં FPIનું કુલ વેચાણ વધીને 2.32 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા વર્ષ 2025 માં તેમણે 1.66 લાખ કરોડ રૂપિયાનું સેલિંગ કર્યું હતું. જોકે, આ પહેલા જુલાઈ મહિનામાં વિદેશી રોકાણકારોએ 20200 કરોડ રૂપિયા અને ઓગસ્ટમાં 30919 કરોડ રૂપિયાનું મોટું રોકાણ કર્યું હતું. પરંતુ માર્ચથી જૂન સુધીના સતત 4 મહિના સુધી તેઓ બજારમાં વેચવાલી જ કરતા રહ્યા હતા.
કાચા તેલની કિંમતો: ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલા ઉછાળાને કારણે વિદેશી રોકાણકારો ચિંતામાં છે.
અમેરિકન બોન્ડ યીલ્ડ અને ડોલર: યુએસ બોન્ડ યીલ્ડમાં થયેલો વધારો અને ડોલરનું સતત મજબૂત રહેવું રોકાણકારોનું રિસ્ક લેવાનું વલણ ઘટાડી રહ્યું છે.
માર્કેટ એક્સપર્ટ્સ શું કહે છે?
શેરબજારના નિષ્ણાતો આ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે:
રાજકુમાર રાઠી (ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર, યસ સિક્યોરિટીઝ): તેમના મતે ક્રૂડ ઓઇલના ભાવમાં આવેલી તેજી આ સેલિંગ પાછળનું મુખ્ય કારણ છે. આનાથી ભારતમાં મોંઘવારી વધવાની અને કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ ની સ્થિતિ બગડવાની ચિંતા ઊભી થઈ છે.
વી. કે. વિજયકુમાર (ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ, જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્સ): તેઓ માને છે કે આવનારા સમયમાં ગ્લોબલ બોન્ડ યીલ્ડ જ FPI નો મૂડ અને બજારની દિશા નક્કી કરશે.
પબિત્રો મુખર્જી (ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ, બજાજ બ્રોકિંગ): બ્રેન્ટ ક્રૂડના ભાવ, અમેરિકા અને ઈરાન વચ્ચે બદલાતી ભૌગોલિક રાજકીય સ્થિતિ અને અમેરિકાના મોંઘવારીના આંકડાઓ પર બજારનો આધાર રહેશે. આ ઉપરાંત સપ્ટેમ્બરની મધ્યમાં યોજાનારી અમેરિકન ફેડરલ રિઝર્વની મીટિંગ પણ ખૂબ જ મહત્વની સાબિત થશે.
બોન્ડ માર્કેટમાં પણ જોવા મળી વેચવાલી
વિદેશી રોકાણકારોએ માત્ર શેરબજાર જ નહીં, પરંતુ બોન્ડ માર્કેટમાંથી પણ મોટો હિસ્સો પાછો ખેંચ્યો છે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં તેમણે ફુલી એક્સેસિબલ રૂટ હેઠળ 377 કરોડ રૂપિયા અને વોલન્ટરી રિટેન્શન રૂટ દ્વારા 231 કરોડ રૂપિયા ઉપાડ્યા છે. જોકે, એક રાહતના સમાચાર એ છે કે જનરલ રૂટ દ્વારા તેમણે 217 કરોડ રૂપિયાનું નવું રોકાણ પણ કર્યું છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.