અમેરિકન માર્કેટમાં સતત ત્રીજા સેશનમાં ચિપ શેરોમાં મોટો ઘટાડો નોંધાયો છે. દિગ્ગજ કંપની Nvidia અને AMD ના શેર 5% જેટલા તૂટ્યા છે.
Global Market Today: આજે 28 જુલાઈના રોજ એશિયન બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકામાં ચિપ બનાવતી કંપનીઓના શેરમાં આવેલી અચાનક અને ભારે વેચવાલીના કારણે ગ્લોબલ માર્કેટ હચમચી ગયું છે. રોકાણકારોમાં ડરનો માહોલ છે, જેની સીધી અસર એશિયાના મુખ્ય ઈન્ડેક્સ પર જોવા મળી રહી છે.
એશિયન બજારોની ખરાબ હાલત
બેન્ચમાર્ક ઈન્ડેક્સ કોસ્પી 8.70% તૂટીને 8 ટકાની લોઅર સર્કિટ પર પહોંચી ગયો હતો. જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ કોસ્ડેકમાં પણ 3.63% નો ઘટાડો નોંધાયો છે. જાપાનના મુખ્ય ઈન્ડેક્સ નિક્કેઈ 225માં 4.21% નો મોટો કડાકો જોવા મળ્યો છે. આ ઉપરાંત ટોપિક્સ ઈન્ડેક્સ પણ 0.63% તૂટ્યો છે. શરૂઆતી કારોબારમાં ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 ઈન્ડેક્સ 0.38% નીચે રહ્યો હતો.
અમેરિકન બજારનું વલણ
સોમવારે વોલ સ્ટ્રીટમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. રોકાણકારો આ અઠવાડિયે આવનારા મોટી ટેકનોલોજી કંપનીઓના ત્રિમાસિક પરિણામો પહેલા સાવચેતી રાખી રહ્યા છે. વ્યાજદરો અને મોંઘવારીના ડર વચ્ચે માર્કેટમાં ઉતાર-ચઢાવ ચાલુ છે.
S&P 500 ઈન્ડેક્સ મામૂલી 0.02% ના વધારા સાથે 7,413.18 પર બંધ થયો. ડાઉ જોન્સ 0.51% વધીને 52,210.08 પર બંધ રહ્યો. જ્યારે નાસ્ડેક 0.18% ઘટીને 24,932.08 ના સ્તરે બંધ થયો. આ અઠવાડિયે માઇક્રોસોફ્ટ, એમેઝોન, મેટા અને એપલ જેવી દિગ્ગજ કંપનીઓના પરિણામો જાહેર થવાના છે. સાથે જ AI આધારિત શેરોમાં આવેલી તેજી હવે ધીમી પડી રહી છે કે કેમ, તેના પર રોકાણકારો નજર રાખી રહ્યા છે.
ચિપ શેરોમાં સતત ધોવાણ
અમેરિકન માર્કેટમાં સતત ત્રીજા સેશનમાં ચિપ શેરોમાં મોટો ઘટાડો નોંધાયો છે. દિગ્ગજ કંપની Nvidia અને AMD ના શેર 5% જેટલા તૂટ્યા છે. સિગેટના શેરમાં પરિણામો પહેલા 4% નો ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત SK Hynix ના શેર 7.5% તૂટ્યા છે અને તે પોતાના 149 ડોલરના IPO પ્રાઈસની નીચે જતા રહ્યા છે. Micron અને Western Digital ના શેર પણ અનુક્રમે 2% અને 4% ઘટીને બંધ થયા છે.
અમેરિકા-ઈરાન સંબંધો અને ક્રૂડ ઓઈલમાં નરમાશ
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૂટનીતિ અપનાવીને ઈરાન પર સૈન્ય હુમલા હાલ પૂરતા ટાળ્યા છે. આ ઉપરાંત ક્રૂડના સપ્લાય માટે મહત્વના ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ ફરી શરૂ કરવા અંગે ઈરાન અને ઓમાન વચ્ચે વાતચીત ચાલી રહી છે.
આ સમાચારથી મિડલ ઈસ્ટમાં તણાવ ઘટવાની આશા જાગી છે, જેના કારણે મંગળવારે કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. WTI ક્રૂડ 82 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગયું છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 88 ડોલરની નજીક આવી ગયું છે.
સોનાના ભાવની સ્થિતિ
યુદ્ધનું જોખમ ઘટતા મોંઘવારી વધવાનો ડર ઓછો થયો છે. જેને પગલે સોનાના ભાવ સ્થિર રહ્યા છે. સોમવારે 0.6% ના વધારા બાદ હાલમાં સોનું 4,075 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. નીચલા મથાળે લેવાલીના કારણે સોનું આ લેવલ ટકાવી રાખવામાં સફળ રહ્યું છે. જોકે, 5 મહિના પહેલા જ્યારે તણાવ શરૂ થયો ત્યારે જાન્યુઆરીમાં સોનું 5,600 ડોલરની લાઈફટાઇમ હાઈ સપાટીએ પહોંચી ગયું હતું. આ રેકોર્ડ હાઈ સ્તરથી અત્યાર સુધીમાં સોનામાં 20% થી વધુનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.