શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 917 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં 4.37 લાખ કરોડનો તોતિંગ વધારો | Moneycontrol Gujarati
Get App

શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 917 પોઈન્ટ ઉછળ્યો, રોકાણકારોની સંપત્તિમાં 4.37 લાખ કરોડનો તોતિંગ વધારો

Share Market Rise: ભારતીય શેરબજારમાં એક દિવસના ઘટાડા બાદ ફરી તેજી પાછી ફરી છે. સેન્સેક્સ 917 પોઈન્ટના ઉછાળા સાથે રોકાણકારોની સંપત્તિમાં 4.37 લાખ કરોડનો વધારો થયો છે. જાણો બજારમાં તેજી આવવાના મુખ્ય કારણો.

અપડેટેડ 10:39:29 AM Apr 29, 2026 પર
Story continues below Advertisement
Share Market Rise: ભારતીય શેરબજારમાં એક દિવસના ઘટાડા બાદ ફરી તેજી પાછી ફરી છે.

Share Market Rise: ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે મંગળવારની સાંજ નિરાશાજનક રહ્યા બાદ બુધવારે (29 એપ્રિલ) સવારથી જ બજારમાં જોરદાર રોનક જોવા મળી રહી છે. એક દિવસના ઘટાડા પછી બજાર ફરી લીલા નિશાનમાં ખુલ્યું અને થોડી જ વારમાં સેન્સેક્સ-નિફ્ટીએ મોટી છલાંગ લગાવી. સેન્સેક્સમાં 917 પોઈન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં પણ જંગી વધારો થયો છે.

બજારની આજની સ્થિતિ

શેરબજાર ખૂલ્યાના થોડા સમય બાદ સેન્સેક્સ તેની અગાઉની ક્લોઝિંગ કરતાં 917 પોઈન્ટ ઉછળીને 77,803.81 ના હાઈ લેવલ પર પહોંચી ગયો હતો. તેવી જ રીતે, નિફ્ટી પણ પાછલા બંધ ભાવથી આશરે 281 પોઈન્ટ વધીને 24,276.55 ની ઊંચાઈએ પહોંચ્યો હતો. આ તેજીને કારણે રોકાણકારોએ માત્ર ગણતરીની મિનિટોમાં કરોડોની કમાણી કરી છે.

રોકાણકારોની સંપત્તિમાં 4.37 લાખ કરોડનો વધારો

બજારમાં આવેલી આ તેજીના કારણે બીએસઈ (BSE) પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને 4,71,03,263.48 કરોડ રૂપિયા નોંધાયું છે. જે અગાઉના દિવસે 4,66,66,067.81 કરોડ રૂપિયા હતું. આમ, ટેકનિકલ રીતે જોતા રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં 4,37,195.66 કરોડ રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો છે.


શા માટે બજારમાં તેજી આવી?

બજારના નિષ્ણાતોના મતે તેજી પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે:

DII ની ખરીદી: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) સતત વેચવાલી કરી રહ્યા છે, પરંતુ તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ જોરદાર ખરીદી કરીને બજારને ટેકો આપ્યો છે.

ક્રૂડ ઓઈલના ભાવ: આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil) ના ભાવમાં થયેલા ઘટાડાથી પોઝિટિવ સેન્ટિમેન્ટ બન્યું છે, જેણે શેરબજારને ઉપર લાવવામાં મદદ કરી છે.

ગઈકાલે જોવા મળી હતી મોટી પછડાટ

ઉલ્લેખનીય છે કે 28 એપ્રિલના રોજ બજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી. દિવસના અંતે સેન્સેક્સ 416.72 પોઈન્ટ ઘટીને 76,886.91 પર અને નિફ્ટી 97 પોઈન્ટ ઘટીને 23,995.70 પર બંધ થયો હતો. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા અને વિદેશી રોકાણકારોના વેચાણ દબાણને કારણે ગઈકાલે ઘટાડો નોંધાયો હતો.

FII અને DII નો ડેટા

તાજેતરના આંકડા મુજબ, મંગળવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 2,103.74 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. તેની સામે સ્થાનિક રોકાણકારો (DII) એ 1,712.01 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી. હાલમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ 0.21% ઘટીને 111 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

ગ્લોબલ માર્કેટની અસર

એશિયન બજારોમાં આજે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. નિક્કેઈ અને તાઈવાન જેવા બજારો લાલ નિશાનમાં છે, જ્યારે હંગ સેંગ અને શાંઘાઈ કમ્પોઝિટમાં વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ મંગળવારે અમેરિકન શેરબજારો પણ ઘટાડા સાથે બંધ થયા હતા, પરંતુ ભારતીય બજારે સ્થાનિક ખરીદીના દમ પર રિકવરી બતાવી છે.

ભારતીય શેરબજારમાં હાલમાં ‘બાય ઓન ડીપ્સ' (ઘટાડે ખરીદી)ની વ્યૂહરચના કામ કરી રહી હોય તેવું લાગે છે. ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર રહે અને સ્થાનિક રોકાણકારોનો સાથ મળતો રહે તો આગામી દિવસોમાં બજાર નવા રેકોર્ડ સ્તર તરફ આગળ વધી શકે છે.

આ પણ વાંચો- Currency Market: ડોલર સામે રૂપિયો 20 પૈસા ગગડ્યો, જાણો તમારી જેબ પર શું થશે અસર અને શું છે નિષ્ણાતોનું માનવું

Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.

MoneyControl News

MoneyControl News

First Published: Apr 29, 2026 10:39 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.