માર્કેટ બંધ થતા સુધીમાં લગભગ 1620 શેરો વધારા સાથે બંધ થયા હતા, જ્યારે 2408 શેરોમાં ઘટાડો નોંધાયો હતો અને 188 શેરોના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.
Closing Bell : ભારતીય શેરબજારમાં 30 જુલાઈના રોજ ભારે ઉતાર-ચઢાવ વાળો માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ માર્કેટ એક સીમિત દાયરામાં ટ્રેડ કરી રહ્યું હતું, પરંતુ કારોબારના અંતિમ કલાકોમાં બજારમાં જબરદસ્ત ખરીદી આવતા મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા હતા. ખાસ કરીને ઓટોમોબાઇલ સેક્ટરના શેરોએ આજે બજારને સારો ટેકો આપ્યો હતો.
સેન્સેક્સ અને નિફ્ટીના ક્લોઝિંગ આંકડા
ટ્રેડિંગ સેશનના અંતે શેરબજાર મજબૂત સ્થિતિમાં બંધ રહ્યું,,BSE સેન્સેક્સ કારોબારના અંતે સેન્સેક્સ 273.55 પોઈન્ટ (0.35%) ના ઉછાળા સાથે 77,928.15 ના સ્તર પર બંધ રહ્યો. બીજી તરફ, નિફ્ટી 50 ઇન્ડેક્સ 66.95 પોઈન્ટ (0.28%) ના સુધારા સાથે 24,317.15 ની સપાટીએ બંધ થયો. એટલે કે નિફ્ટી ફરી એકવાર 24,300 ની ઉપર ટકવામાં સફળ રહ્યો છે.
ઓવરઓલ માર્કેટની વાત કરીએ તો, આજે વેચાણનું પ્રમાણ થોડું વધારે રહ્યું હતું. માર્કેટ બંધ થતા સુધીમાં લગભગ 1620 શેરો વધારા સાથે બંધ થયા હતા, જ્યારે 2408 શેરોમાં ઘટાડો નોંધાયો હતો અને 188 શેરોના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.
આજના ટોપ ગેનર્સ
આજે નિફ્ટીમાં ઓટો અને આઇટી શેરોનો દબદબો રહ્યો હતો.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા
આઇશર મોટર્સ
મારુતિ સુઝુકી
કોલ ઇન્ડિયા
ટેક મહિન્દ્રા સામેલ હતા.
આજના ટોપ લૂઝર્સ
બીજી તરફ કેટલાક દિગ્ગજ શેરોમાં નફાવસૂલી જોવા મળી હતી.
અદાણી પોર્ટ્સ
શ્રીરામ ફાઇનાન્સ
HDFC લાઈફ
અલ્ટ્રાટેક સિમેન્ટ
જિયો ફાઇનાન્શિયલ મુખ્ય રહ્યા હતા.
સેક્ટોરલ પ્રદર્શન: ઓટો સેક્ટર હિટ, રિયલ્ટી ફ્લોપ
આજના બજારમાં સેક્ટર મુજબ મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ઓટોમોબાઇલ કંપનીઓના સારા પરિણામો અને તહેવારો પહેલા માંગ વધવાની અપેક્ષાને પગલે નિફ્ટી ઓટો ઇન્ડેક્સ સૌથી વધુ 1.6% ઉછળ્યો હતો. બીજી તરફ, રિયલ એસ્ટેટ શેરોમાં આજે ભારે વેચવાલી જોવા મળી. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 2% ના મોટા કડાકા સાથે બંધ થયો હતો.
બ્રોડર માર્કેટની સ્થિતિ
મુખ્ય ઇન્ડેક્સ ભલે વધારા સાથે બંધ થયા હોય, પરંતુ બ્રોડર માર્કેટમાં રોકાણકારોને નિરાશા હાથ લાગી છે. મુખ્ય ઇન્ડેક્સની સરખામણીમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોનું પ્રદર્શન નબળું રહ્યું. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.4% ના ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ રહ્યો. જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.6% નો ઘટાડો નોંધાયો હતો.