આટલા મોટા ઘટાડા પછી પણ માર્કેટ કેપના આધારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતમાં નંબર વન પર અકબંધ છે. ત્યાર પછી અનુક્રમે ભારતી એરટેલ, HDFC બેંક, ICICI બેંક, TCS, SBI, બજાજ ફાઈનાન્સ, L&T, LIC અને ઈન્ફોસિસનો નંબર આવે છે.
Sensex Top-10 Companies M-Cap : ભારતીય શેરબજારમાં હાલ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. 23 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા ટ્રેડિંગ સપ્તાહમાં રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. દશેરાની રજાને કારણે આ સપ્તાહમાં માત્ર 4 દિવસ જ ટ્રેડિંગ થયું હતું, પરંતુ આ 4 જ દિવસમાં માર્કેટમાં જાણે વેચવાલીનું વાવાઝોડું આવ્યું હોય તેમ BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ 21 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા છે.
સૌથી મોટી વાત એ છે કે, સેન્સેક્સની ટોપ-10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 8 કંપનીઓના માર્કેટ કેપમાં 1.55 લાખ કરોડ રૂપિયાથી વધુનું જંગી ધોવાણ થયું છે. માત્ર 2 કંપનીઓ જ આ કડાકામાં પોતાને બચાવી શકી છે.
બજારની એકંદર સ્થિતિ: સેન્સેક્સ અને નિફ્ટી ધડામ
આ ચાર દિવસના ટ્રેડિંગ સેશનમાં BSE નો 30 શેરો ધરાવતો ઈન્ડેક્સ સેન્સેક્સ 1,605.44 પોઈન્ટ (2.15 ટકા) તૂટી ગયો હતો. જ્યારે બીજી તરફ NSE નો 50 શેરો ધરાવતો નિફ્ટી (Nifty) પણ 546.15 પોઈન્ટ (2.36 ટકા) ગગડી ગયો હતો. વેચવાલી એટલી હદે હતી કે BSE ની તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને 4,52,40,829.30 કરોડ રૂપિયા પર આવી ગયું છે.
માત્ર આ 2 કંપનીઓએ રોકાણકારોને કમાવી આપ્યા
આવા ખરાબ માહોલમાં પણ સેન્સેક્સની ટોપ-10 માંથી માત્ર 2 કંપનીઓ એવી રહી જેણે રોકાણકારોની મૂડીમાં વધારો કર્યો.
TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ): કંપનીના માર્કેટ કેપમાં 23,517.56 કરોડ રૂપિયાનો મોટો ઉછાળો આવ્યો અને તે 9,14,652.52 કરોડ રૂપિયા પર પહોંચી ગયું.
L&T (લાર્સન એન્ડ ટુબ્રો): આ કંપનીના માર્કેટ કેપમાં 1,788.66 કરોડ રૂપિયાનો વધારો થયો અને તે 5,01,513.72 કરોડ રૂપિયા થઈ ગયું.
આ 8 કંપનીઓએ કરાવ્યું સૌથી મોટું નુકસાન
ટોપ-10 માં સામેલ બાકીની 8 કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. સૌથી મોટો ફટકો HDFC બેંક અને બજાજ ફાઈનાન્સને વાગ્યો છે. ચાલો આંકડાઓ પર નજર કરીએ,,
HDFC Bank: પ્રાઈવેટ સેક્ટરની આ સૌથી મોટી બેંકના માર્કેટ કેપમાં 55,506.95 કરોડ રૂપિયાનું ગાબડું પડ્યું. ગત સપ્તાહે તેનો શેર 5 ટકા તૂટ્યો હતો. હવે તેનું માર્કેટ કેપ 10,67,121.12 કરોડ રૂપિયા રહી ગયું છે.
Bajaj Finance: આ કંપનીની મૂડી 34,180.51 કરોડ રૂપિયા ઘટીને 5,77,146.21 કરોડ રૂપિયા થઈ ગઈ.
Reliance Industries: મુકેશ અંબાણીની કંપનીને 27,065.08 કરોડ રૂપિયાનું નુકસાન થયું, હવે માર્કેટ કેપ 16,10,372.11 કરોડ રૂપિયા છે.
LIC: દેશની સૌથી મોટી વીમા કંપનીનું માર્કેટ કેપ 21,062.24 કરોડ રૂપિયા ઘટીને 4,81,142.58 કરોડ રૂપિયા રહ્યું.
Bharti Airtel: 9,360.75 કરોડ રૂપિયાના ઘટાડા સાથે માર્કેટ કેપ 11,79,454.70 કરોડ રૂપિયા પર આવી ગયું.
ICICI Bank: આ બેંકના માર્કેટ કેપમાં પણ 1,276.53 કરોડ રૂપિયાનું ધોવાણ થયું.
કઈ કંપની કયા ક્રમે છે?
આટલા મોટા ઘટાડા પછી પણ માર્કેટ કેપના આધારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતમાં નંબર વન પર અકબંધ છે. ત્યારપછી અનુક્રમે ભારતી એરટેલ, HDFC બેંક, ICICI બેંક, TCS, SBI, બજાજ ફાઈનાન્સ, L&T, LIC અને ઈન્ફોસિસનો નંબર આવે છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.