Share Market Rise: શેરબજારમાં બુલ્સની શાનદાર વાપસી! આ 4 મોટા કારણોસર સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23400ને પાર
શેરબજારમાં સતત 3 દિવસના ઘટાડા બાદ 16 માર્ચે શાનદાર તેજી જોવા મળી. સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળ્યો અને નિફ્ટી 23400 ને પાર થયો. જાણો આ બમ્પર ઉછાળા પાછળના 4 મુખ્ય કારણો.
મેટલ, ઓટો, બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) સેક્ટરના શેરોમાં ભારે ડિમાન્ડ જોવા મળી.
Share Market Rise: સતત ત્રણ દિવસના કડાકા બાદ 16 માર્ચે ભારતીય શેરબજારમાં 'બુલ્સ' (તેજીવાળા) ની જોરદાર વાપસી જોવા મળી છે. માર્કેટમાં એવી શાનદાર રિકવરી આવી કે સેન્સેક્સ ટ્રેડિંગ દરમિયાન 1,000 પોઈન્ટ સુધી ઉછળી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ 23,400 ની મહત્વની સપાટી પાર કરી ગયો. નીચલા સ્તરે રોકાણકારોની બમ્પર ખરીદી અને ગ્લોબલ લેવલ પર તણાવ ઓછો થવાના સમાચારે બજારમાં નવો પ્રાણ ફૂંક્યો છે.
કામકાજના અંતે BSE સેન્સેક્સ 938.93 પોઈન્ટ (1.26 ટકા) ના જંગી ઉછાળા સાથે 75,502.85 ના સ્તર પર બંધ થયો. જ્યારે NSE નિફ્ટી 257.70 પોઈન્ટ (1.11 ટકા) ની મજબૂતી સાથે 23,408.80 પર બંધ રહ્યો. નોંધનીય છે કે, દિવસ દરમિયાન સેન્સેક્સે 75,805 અને નિફ્ટીએ 23,502 ની હાઈ લગાવી હતી.
શેરબજારમાં અચાનક આવેલી આ મોટી તેજી પાછળ મુખ્ય 4 કારણો જવાબદાર રહ્યા. ચાલો તેને વિગતવાર સમજીએ:
1. નીચલા મથાળે દબાવીને ખરીદી
શરૂઆતી કારોબારમાં એક સમયે સેન્સેક્સ 400 પોઈન્ટ તૂટી ગયો હતો અને નિફ્ટી 23,000 ની નીચે સરકી ગયો હતો. પરંતુ, સતત ત્રણ દિવસના ઘટાડાને કારણે માર્કેટમાં ઘણા સારા શેરો સસ્તા થઈ ગયા હતા. રોકાણકારોને વેલ્યુએશનના મોરચે રાહત મળી અને તેમણે આ તકનો લાભ લઈને નીચલા મથાળે જંગી ખરીદી કરી. ખાસ કરીને મેટલ, ઓટો, બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) સેક્ટરના શેરોમાં ભારે ડિમાન્ડ જોવા મળી.
2. બજારની ગભરામણમાં ઘટાડો
શેરબજારમાં રોકાણકારોનો ડર અને અસ્થિરતા માપતો ઈન્ડેક્સ એટલે કે 'India VIX' આજે લગભગ 5 ટકા ઘટીને 22 ની નીચે આવી ગયો હતો. આ એ વાતનો સંકેત છે કે માર્કેટમાં વેચવાલીનું દબાણ હવે ઓછું થઈ રહ્યું છે. જોકે, માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે VIX હજુ પણ 18 ની ઉપર હોવાથી ટૂંકા ગાળામાં બજારમાં થોડો ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે.
3. ભૌગોલિક-રાજકીય તણાવ મોરચે મોટા રાહતના સમાચાર
મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા રાહતના સમાચાર આવ્યા છે, જેનાથી શેરબજારને મોટો સપોર્ટ મળ્યો. અહેવાલો અનુસાર, અમેરિકા એક એવું ઈન્ટરનેશનલ ગઠબંધન બનાવી રહ્યું છે, જે Strait of Hormuzમાંથી પસાર થતા જહાજોને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડશે. આ એ જ દરિયાઈ માર્ગ છે જ્યાંથી આખી દુનિયાનું 20 ટકા ક્રૂડ ઓઇલ સપ્લાય થાય છે.
આ સિવાય ભારત માટે સૌથી સારા સમાચાર એ છે કે 92,712 મેટ્રિક ટન LPG ભરેલા ભારતીય ધ્વજ વાળા બે જહાજો 'શિવાલિક' અને 'નંદા દેવી' આ ખતરનાક વિસ્તારને સુરક્ષિત રીતે પાર કરીને ભારત તરફ આગળ વધી ગયા છે. આનાથી ગેસ સપ્લાય અટકવાની ચિંતા દૂર થઈ છે. સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર, જહાજ 'શિવાલિક' સોમવારે સાંજે 5 વાગ્યે ભારત પહોંચી જશે, જેના માટે બંદર પર પહેલેથી જ પ્રાથમિકતાના ધોરણે વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથે વાતચીત ચાલુ છે અને તેના ખૂબ જ પોઝિટિવ પરિણામો મળ્યા છે.
4. અમેરિકન શેરબજારોના પોઝિટિવ સંકેત
આજે અમેરિકન શેરબજાર તરફથી પણ સકારાત્મક સંકેતો મળ્યા હતા. વોલ સ્ટ્રીટ ફ્યુચર્સ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. નાસ્ડેક (Nasdaq) ફ્યુચર્સમાં લગભગ 0.7 ટકાની તેજી જોવા મળી, જ્યારે ડાઉ જોન્સ અને S&P 500 ફ્યુચર્સ પણ 0.5 થી 0.6 ટકા સુધી ઉપર હતા. ગ્લોબલ માર્કેટના આ સારા મૂડે ભારતીય રોકાણકારોનો ઉત્સાહ વધાર્યો.
ટેકનિકલ ચાર્ટ શું સંકેત આપે છે?
કોટક સિક્યોરિટીઝના ઈક્વિટી રિસર્ચ હેડ શ્રીકાંત ચૌહાણના જણાવ્યા અનુસાર, ડેઈલી ચાર્ટ પર માર્કેટ હજુ પણ લોઅર હાઈ (lower highs) અને લોઅર લો (lower lows) બનાવી રહ્યું છે. વીકલી ચાર્ટમાં એક મોટી 'બેરીશ કેન્ડલ' બની છે, જે બજાર માટે થોડો નેગેટિવ સંકેત આપે છે.
તેમના મતે, જ્યાં સુધી બજાર 23,500 / 75,300 ના સ્તરની નીચે ટ્રેડ કરી રહ્યું છે, ત્યાં સુધી નબળાઈ જોવા મળી શકે છે. જો બજાર અહીંથી વધુ નીચે જશે, તો ઘટાડો ચાલુ રહી શકે છે અને નિફ્ટી 22,800 અથવા 22,600 સુધી જઈ શકે છે. જ્યારે સેન્સેક્સ 73,600 અથવા 73,000 ના સ્તર સુધી સરકી શકે છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી બ્રોકરેજ ફર્મના રિપોર્ટ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા, કૃપા કરીને સર્ટિફાઇડ નિષ્ણાત અથવા તમારા નાણાકીય સલાહકારની મદદ લો. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.