ભારતીય શેરબજારમાં 24 એપ્રિલે સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 853 પોઈન્ટ તૂટીને 77,664 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 24,200ની સપાટી તોડી નીચે આવ્યો છે.
મોટા ઇન્ડેક્સની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સમાં 0.4% અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.6% નો ઘટાડો થયો હતો.
Closing Bell: ભારતીય શેરબજારમાં આજે મંદીવાળાઓનો કબજો જોવા મળ્યો હતો. 24 એપ્રિલના રોજ સતત બીજા ટ્રેડિંગ સેશનમાં બજાર લાલ નિશાનમાં બંધ થયું હતું. આજે રોકાણકારોમાં વેચવાલીનું ભારે દબાણ જોવા મળ્યું, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને મોટા ઘટાડા સાથે બંધ થયા છે.
બજારની આજની સ્થિતિ
કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ 852.49 પોઈન્ટ (1.09%) ના મોટા ઘટાડા સાથે 77,664.00 ના સ્તરે બંધ થયો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી 205.05 પોઈન્ટ (0.84%) તૂટીને 24,173.05 ના સ્તરે આવી ગયો હતો. નિફ્ટી આજે 24,200 ની મહત્વની સપાટી જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યો હતો.
કયા શેરમાં ગાબડા પડ્યા અને કોણ વધ્યું?
નિફ્ટીમાં આજે જે શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો તેમાં ટ્રેન્ટ (Trent), M&M, શ્રીરામ ફાયનાન્સ, SBI લાઈફ ઈન્સ્યોરન્સ અને બજાજ ફિનસર્વ મોખરે રહ્યા હતા.
બીજી તરફ, નબળા બજારમાં પણ કેટલાક શેરોમાં તેજી જોવા મળી હતી. વધનારા મુખ્ય શેરોમાં ડૉ. રેડ્ડીઝ લેબ્સ, સિપ્લા, જિયો ફાઇનાન્શિયલ, અદાણી એન્ટરપ્રાઈઝ અને એપોલો હોસ્પિટલ સામેલ હતા.
સેક્ટર મુજબ દેખાવ
બજારમાં સેક્ટરોની વાત કરીએ તો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો:
ટોપ લુઝર્સ
ઓટો અને PSU બેંક ઈન્ડેક્સમાં 2-2% નો કડાકો બોલાયો હતો. આ ઉપરાંત IT, રિયલ્ટી, મેટલ, પ્રાઈવેટ બેંક અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં 1-1% નો ઘટાડો નોંધાયો હતો.
ટોપ ગેનર્સ
હેલ્થકેર ઇન્ડેક્સમાં 1.6% નો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. મીડિયા ઈન્ડેક્સ 1%, કેપિટલ ગુડ્સ 0.4% અને એનર્જી ઈન્ડેક્સ 0.2% વધીને બંધ થયા હતા.
મિડકેપ અને સ્મોલકેપની હાલત
મોટા ઇન્ડેક્સની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સમાં 0.4% અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.6% નો ઘટાડો થયો હતો.
બજારમાં સતત બે દિવસથી ચાલી રહેલી વેચવાલીથી રોકાણકારોમાં થોડી ચિંતા જોવા મળી રહી છે. બેંકિંગ અને ઓટો સેક્ટર પર સૌથી વધુ દબાણ જોવા મળ્યું છે, જ્યારે ફાર્મા અને હેલ્થકેર સેક્ટરે બજારને થોડો ટેકો આપવાનો પ્રયાસ કર્યો હતો. નિષ્ણાતોના મતે રોકાણકારોએ અત્યારે સાવચેતીપૂર્વક આગળ વધવું જોઈએ.