Stock Market Crash: શેરબજારમાં આજે મોટો કડાકો બોલાયો છે. સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી 23600 ની નીચે આવી ગયો છે. અમેરિકા-ઈરાન તણાવ અને મોંઘા ક્રૂડ સહિતના કારણો જાણો.
Stock Market Crash: શેરબજારમાં આજે મોટો કડાકો બોલાયો છે.
Stock Market Crash: ભારતીય શેરબજારમાં (Stock Market) હાલ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક કારોબારી દિવસ પહેલાં બજારમાં દોઢ ટકાનો ઘટાડો નોંધાયો હતો, ત્યાં આજે ફરી સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી 50 (Nifty 50) લગભગ 1% જેટલા તૂટી ગયા છે. બજારને બે મહત્વના સેક્ટરે સાચવવાનો પ્રયાસ ચોક્કસ કર્યો હતો, પરંતુ એક ચોક્કસ સેક્ટરમાં આવેલી ભારે વેચવાલીએ બજારને સંભળવાની કોઈ તક જ ન આપી.
ગયા કારોબારી દિવસ 11 મેના આંકડા જોઈએ તો, સેન્સેક્સ 1312.91 પોઈન્ટ્સ (1.70%) ના જંગી ઘટાડા સાથે 76,015.28 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 50 પણ 360.30 પોઈન્ટ્સ (1.49%) ગગડીને 23,815.85 ના સ્તરે બંધ રહ્યો હતો. આ જ નબળાઈ આજે પણ ચાલુ રહી છે.
આજના બજારની સ્થિતિ (ઈન્ટ્રા-ડે અપડેટ)
જો આજના ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સની વાત કરીએ તો સવારે 10:43 વાગ્યે સેન્સેક્સ 706.26 પોઈન્ટ્સ એટલે કે 0.93% ના ઘટાડા સાથે 75,309.02 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 50 પણ 178.90 પોઈન્ટ્સ (0.75%) તૂટીને 23,636.95 પર આવી ગયો હતો.
આજના ઈન્ટ્રા-ડે ટ્રેડિંગમાં એક સમયે સેન્સેક્સ 814.36 પોઈન્ટ્સનો ગોથું ખાઈને 75,200.92 ની સપાટીએ પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 219.50 પોઈન્ટ્સના ઘટાડા સાથે 23,596.35 ના લેવલ પર જોવા મળ્યો હતો. બ્રોડર માર્કેટની વાત કરીએ તો, આજે સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ કડાકો બોલાયો છે. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ અડધાથી લઈને 1% થી વધુ તૂટ્યો છે. જ્યારે PSU બેન્ક અને મેટલ સેક્ટરે માર્કેટને સપોર્ટ આપવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં અડધા ટકા જેટલો સામાન્ય વધારો જોવા મળ્યો છે.
બજાર તૂટવા પાછળનાં આ છે મુખ્ય કારણો (Why Market Crash):
શેરબજારમાં આવેલા આજના આ મોટા ઘટાડા પાછળ કેટલાક વૈશ્વિક અને સ્થાનિક કારણો જવાબદાર છે. ચાલો તેના પર એક નજર કરીએ:
1) અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ શાંત થવાની કોઈ આશા દેખાઈ રહી નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ અમેરિકાના શાંતિ પ્રસ્તાવ પર ઈરાનની પ્રતિક્રિયાને 'સ્ટુપિડ' (મૂર્ખતાપૂર્ણ) ગણાવી હતી અને કહ્યું હતું કે બંને દેશો વચ્ચેનું સીઝફાયર હવે લાઈફ સપોર્ટ પર છે.
2) ક્રૂડ ઓઈલમાં ભડકો
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ ન થવાના કારણે ગ્લોબલ સપ્લાય ચેન ખોરવાઈ જવાની ચિંતા વધી છે. આના કારણે કાચા તેલ (Crude Oil) ના ભાવમાં ઉછાળો આવ્યો છે અને તે પ્રતિ બેરલ $105 ને પાર પહોંચી ગયું છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. મોંઘુ ક્રૂડ દેશમાં મોંઘવારી વધારી શકે છે અને તેની સીધી અસર કંપનીઓના નફા (Corporate Earnings) પર પડી શકે છે.
3) India VIX માં ઉછાળો
શેરબજારમાં રોકાણકારોનો ડર અને ગભરાહટ માપતા ઈન્ડેક્સ 'ઈન્ડિયા VIX' માં આજે ઉછાળો જોવા મળ્યો છે. તે 0.87% વધીને 18.72 પર પહોંચી ગયો છે, જે બજારમાં વોલેટિલિટી (અસ્થિરતા) વધ્યાનો સંકેત આપે છે.
4) રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે ગગડ્યો
કાચા તેલની વધતી કિંમતો અને અમેરિકા-ઈરાન વચ્ચેની અનિશ્ચિતતાના કારણે મંગળવાર, 12 મેના રોજ ભારતીય રૂપિયો અમેરિકન ડોલર (US Dollar) સામે 35 પૈસા તૂટીને 95.63 ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો હતો. રૂપિયાની આ નબળાઈએ માર્કેટ પર દબાણ વધાર્યું છે.
5) નિફ્ટીની વીકલી એક્સપાયરી
આજે નિફ્ટીના ઈન્ડેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટની એક્સપાયરીનો દિવસ છે. આ વીકલી એક્સપાયરીના કારણે પણ આજે શેરબજારમાં ભારે હલચલ અને ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે.
6) IT શેરોમાં ભારે વેચવાલી
આજે બજારને નીચે ખેંચવામાં સૌથી મોટો ફાળો આઈટી (IT) સેક્ટરનો રહ્યો છે. આઈટી શેરોમાં રોકાણકારોએ ભારે વેચવાલી કરી છે. નિફ્ટી IT ઈન્ડેક્સમાં 3% થી વધુનો મોટો કડાકો નોંધાયો છે અને તે આજના માર્કેટનો સૌથી મોટો 'લૂઝર' (ટોપ સેક્ટોરલ લૂઝર) બની ગયો છે.
વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને સ્થાનિક પરિબળોના મિશ્રણને કારણે હાલ શેરબજાર પર દબાણ છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને આઈટી સેક્ટરના ઘટાડાએ સેન્સેક્સ અને નિફ્ટીની કમર તોડી નાખી છે. રોકાણકારોએ હાલ બજારમાં કોઈપણ મોટું રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે.
Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.