Stock Market Crash: આજે ભારતીય શેરબજાર (Stock Market) ખુલતાની સાથે જ રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. ઘરેલુ ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી 50 (Nifty 50) માં 1-1% થી વધુનો મોટો ઘટાડો જોવા મળ્યો છે. બજારમાં ચારેકોર વેચવાલીનું દબાણ એટલું છે કે શરૂઆતી કારોબારમાં જ રોકાણકારોની 4 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ડૂબી ગઈ છે.
આજના લેટેસ્ટ આંકડા (સવારે 10:15 વાગ્યા સુધી)
સેન્સેક્સ (Sensex): 913.86 પોઈન્ટ (1.21%) ના ઘટાડા સાથે 74,324.13 પર ટ્રેડ કરી રહ્યો છે. ઇન્ટ્રા-ડે માં સેન્સેક્સ 1057.73 પોઈન્ટ તૂટીને 74,180.26 સુધી ગગડી ગયો હતો.
નિફ્ટી (Nifty): 283.90 પોઈન્ટ (1.20%) ના ઘટાડા સાથે 23,359.60 પર છે. ઇન્ટ્રા-ડે માં નિફ્ટી 326.40 પોઈન્ટ ઘટીને 23,317.10 ના લેવલ પર આવી ગયો હતો.
કયા સેક્ટરમાં કેટલું નુકસાન?
આજના કડાકામાં નિફ્ટી PSU બેંક અને નિફ્ટી રિયલ્ટી સેક્ટર સૌથી વધુ 2.5% કરતા વધારે તૂટ્યા છે. આ સિવાય ઓટો અને મેટલ સેક્ટરમાં પણ 2-2% થી વધુનો ઘટાડો નોંધાયો છે. માત્ર IT સેક્ટર થોડો ટેકો આપવાનો પ્રયાસ કરી રહ્યું છે, જોકે તેમાં પણ 0.5% થી ઓછી જ મજબૂતી છે.
શેરબજારમાં કડાકાના 5 મુખ્ય કારણો (Why Stock Market Crashed today?)
1. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવો ફગાવીને ખુલ્લી ધમકી આપી છે. બીજી તરફ, ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ ફારસની ખાડીમાં આવેલા અમેરિકન મિલિટરી બેઝને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ જીયો-પોલિટિકલ ટેન્શનને કારણે દુનિયાભરના બજારોમાં ગભરાટ ફેલાયો છે.
2. ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો
અમેરિકા અને ઈરાન વચ્ચેના વિવાદની સીધી અસર કાચા તેલ (Crude Oil) પર પડી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો છે અને તે પ્રતિ બેરલ $110 ની પાર પહોંચી ગયું છે, જે ભારતીય અર્થતંત્ર માટે નકારાત્મક સમાચાર છે.
3. ગ્લોબલ માર્કેટમાંથી નબળા સંકેતો
દુનિયાભરના શેરબજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. અમેરિકન માર્કેટમાં S&P 500 અને Nasdaq 1-1% ના ઘટાડા સાથે બંધ થયા છે. યુરોપના બજારોમાં પણ જર્મનીનો DAX 2% થી વધુ, અને ફ્રાંસ-બ્રિટનના બજારો 1.5% થી વધુ તૂટ્યા છે. એશિયન બજારોની વાત કરીએ તો ઇન્ડોનેશિયાનું બજાર 4% અને હોંગકોંગનું 1% થી વધુ તૂટ્યું છે.
4. રૂપિયામાં ઐતિહાસિક ઘટાડો
શેરબજારની સાથે સાથે ભારતીય ચલણ રૂપિયામાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. ડૉલર સામે રૂપિયો આજે 21 પૈસા તૂટીને 96.17 ના નવા રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. ગયા શુક્રવારે જ રૂપિયાએ 96 નું લેવલ પાર કર્યું હતું.
5. India VIX માં વધારો (રોકાણકારોમાં ડર)
બજારમાં ડર અને અસ્થિરતા માપતો ઇન્ડેક્સ ‘India VIX' આજે 5.52% ઉછળીને 19.83 ના સ્તરે પહોંચી ગયો છે. વોલેટિલિટી વધવાને કારણે રોકાણકારોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
Disclaimer: મનીકંટ્રોલ.કોમ પર આપવામાં આવેલી સલાહ કે વિચારો એક્સપર્ટ/બ્રોકરેજ ફર્મના અંગત મંતવ્યો છે. વેબસાઇટ કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. યુઝર્સને મનીકંટ્રોલ દ્વારા સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા હંમેશા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવી.