SEBIના 29 કરોડના દંડ સામે ઝૂકશે નહીં Suzlon Energy, આદેશને SATમાં આપશે પડકાર, જાણો શેર પર શું થશે અસર?
SEBI દ્વારા સુઝલોન એનર્જી અને તેના પ્રમોટર્સ પર 29 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની આ આદેશ સામે SAT માં અપીલ કરશે. જાણો શેરબજારમાં કંપનીના શેર પર શું અસર થશે.
આ સમગ્ર મામલો કંપનીના ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ સર્વિસીસ (OMS) બિઝનેસના ટ્રાન્સફર, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં કથિત ગરબડી અને રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલો છે.
1 જૂનના રોજ શેરબજાર ખુલતા જ સુઝલોન એનર્જીના શેર્સ પર રોકાણકારોની ખાસ નજર રહેશે. કંપનીએ તેના રોકાણકારોને સ્પષ્ટ ભરોસો અપાવ્યો છે કે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર SEBI (સેબી) દ્વારા ફટકારવામાં આવેલા દંડની કંપનીની ફાઇનાન્શિયલ, ઓપરેશનલ કે અન્ય કોઈપણ કામગીરી પર કોઈ જ નકારાત્મક અસર નહીં પડે.
કોની પર કેટલો દંડ લાગ્યો?
SEBI એ સુઝલોન એનર્જી લિમિટેડ, તેના બે પ્રમોટર્સ અને બે પૂર્વ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર્સ (CFO) પર કુલ 28.95 કરોડ રૂપિયાનો આકરો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી સામે કંપનીએ શનિવારે એક્સચેન્જ ફાઇલિંગમાં સત્તાવાર રીતે જણાવ્યું હતું કે તેઓ આ આદેશને સિક્યોરિટીઝ એપિલેટ ટ્રિબ્યુનલ (SAT) સમક્ષ પડકારશે.
દંડની રકમની વહેંચણી નીચે મુજબ કરવામાં આવી છે
સુઝલોન એનર્જી લિમિટેડ: 15.95 કરોડ રૂપિયા
વિનોદ આર. તાંતી (પ્રમોટર): 5.75 કરોડ રૂપિયા
ગિરીશ આર. તાંતી (પ્રમોટર): 5.45 કરોડ રૂપિયા
કીર્તિ જે. વાગડીયા (પૂર્વ CFO): 1.5 કરોડ રૂપિયા
અમિત અગ્રવાલ (પૂર્વ CFO): 30 લાખ રૂપિયા
શું છે સમગ્ર મામલો અને કેમ લાગ્યો દંડ?
આ સમગ્ર મામલો કંપનીના ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ સર્વિસીસ (OMS) બિઝનેસના ટ્રાન્સફર, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં કથિત ગરબડી અને રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલો છે. કંપની પર નાણાકીય વર્ષ 2013-14 થી 2017-18 વચ્ચેના સમયગાળામાં ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સમાં ખોટી અને ભ્રામક માહિતી આપવાનો આરોપ હતો. આ કેસની શરૂઆત 12 ડિસેમ્બર 2019 ના રોજ મળેલી એક અનામી ફરિયાદથી થઈ હતી, જેની શરૂઆતી તપાસ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા કરવામાં આવી હતી. તપાસમાં લોન, એસેટ ઇમ્પેયરમેન્ટ અને સેબીના નિયમોના ઉલ્લંઘન જેવા મુદ્દા સામે આવ્યા હતા.
સેબીના આદેશની ટાઈમલાઈન
27 જૂન, 2025: સેબીએ પહેલા એક આદેશ પાસ કરીને કંપની અને પ્રમોટર્સને કોઈ દંડ લગાવ્યા વિના દોષમુક્ત કર્યા હતા.
સપ્ટેમ્બર 2025: સેબીએ પોતાની રિવિઝનરી સત્તાનો ઉપયોગ કરીને કંપનીને એક કારણદર્શક નોટિસ ફટકારી અને જૂના આદેશની સમીક્ષા કરવાનું કારણ પૂછ્યું.
29 મે, 2026: કંપનીએ આરોપોને નકારી કાઢ્યા હોવા છતાં, સેબીએ પોતાનો જૂનો આદેશ રદ કર્યો અને લગભગ 29 કરોડ રૂપિયાનો નવો દંડ ફટકાર્યો.
રોકાણકારો અને શેર પર શું અસર થશે?
1 જૂન, સોમવારે બજાર ખુલતા જ આ દંડના સમાચારની અસર સુઝલોનના શેર પર જોવા મળી શકે છે. દંડના સમાચારને પગલે શેરમાં વેચવાલીનું દબાણ કે ઘટાડો આવી શકે છે. શુક્રવારે, 29 મે ના રોજ BSE પર કંપનીનો શેર 57.18 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. નોંધનીય છે કે હાલમાં સુઝલોન એનર્જીનું માર્કેટ કેપ 78400 કરોડ રૂપિયાથી વધુ છે. હવે જોવું એ રહ્યું કે સોમવારે રોકાણકારોનું સેન્ટિમેન્ટ પોઝિટિવ રહે છે કે પછી શેરમાં કડાકો જોવા મળે છે.