ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળ વધારવા પર નિર્ણય ટળી ગયો છે. બોર્ડ મીટિંગમાં નોએલ ટાટાએ નવી કંપનીઓના નુકસાન પર સવાલો ઉઠાવતા એકમત સધાયો નથી. જાણો શું છે સમગ્ર મામલો.
પોતાના રિપોર્ટ કાર્ડ વિશે વાત કરતા ચંદ્રશેખરને કહ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં ટાટા ગ્રુપની આવક લગભગ બમણી થઈ છે.
Tata Sons : દેશના સૌથી મોટા અને પ્રતિષ્ઠિત બિઝનેસ જૂથ ટાટા સન્સમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. કંપનીના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળને લંબાવવા અંગેનો નિર્ણય હાલ પૂરતો ટાળી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, બોર્ડના સભ્યો વચ્ચે એકમત ન સધાતા આ નિર્ણય લેવાયો નથી.
ખાસ કરીને ટાટા ગ્રુપની નવી કંપનીઓમાં થઈ રહેલા નુકસાનને લઈને સવાલો ઉઠ્યા છે, જેના કારણે મેનેજમેન્ટમાં મતભેદ જોવા મળ્યો છે.
કેમ ટળ્યો નિર્ણય? નોએલ ટાટાની શું ભૂમિકા?
CNBC-TV18ના અહેવાલ મુજબ, ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા બોર્ડના એકમાત્ર એવા સભ્ય હતા જેમણે ચંદ્રશેખરનની ફરી નિયુક્તિ પર પોતાની સહમતી આપી ન હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે નોએલ ટાટાએ ગ્રુપના નવા સાહસોમાં વધી રહેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
જોકે, બોર્ડના અન્ય ડિરેક્ટરોએ ચંદ્રશેખરનનું સમર્થન કર્યું હતું. તેમનું કહેવું હતું કે કોઈપણ નવા પ્રોજેક્ટના શરૂઆતના તબક્કામાં નાણાકીય દબાણ રહેવું સામાન્ય બાબત છે. પરંતુ આ મતભેદ સામે આવ્યા બાદ, ખુદ ચંદ્રશેખરણે જ વ્યાપક ચર્ચા અને સર્વસંમતિ સાધવા માટે નિર્ણય ટાળવાની વિનંતી કરી હતી.
ચંદ્રશેખરનનો કાર્યકાળ અને પ્રદર્શન
એન. ચંદ્રશેખરન 2017થી ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપનીનું નેતૃત્વ કરી રહ્યા છે. સાયરસ મિસ્ત્રીને હટાવ્યા બાદ તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી. તેમનો વર્તમાન કાર્યકાળ ફેબ્રુઆરી 2027 માં પૂરો થઈ રહ્યો છે, ત્યારે તેઓ 65 વર્ષના થશે. ગયા વર્ષે જ ગ્રુપે તેમને 2027 સુધી ત્રીજા કાર્યકાળ માટે મંજૂરી આપી હતી.
પોતાના રિપોર્ટ કાર્ડ વિશે વાત કરતા ચંદ્રશેખરને કહ્યું હતું કે છેલ્લા 5 વર્ષમાં ટાટા ગ્રુપની આવક લગભગ બમણી થઈ છે. એટલું જ નહીં, ચોખ્ખો નફો અને માર્કેટ કેપ પણ ત્રણ ગણો વધ્યો છે. ભવિષ્યની તૈયારી માટે ગ્રુપે 5.5 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.
કંપનીની આર્થિક સ્થિતિ કેવી છે?
નાણાકીય વર્ષ 2025 (FY25) માં ટાટા સન્સની આવક 24% વધીને 5.92 લાખ કરોડ રૂપિયા રહી છે. જોકે, ચોખ્ખો નફો 17% ઘટીને 28,898 કરોડ રૂપિયા પર આવી ગયો છે. કંપનીનું કહેવું છે કે વૈશ્વિક વેપાર નીતિઓમાં અનિશ્ચિતતા અને મોંઘવારીને કારણે બિઝનેસ પર અસર જોવા મળી છે.
ટાટા ઇન્વેસ્ટમેન્ટના શેર પર અસર
આ સમાચારો વચ્ચે ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના શેર પર મંગળવારે દબાણ જોવા મળ્યું હતું. NSE પર શેર 2.94% ઘટીને 668 રૂપિયા પર બંધ થયો હતો. જોકે, લાંબા ગાળાના રોકાણકારો માટે આ શેર ફાયદાકારક રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં આ શેરે 501% નું મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે, જ્યારે છેલ્લા એક વર્ષમાં તે 16.07% વધ્યો છે.