નબળા બજારમાં પણ Urban Company નો શેર 3% ઉછળ્યો: InstaHelp ના 10 લાખ માસિક બુકિંગથી વધી ખરીદી
નબળા બજારમાં પણ Urban Company ના શેરમાં 3% નો ઉછાળો જોવા મળ્યો. InstaHelp સર્વિસની બુકિંગ 10 લાખને પાર થતાં શેરમાં ખરીદી વધી. જાણો ટાર્ગેટ પ્રાઇસ અને ડીટેલ.
ભારતમાં આ ઇન્સ્ટન્ટ હોમ સર્વિસ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. સ્પર્ધક કંપની Snabbit દર મહિને લગભગ 10 લાખ અને Pronto દર મહિને લગભગ 5 લાખ ઓર્ડર મેળવી રહી છે.
શેરબજારમાં નબળા માહોલ વચ્ચે પણ 30 માર્ચના રોજ હોમ સર્વિસ પૂરી પાડતી કંપની અર્બન કંપનીના શેરમાં 7.5% સુધીનો મોટો ઇન્ટ્રા-ડે ઉછાળો જોવા મળ્યો હતો. BSE પર આ શેર 123.10 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચ્યો હતો અને કારોબારના અંતે 3% થી વધુના વધારા સાથે 118.50 રૂપિયા પર સેટલ થયો હતો.
આ શેરમાં અચાનક આવેલી તેજીનું મુખ્ય કારણ કંપનીની નવી સર્વિસ 'InstaHelp' છે. આ વર્ટિકલે માર્ચ મહિનામાં 10 લાખથી વધુ ડિલિવર્ડ બુકિંગનો આંકડો પાર કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે.
શું છે InstaHelp અને ક્યાં ઉપલબ્ધ છે?
InstaHelp એ Urban Company ની સૌથી ઝડપથી વિકસતી બિઝનેસ યુનિટ બની ગઈ છે. હાલમાં આ સર્વિસ મુંબઈ, બેંગલુરુ, દિલ્હી NCR, હૈદરાબાદ અને પુણેમાં ઉપલબ્ધ છે. આ સર્વિસ અંતર્ગત ગ્રાહકોને બુકિંગ કર્યાની માત્ર 10 થી 15 મિનિટમાં જ સાફ-સફાઈ, વાસણ ધોવા, કપડાં ધોવા અને રસોઈ બનાવવા માટે લોકો પૂરા પાડવામાં આવે છે. હરીફ કંપનીઓની વાત કરીએ તો, ભારતમાં આ ઇન્સ્ટન્ટ હોમ સર્વિસ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. સ્પર્ધક કંપની Snabbit દર મહિને લગભગ 10 લાખ અને Pronto દર મહિને લગભગ 5 લાખ ઓર્ડર મેળવી રહી છે.
મોતીલાલ ઓસ્વાલનું શું કહેવું છે?
જાણીતી બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલે અર્બન કંપનીના શેર માટે 125 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે અને સ્ટોકને 'ન્યુટ્રલ' રેટિંગ આપ્યું છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, InstaHelp પ્લેટફોર્મ હજુ શરૂઆતી તબક્કામાં છે. નવા લોકોને જોડવા, ટ્રેનિંગ આપવી અને સપ્લાય વધારવા પાછળ કંપનીના ઘણા પૈસા ખર્ચાઈ રહ્યા છે . તેથી ભવિષ્યમાં તેની નફાકારકતા પર નજર રાખવી ખૂબ જ જરૂરી છે.
કંપનીની પ્રોફાઇલ અને શેરનું પ્રદર્શન
અર્બન કંપનીનું કુલ માર્કેટ કેપ હવે 18,200 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.જોકે, છેલ્લા 6 મહિનામાં આ શેરમાં 29% નો ઘટાડો નોંધાયો છે. કંપની 17 સપ્ટેમ્બર 2025 ના રોજ માર્કેટમાં લિસ્ટ થઈ હતી. તેનો 1,900.24 કરોડ રૂપિયાનો IPO 108.98 ગણો ભરાયો હતો. કંપનીના પ્રમોટર્સમાં અભિરાજ સિંહ બહલ, રાઘવ ચંદ્રા અને વરુણ ખેતાનનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ ભારત ઉપરાંત UAE, સિંગાપોર અને સાઉદી અરેબિયામાં પણ કામ કરે છે.
નાણાકીય સ્થિતિ અને નવી બ્લોક ડીલ
ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ક્વાર્ટરમાં કંપનીની આવક 33% વધીને 382.68 કરોડ રૂપિયા નોંધાઈ હતી, જે અગાઉના વર્ષે સમાન ક્વાર્ટરમાં 287.92 કરોડ રૂપિયા હતી. જોકે, આ ક્વાર્ટરમાં કંપનીને 21.26 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં કંપની 231.84 કરોડ રૂપિયાના નફામાં હતી.
રોકાણકારો માટે એક મોટા સારા સમાચાર એ છે કે, માર્ચ 2026 ની શરૂઆતમાં SBI મ્યુચ્યુઅલ ફંડે એક બ્લોક ડીલ દ્વારા 632.2 કરોડ રૂપિયાના શેર ખરીદીને કંપનીમાં પોતાનો હિસ્સો વધાર્યો છે. જે હવે કંપનીની કુલ ઇક્વિટીના 4% બરાબર છે. અગાઉ ડિસેમ્બર 2025 ના અંતે તેમની પાસે માત્ર 1.89% હિસ્સો હતો.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી બ્રોકરેજ ફર્મના રિપોર્ટ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા, કૃપા કરીને સર્ટિફાઇડ નિષ્ણાત અથવા તમારા નાણાકીય સલાહકારની મદદ લો. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.