શેરબજારમાં આજે મોટો કડાકો બોલાયો છે. અમેરિકા-ઈરાન તણાવ અને ક્રૂડ ઓઈલમાં 4% ના વધારાને કારણે સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો અને નિફ્ટી 24000 ની નીચે સરક્યો. માત્ર 5 સેકન્ડમાં રોકાણકારોના 1.83 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા.
આજે આખા માર્કેટમાં માત્ર આઈટી સેક્ટરમાં જ થોડી રોનક જોવા મળી રહી છે. તેને બાદ કરતા ઓટો, મેટલ, PSU બેન્ક અને પ્રાઈવેટ બેન્ક સેક્ટરમાં ભારે તબાહી મચી છે.
Stock Market Crash: શેરબજારમાં સપ્તાહના પહેલા જ દિવસે મોટો કોહરામ મચી ગયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે અચાનક વધેલા ભૌગોલિક રાજકીય તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા 4% ના ઉછાળાને કારણે ભારતીય શેરબજાર આજે ખરાબ રીતે તૂટ્યું છે. શરૂઆતી કારોબારમાં જ સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ ગગડીને 24000 ની સપાટી સુધી પહોંચી ગયો હતો. આ ભારે વેચવાલી વચ્ચે ગણતરીની સેકન્ડોમાં જ રોકાણકારોના 1.8 લાખ કરોડ રૂપિયાથી વધુ ધોવાઈ ગયા છે.
ઓપનિંગ બેલ: બજાર ખુલતા જ લાલ નિશાનમાં
મિશ્ર ગ્લોબલ સંકેતો વચ્ચે, 13 જુલાઈ 2026 ના રોજ ભારતીય બજારો ખુલતાની સાથે જ લાલ નિશાનમાં જોવા મળ્યા હતા.
સેન્સેક્સ 670.83 પોઈન્ટ અથવા 0.86% ના ઘટાડા સાથે 76,898.56 ના સ્તરે ખુલ્યો હતો. નિફ્ટી 194.00 પોઈન્ટ અથવા 0.80% ના ઘટાડા સાથે 24,012.90 પર ખુલ્યો હતો. ઇન્ટ્રા-ડે કારોબારમાં બજાર વધુ નીચે ગયું હતું, જેમાં સેન્સેક્સ 711.96 પોઈન્ટ તૂટીને 76,857.43 સુધી પહોંચી ગયો હતો, જ્યારે નિફ્ટી 206.70 પોઈન્ટ ગગડીને 24,000.20 ના લેવલ પર આવી ગયો હતો. સવારે 9:18 વાગ્યા સુધીમાં વ્યાપક બજારમાં પણ ભારે દબાણ જોવા મળ્યું, જ્યાં નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ અનુક્રમે 0.58% અને 0.56% તૂટીને કારોબાર કરી રહ્યા હતા.
શેરબજારમાં કડાકા પાછળનું મુખ્ય કારણ શું છે?
અમેરિકા અને ઈરાન વચ્ચે નવો ટકરાવ અને હોર્મુઝ જલડમરુમધ્ય બંધ થવાની જાહેરાતને પગલે કાચા તેલના ભાવમાં ભડકો થયો છે. ક્રૂડ ઓઈલ 4% જેટલું મોંઘુ થતા ગ્લોબલ માર્કેટમાં ગભરાહટ ફેલાઈ છે અને મોટાભાગના એશિયન બજારોમાં વેચવાલી જોવા મળી રહી છે.
જોકે, આ પહેલા શુક્રવારે અમેરિકાનું S&P 500 ઇન્ડેક્સ તેના રેકોર્ડ હાઈ લેવલથી થોડો જ નીચે બંધ થયો હતો. સાઉથ કોરિયાની SK Hynixનું નેસ્ડેકમાં શાનદાર ડેબ્યૂ થવાથી મેમરી-ચિપ બનાવતી કંપનીઓ માટે આશા જાગી હતી. અત્યારે રોકાણકારો આગામી સપ્તાહથી શરૂ થતી કંપનીઓની ત્રિમાસિક કમાણીના આંકડાઓની પણ રાહ જોઈ રહ્યા છે.
રોકાણકારોના 1.83 લાખ કરોડ રૂપિયા સ્વાહા
આજના આ ભારે વેચાણના દબાણમાં રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડેટા પર નજર કરીએ તો,,,ગત કારોબારી સેશનમાં એટલે કે 10 જુલાઈ 2026 ના રોજ BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. 4,81,30,322.70 કરોડ હતું. આજે તે ઘટીને રૂ. 4,79,47,242.67 કરોડ થઈ ગયું. આનો સીધો અર્થ એ થયો કે, આજના શરૂઆતી કારોબારમાં જ રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1,83,080.031 કરોડનો જંગી ઘટાડો નોંધાયો છે.
કયા સેક્ટરમાં છે તેજી અને ક્યાં છે મંદી?
આજે આખા માર્કેટમાં માત્ર આઈટી સેક્ટરમાં જ થોડી રોનક જોવા મળી રહી છે. તેને બાદ કરતા ઓટો, મેટલ, PSU બેન્ક અને પ્રાઈવેટ બેન્ક સેક્ટરમાં ભારે તબાહી મચી છે. નિફ્ટી પ્રાઈવેટ બેન્કને બાદ કરતા બાકીના મોટાભાગના ઇન્ડેક્સ 1% કે તેથી વધુ નબળા પડ્યા છે.
નિફ્ટી પર TCS, HCL Tech, Infosys, ONGC, Apollo Hospitals અને Dr Reddy’s Labs ના શેરમાં તેજી જોવા મળી છે. જોકે સેન્સેક્સના 30 માંથી માત્ર 6 શેર જ ગ્રીન ઝોનમાં છે. તો બીજીતરફ Interglobe Aviation , Maruti Suzuki, Shriram Finance અને Tata Steel જેવા મોટા શેરો આજે સૌથી વધુ તૂટ્યા છે.
શેરબજારની ઓવરઓલ સ્થિતિ
આજે BSE પર કુલ 3113 શેરોમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે. જેમાંથી 1104 શેર મજબૂત દેખાઈ રહ્યા છે, જ્યારે 1769 શેરોમાં વેચવાલીનું ભારે દબાણ છે અને 240 શેર કોઈ પણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યા છે. આજના વોલેટાઈલ માર્કેટમાં 65 શેર તેમના 1 વર્ષના હાઈ લેવલ પર પહોંચ્યા છે અને 24 શેર 1 વર્ષના નીચલા સ્તરે આવી ગયા છે. આ ઉપરાંત 75 શેરોમાં અપર સર્કિટ લાગી છે તો 77 શેરોમાં લોઅર સર્કિટ વાગી છે.