ભારતનો GDP વધ્યો છતાં શેરબજારમાંથી વિદેશી રોકાણકારોએ 3.84 લાખ કરોડ કેમ ખેંચ્યા પાછા? જાણો બર્નસ્ટીન રિપોર્ટનો મોટો ખુલાસો | Moneycontrol Gujarati
Get App

ભારતનો GDP વધ્યો છતાં શેરબજારમાંથી વિદેશી રોકાણકારોએ 3.84 લાખ કરોડ કેમ ખેંચ્યા પાછા? જાણો બર્નસ્ટીન રિપોર્ટનો મોટો ખુલાસો

Indian Stock Market: સરકાર ભારતીય અર્થતંત્રના વખાણ કરે છે, પરંતુ બર્નસ્ટીન રિપોર્ટ મુજબ વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી 24 મહિનામાં 3.84 લાખ કરોડ પાછા ખેંચ્યા છે. જાણો આ પાછળના મુખ્ય કારણો.

અપડેટેડ 11:36:36 AM Sep 29, 2026 પર
Story continues below Advertisement
અગાઉના સમયમાં વિદેશી રોકાણકારો અમેરિકા અને ભારતના વ્યાજદર વચ્ચેના તફાવતને જોઈને ભારતમાં રોકાણ કરતા હતા. જોકે, છેલ્લા 4થી 5 વર્ષમાં આ બાબતનું મહત્ત્વ ઘટ્યું છે. હવે વિદેશી રોકાણકારો માટે ડોલર સામે 'રૂપિયાની વિનિમય સ્થિતિ' સૌથી મહત્ત્વનું ફેક્ટર બની ગઈ છે.

Bernstein Research report: દેશના અર્થતંત્રના ઝડપી વિકાસની વાતો અને સરકારની જાહેરાતો વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જાણીતી ગ્લોબલ ફર્મ ‘બર્નસ્ટીન રિસર્ચ'ના લેટેસ્ટ અહેવાલ મુજબ, ભારતીય શેરબજારમાંથી વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો ઉત્સાહ ઘટી રહ્યો છે. આંકડાઓ દર્શાવે છે કે, છેલ્લા 24 મહિનામાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી અંદાજે 40 બિલિયન ડોલર એટલે કે 3.84 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ભારતનો GDP ભલે સારી ગતિએ વધી રહ્યો હોય, પરંતુ વિદેશી મૂડી સતત બહાર જઈ રહી છે. આવો જાણીએ આ પાછળના મુખ્ય કારણો શું છે.

માત્ર GDP ગ્રોથ હવે રોકાણ માટે પૂરતો નથી

એક સમય હતો જ્યારે ભારતનો આર્થિક વિકાસ અને વિદેશી રોકાણ એકબીજા સાથે જોડાયેલા હતા. એટલે કે, જો GDP વધે તો વિદેશી રોકાણ પણ વધતું જોવા મળતું. પરંતુ, વર્ષ 2007 પછી આ ટ્રેન્ડમાં મોટો ફેરફાર આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની અર્થવ્યવસ્થા મજબૂત હોવા છતાં વિદેશીઓ બજારમાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે. આ દર્શાવે છે કે વિદેશી રોકાણકારો હવે માત્ર દેશનો વિકાસ જોઈને જ રોકાણ કરવાનો નિર્ણય લેતા નથી.

વ્યાજદર કરતા રૂપિયા અને ડોલરની સ્થિતિ વધુ મહત્ત્વની

અગાઉના સમયમાં વિદેશી રોકાણકારો અમેરિકા અને ભારતના વ્યાજદર વચ્ચેના તફાવતને જોઈને ભારતમાં રોકાણ કરતા હતા. જોકે, છેલ્લા 4થી 5 વર્ષમાં આ બાબતનું મહત્ત્વ ઘટ્યું છે. હવે વિદેશી રોકાણકારો માટે ડોલર સામે 'રૂપિયાની વિનિમય સ્થિતિ' સૌથી મહત્ત્વનું ફેક્ટર બની ગઈ છે.


બર્નસ્ટીન રિપોર્ટના આંકડા મુજબ, હાલમાં FIIના નાણાં આવવા અને રૂપિયાની ચાલ વચ્ચે 72.9 ટકાનો સીધો સંબંધ છે. સરળ ભાષામાં સમજીએ તો, જો કોઈ વિદેશી રોકાણકારે ભારતીય શેરમાં પૈસા લગાવ્યા હોય અને શેરનો ભાવ વધે, પરંતુ તે જ સમયે ડોલર સામે રૂપિયો નબળો પડે, તો જ્યારે તે રોકાણકાર પોતાના પૈસા ડોલરમાં પાછા લઈ જાય ત્યારે તેને નુકસાન વેઠવું પડે છે. તેથી જ રૂપિયાની સ્થિતિ તેમના માટે ખૂબ અગત્યની છે.

શેરબજારનું મોંઘુ વેલ્યુએશન પણ એક મોટું કારણ

વિદેશીઓને ભારતમાંથી પૈસા પાછા ખેંચવાનું અન્ય એક મોટું કારણ ભારતીય બજારનું હાઈ વેલ્યુએશન છે. વર્ષ 2020 પછી અન્ય ઉભરતા બજારોની સરખામણીમાં ભારતીય શેરબજાર સતત મોંઘુ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2023થી સપ્ટેમ્બર 2026ના સમયગાળાના અંદાજ મુજબ ભારતનું એવરેજ રિલેટિવ વેલ્યુએશન 162 ટકા જેટલું ઊંચું રહ્યું છે. બજાર વધુ પડતું મોંઘુ લાગતા જ વિદેશીઓએ નફો બુક કરીને નાણાં પાછા ખેંચી લીધા છે.

ઘરેલુ રોકાણકારો બન્યા માર્કેટનો સપોર્ટ

વિદેશીઓ ભલે પૈસા ખેંચી રહ્યા હોય, પરંતુ ભારતીય શેરબજાર હજુ પણ મજબૂત છે, અને તેનો પૂરો શ્રેય આપણા ઘરેલુ રોકાણકારોને જાય છે. આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લા 10 વર્ષમાં વિદેશી રોકાણકારોનું નેટ ઇન્વેસ્ટમેન્ટ માત્ર 4 અબજ ડોલર રહ્યું છે, જ્યારે તેની બરાબરીમાં ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એ અંદાજે 300 અબજ ડોલરનું જંગી રોકાણ કર્યું છે.

ભવિષ્યનું ચિત્ર કેવું રહેશે?

બર્નસ્ટીન રિસર્ચના મતે, આગામી 12 મહિના સુધી FIIનો પ્રવાહ સામાન્ય રહેવાની જ શક્યતા છે. જો ભારતે લાંબા ગાળા માટે વિદેશી મૂડીને આકર્ષવી હશે, તો માત્ર શેરબજારના ભરોસે બેસી રહેવાને બદલે સેમિકન્ડક્ટર, બેટરી, સ્પેસ, ડિફેન્સ અને ડીપ-ટેક જેવા આધુનિક સેક્ટર્સમાં ગ્લોબલ લેવલની મોટી કંપનીઓ ઊભી કરવી જ પડશે.

આ પણ વાંચો- બેંકમાં નોકરીની શાનદાર તક: કેનેરા બેંકમાં 3500 જગ્યાઓ પર બમ્પર ભરતી, ગ્રેજ્યુએટ યુવાનો માટે ગોલ્ડન ચાન્સ

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 29, 2026 11:36 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.