દિવાળી પહેલાં મોટો ઝટકો! આજથી Gold ETF FoFમાં નહીં કરી શકો રોકાણ, જાણો રોકાણકારો માટે શું બદલાયું
Gold ETF FoF: તહેવારોની સિઝનમાં સોનામાં રોકાણ કરતા પહેલા આ સમાચાર જરૂર વાંચો. સેબીના નિર્દેશ મુજબ મ્યુચ્યુઅલ ફંડ હાઉસોએ Gold ETF FoF માં નવા રોકાણ પર રોક લગાવી છે. જાણો વિગત.
આ પ્રતિબંધ પછી હવે રોકાણકારો આ સ્કીમ્સમાં નવું એકસામટું રોકાણ (Lumpsum Investment) નહીં કરી શકે.
Gold ETF FoF: દશેરા અને દિવાળીનો સમય આવે એટલે ભારતમાં લોકો મોટા પાયે સોનામાં રોકાણ કરતા હોય છે. પરંતુ આ વખતે તહેવારોની સિઝનમાં જો તમે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે. ઘણા મ્યુચ્યુઅલ ફંડ હાઉસોએ ગોલ્ડ ઈટીએફ ફંડ ઓફ ફંડ્સ (Gold ETF FoF) માં નવા રોકાણ લેવા પર અસ્થાયી રૂપે રોક લગાવી દીધી છે. ચાલો જાણીએ આ પાછળનું કારણ શું છે અને તમારા રોકાણ પર તેની શું અસર પડશે.
શું છે નવો નિયમ અને શું બદલાયું?
આ નવો નિયમ 16 ઓક્ટોબરથી જ લાગુ થઈ ગયો છે. આ પ્રતિબંધ પછી હવે રોકાણકારો આ સ્કીમ્સમાં નવું એકસામટું રોકાણ (Lumpsum Investment) નહીં કરી શકે.
આ ઉપરાંત નીચે મુજબના ટ્રાન્ઝેક્શન પર પણ બ્રેક વાગી છે:
* તમે નવી SIP શરૂ નહીં કરી શકો.
* તમારી ચાલુ SIPમાં પૈસા વધારી (Top-up કે Step-up) નહીં શકો.
* કેટલાક ફંડ હાઉસે ફંડ સ્વિચ કરવા અને નવા STP રજિસ્ટ્રેશન પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.
કયા ફંડ હાઉસમાં લાગ્યો છે પ્રતિબંધ?
રોકાણકારોને ઈમેલ અને નોટિસ મોકલીને આ અંગેની જાણકારી આપવામાં આવી રહી છે. જેમાં ICICI પ્રુડેન્શિયલ, HDFC મ્યુચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા સન લાઈફ, ઈન્વેસ્કો ઈન્ડિયા, DSP મ્યુચ્યુઅલ ફંડ, ટાટા અને શ્રીરામ મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે. રોઇટર્સના રિપોર્ટ પ્રમાણે, કોટક મહિન્દ્રા અને UTI જેવા મોટા ફંડ હાઉસોએ પણ ગોલ્ડ ETF માં એકસાથે આવતા મોટા રોકાણને રોકવા માટે નોટિસ જારી કરી છે.
નોટિસમાં ફંડ હાઉસે શું કહ્યું?
શ્રીરામ મ્યુચ્યુઅલ ફંડે પોતાની નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય SEBI ના નિર્દેશોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી AMFI (એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા) દ્વારા આપવામાં આવી છે. જોકે, આ માટેનું કોઈ ચોક્કસ કારણ ફંડ હાઉસ દ્વારા જણાવવામાં આવ્યું નથી.
બીજી તરફ, DSP મ્યુચ્યુઅલ ફંડે જણાવ્યું છે કે 15 ઓક્ટોબરે બપોરે 3 વાગ્યાના કટ-ઓફ સમય પછી આવેલી તમામ એપ્લિકેશન રદ થઈ શકે છે અને તે રોકાણકારોના પૈસા તેમને પરત કરી દેવામાં આવશે.
દિવાળી પહેલા જ આવો નિર્ણય કેમ?
Gold ETF FoF એવી સ્કીમ છે જેમાં તમારો પૈસો સીધો ગોલ્ડ ETF માં રોકવામાં આવે છે. સામાન્ય રીતે દિવાળી આસપાસ સોનાની માંગ વધી જાય છે. ગયા વર્ષે તહેવારોમાં શેરબજારમાંથી વળતર ઓછું મળતું હોવાથી લોકોએ સોના-ચાંદીના ETF માં જબરદસ્ત રોકાણ કર્યું હતું.
જોકે, આ વર્ષે ટ્રેન્ડ થોડો અલગ છે. આંકડા મુજબ, ભારતમાં સોનાની માંગ થોડી સુસ્ત પડી છે. ઓગસ્ટ મહિનામાં ભારતની સોનાની આયાત 230 કરોડ ડોલર હતી, જે સપ્ટેમ્બર મહિનામાં ઘટીને 180 કરોડ ડોલર થઈ ગઈ છે. એકસાથે ફંડમાં અઢળક પૈસા ન ઠલવાય તે હેતુથી આ અસ્થાયી રોક લગાવવામાં આવી હોવાનું એક્સપર્ટ્સ માની રહ્યા છે.