Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 પહેલા, ઉત્તર પ્રદેશના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય અજય કપૂર બુધવારે (13 માર્ચ) ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા. તેમણે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને મીડિયા પ્રભારી અનિલ બલુનીની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું. કાનપુરના પૂર્વ ધારાસભ્ય અજય કપૂર અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના રાષ્ટ્રીય સચિવ હતા. તેઓ બિહારના સહ-પ્રભારી પણ હતા. કપૂરની ગણતરી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની નજીકના નેતાઓમાં થતી હતી.
એવી અટકળો ચાલી રહી હતી કે 2002 અને 2017 ની વચ્ચે કાનપુરથી ત્રણ વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા 56 વર્ષીય કપૂરને લોકસભા ચૂંટણીમાં કાનપુર બેઠક પરથી પાર્ટી દ્વારા મેદાનમાં ઉતારવામાં આવશે. કપૂર કાનપુરની ગોવિંદ નગર અને કિદવાઈ નગર વિધાનસભા બેઠકોથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. જો કે, તેઓ 2022માં યુપી વિધાનસભાની ચૂંટણીમાં કિદવાઈ નગર બેઠક પરથી હારી ગયા હતા.
કપૂર કોંગ્રેસના નેતાઓની હરોળમાં જોડાય છે જેઓ 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને અન્ય પક્ષોમાં જોડાયા છે. આ પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી પદમાકર વલવી ભાજપમાં જોડાયા હતા.
મહત્વનું છે કે, ચૂંટણી પંચ થોડા દિવસોમાં એપ્રિલ-મેની લોકસભાની ચૂંટણી માટે શેડ્યૂલ જાહેર કરે તેવી અપેક્ષા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકાર છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં સત્તા પર છે અને પાર્ટી સતત ત્રીજી વખત રેકોર્ડ સત્તા પર આવવાનો પ્રયાસ કરી રહી છે.