બાંગ્લાદેશી ઘુસણખોરો પર કેન્દ્ર સરકાર કડક, મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અને ડીજીપીને આપ્યા આ નિર્દેશો
મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. આ સંદર્ભમાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને પત્ર લખ્યો છે.
કેન્દ્ર સરકારે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક વલણ અપનાવ્યું છે.
કેન્દ્ર સરકારે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવા લેખિત સૂચનાઓ આપી છે. પૂર્વ સાંસદ રાહુલ રમેશ શેવાળેની માંગ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્દેશ જારી કર્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહારાષ્ટ્રના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક અને અન્ય સંબંધિત એજન્સીઓને બાંગ્લાદેશ અને મ્યાનમારથી મહારાષ્ટ્રમાં આવતા ગેરકાયદે સ્થળાંતર કરનારાઓ સામે તાત્કાલિક કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. શિવસેનાના ઉપનેતા અને પૂર્વ સાંસદ રાહુલ રમેશ શેવાળેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરવાની કરેલી માંગને ધ્યાનમાં લેતા, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સૂચનાઓ આપી છે. હવે, ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલ આરોપી બાંગ્લાદેશી ઘુસણખોર હોવાથી બાંગ્લાદેશી ઘુસણખોરો સામે કાર્યવાહી વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા માટે સર્વે
મહારાષ્ટ્રના મંત્રી સંજય શિરસાતે સોમવારે જણાવ્યું હતું કે છત્રપતિ સંભાજીનગરમાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને શોધવા માટે જિલ્લા, મ્યુનિસિપલ બોડીના અધિકારીઓ અને પોલીસની મદદથી એક સર્વે હાથ ધરવામાં આવશે. પત્રકારો સાથે વાત કરતા, જિલ્લાના પ્રભારી મંત્રી શિરસાતે જણાવ્યું હતું કે અધિકારીઓ ગેરકાયદેસર રીતે આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ અને અન્ય દસ્તાવેજો મેળવનારા બાંગ્લાદેશીઓને શોધી કાઢશે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
થાણે મજૂર શિબિરમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ
દરમિયાન, ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાએ દાવો કર્યો હતો કે માન્ય દસ્તાવેજો વિનાના બાંગ્લાદેશી નાગરિકો થાણેના મજૂર શિબિરમાં રહે છે, જ્યાંથી અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. ભૂતપૂર્વ સાંસદે થાણે પોલીસ કમિશનરને કાવેસર મજૂર શિબિરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવા વિનંતી કરી.
તેમણે 'X' પર લખ્યું: “હું 12 મજૂરોને મળ્યો અને તેમાંથી નવ બાંગ્લાદેશી મુસ્લિમ હતા. તેઓ કહે છે કે તેઓ પશ્ચિમ બંગાળના માલદાના છે, પરંતુ તેમની પાસે કોઈ અધિકૃત દસ્તાવેજો નથી. મુંબઈ પોલીસે રવિવારે જણાવ્યું હતું કે તેણે 16 જાન્યુઆરીની રાત્રે સૈફ અલી ખાનના એપાર્ટમેન્ટમાં ચોરીના પ્રયાસ દરમિયાન છરીથી હુમલો કરવાના આરોપમાં બાંગ્લાદેશી નાગરિક શરીફુલ ઇસ્લામ શહઝાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીરની ધરપકડ કરી છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી થાણેના જંગલ વિસ્તારમાં આવેલા એક મજૂર શિબિરમાં મળી આવ્યો હતો, જ્યાં તેની ધરપકડ કરવામાં આવી હતી.