કોંગ્રેસ અધ્યક્ષ ખરગેનો મોટો આરોપ: 'ભારત સરકાર દેશને ગુમરાહ કરે છે, ઓપરેશન સિંદૂરની કરગિલની તર્જ પર તપાસ થવી જોઈએ'
ખરગેના આ આરોપો અને તપાસની માંગે રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે. હવે બધાની નજર સરકારના જવાબ અને સંસદના વિશેષ સત્રની શક્યતા પર છે. આ મુદ્દો દેશની સુરક્ષા અને રાજનીતિના કેન્દ્રમાં આવી ગયો છે, અને આગામી દિવસોમાં તેના પર વધુ ચર્ચા થવાની અપેક્ષા છે.
ખરગેએ આક્ષેપ કર્યો કે મોદી સરકાર ઓપરેશન સિંદૂરનો ઉપયોગ પોતાની રાજકીય અને કૂટનીતિક નિષ્ફળતાઓને છુપાવવા માટે કરી રહી છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ ઓપરેશન સિંદૂરને લઈને કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે માંગ કરી છે કે 1999ના કરગિલ યુદ્ધની સમીક્ષા માટે બનાવવામાં આવેલી કમિટીની જેમ ઓપરેશન સિંદૂરની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. ખરગેનું કહેવું છે કે આ ઓપરેશનની આડમાં સરકાર દેશને ગુમરાહ કરી રહી છે અને સેનાની બહાદુરીનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લઈ રહ્યા છે.
ઓપરેશન સિંદૂર શું છે?
ઓપરેશન સિંદૂર 6-7 મે 2025ની રાત્રે ભારતીય સેના દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર કરવામાં આવેલા ચોક્કસ હુમલાઓનું નામ છે. આ ઓપરેશન 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં 26 લોકોના મોત થયા હતા. ભારતીય સેનાએ દાવો કર્યો હતો કે આ ઓપરેશનમાં નવ આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કરવામાં આવ્યો, જેમાં કોઈ પાકિસ્તાની લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવામાં આવ્યું ન હતું.
ખરગેના આરોપ અને માંગ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતાં ખરગેએ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) અનિલ ચૌહાનના સિંગાપોરમાં આપેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો. ચૌહાને જણાવ્યું હતું કે ભારતે પોતાની ભૂલોમાંથી શીખીને પાકિસ્તાનની સરહદમાં 300 કિલોમીટર સુધી હુમલો કરવાની ક્ષમતા દાખવી હતી. આ નિવેદન પર સવાલ ઉઠાવતા ખરગેએ કહ્યું કે આ ઓપરેશન દરમિયાન ભારતીય વાયુસેનાને નુકસાન થયું છે, જેની સંપૂર્ણ હકીકત દેશ સામે આવવી જોઈએ.
ખરગેએ સરકારને નીચેના મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવા અને તપાસની માંગ કરી:-
નિષ્પક્ષ તપાસ સમિતિ: કરગિલ યુદ્ધની તપાસ માટે બનાવવામાં આવેલી કમિટીની જેમ ઓપરેશન સિંદૂરની પણ સ્વતંત્ર તપાસ થવી જોઈએ. આ સમિતિએ સેનાની તૈયારી, ઓપરેશનની સફળતા અને થયેલા નુકસાનની વિગતોની તપાસ કરવી જોઈએ.
શિમલા સમજૂતીનું અપમાન: ખરગેએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર સવાલ ઉઠાવ્યા, જેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવાનો શ્રેય લીધો હતો. ખરગે આને 1971ના શિમલા સમજૂતીનું અપમાન ગણાવ્યું અને તેની તપાસની માંગ કરી.
યુદ્ધવિરામની શરતો: ખરગેએ પૂછ્યું કે શું ભારત અને પાકિસ્તાન હવે એકબીજા સાથે ફરીથી નજીક આવી રહ્યા છે? યુદ્ધવિરામની શરતો શું છે અને તેની પાછળનું સત્ય શું છે?
સરકાર પર ગુમરાહ કરવાનો આરોપ
ખરગેએ આક્ષેપ કર્યો કે મોદી સરકાર ઓપરેશન સિંદૂરનો ઉપયોગ પોતાની રાજકીય અને કૂટનીતિક નિષ્ફળતાઓને છુપાવવા માટે કરી રહી છે. તેમણે કહ્યું કે સેનાની બહાદુરી અને પરાક્રમનો શ્રેય લઈને સરકાર રાજકીય ફાયદો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ખરગેએ ભારપૂર્વક જણાવ્યું કે 140 કરોડ ભારતીયોને સત્ય જાણવાનો હક છે.
સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ
ખરગેએ સરકારને તાત્કાલિક સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે, જેથી ઓપરેશન સિંદૂર અને તેનાથી જોડાયેલા તમામ પાસાઓ પર ખુલ્લી ચર્ચા થઈ શકે. તેમણે કહ્યું કે આ મુદ્દે સરકારે સ્પષ્ટ જવાબ આપવો જોઈએ, જેથી દેશની જનતા સમક્ષ હકીકત આવે.
ભાજપનો પ્રતિસાદ
ભાજપે ખરગેના નિવેદનની ટીકા કરતાં કહ્યું કે ઓપરેશન સિંદૂરે આતંકવાદીઓની કબર ખોદી નાખી છે, પરંતુ કોંગ્રેસ તેને 'નાની-મોટી જંગ' ગણાવીને સેનાનું અપમાન કરી રહી છે. ભાજપે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ દેશની સેનાને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.
શું છે પાકિસ્તાનનો દાવો?
પાકિસ્તાને ભારતીય મીડિયાના દાવાઓને નકાર્યા છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન 'શાહીન મિસાઈલ'નો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે તેઓએ 'ફતહ સિરીઝ' મિસાઈલ, લોંગ-રેન્જ ડ્રોન્સ અને અદ્યતન તોપોનો ઉપયોગ કર્યો હતો.