Vande Mataram Debate: લોકસભામાં વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે PM મોદીએ કોંગ્રેસ અને જવાહરલાલ નેહરુ પર તીખા પ્રહારો કર્યા. જાણો કેમ કહ્યું કે મુસ્લિમ લીગના દબાણમાં રાષ્ટ્રગીતના 'ટુકડા' કરવામાં આવ્યા અને તેનો ઇતિહાસ શું છે.
વડાપ્રધાને કહ્યું કે, "વંદે માતરમે આપણને સંસદ સુધી પહોંચવાનો રસ્તો બતાવ્યો છે.
Vande Mataram Debate: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં 'વંદે માતરમ'ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર આકરા પ્રહારો કર્યા. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસે મુસ્લિમ લીગના દબાણ હેઠળ રાષ્ટ્રગીત વંદે માતરમના ટુકડા કરી દીધા હતા, જે તુષ્ટિકરણની રાજનીતિનું પરિણામ હતું.
નેહરુ અને મુસ્લિમ લીગ પર સીધો હુમલો
PM મોદીએ લોકસભામાં કહ્યું કે, "જ્યારે મોહમ્મદ અલી ઝીણાએ વંદે માતરમનો વિરોધ કર્યો, ત્યારે તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ નેહરુએ નેતાજી સુભાષચંદ્ર બોઝને પત્ર લખીને કહ્યું હતું કે 'વંદે માતરમ'ની 'આનંદ મઠ'ની પૃષ્ઠભૂમિ મુસ્લિમોને નારાજ કરી શકે છે."
તેમણે ઉમેર્યું કે, "વંદે માતરમના ટુકડા કરવાના નિર્ણય પર સામાજિક સદ્ભાવનાનું મહોરું લગાવવામાં આવ્યું હતું. પરંતુ, ઇતિહાસ સાક્ષી છે કે કોંગ્રેસે મુસ્લિમ લીગના દબાણમાં ઝૂકીને આ નિર્ણય લીધો હતો. આ કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિને સાધવાનો એક રસ્તો હતો." PM મોદીએ ભારપૂર્વક કહ્યું, "કોંગ્રેસ વંદે માતરમના ભાગલા પર ઝૂકી, એટલે જ એક દિવસ તેને ભારતના ભાગલા માટે પણ ઝૂકવું પડ્યું."
ઈમરજન્સી અને વંદે માતરમના 100 વર્ષ
વડાપ્રધાને 1975માં દેશમાં લાદવામાં આવેલી ઈમરજન્સીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, "જ્યારે રાષ્ટ્રગીતના 100 વર્ષ પૂરા થયા, ત્યારે દેશ ઈમરજન્સીની સાંકળોમાં જકડાયેલો હતો અને બંધારણનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું. જે ગીતે આઝાદીની ઉર્જા આપી, તેના 100 વર્ષ પૂર્ણ થવા પર આપણા ઇતિહાસનો એક કાળો અધ્યાય સામે આવ્યો." તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું, "જ્યારે આઝાદીને કચડવાનો પ્રયાસ થયો અને દેશ પર ઈમરજન્સી લાદવામાં આવી, ત્યારે આ જ વંદે માતરમે દેશને ફરીથી એક કર્યો હતો."
'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ
PM મોદીએ અંગ્રેજોની નીતિ પર પ્રકાશ પાડતા કહ્યું, "અંગ્રેજો સમજી ગયા હતા કે 1857 પછી ભારતમાં લાંબો સમય ટકવું મુશ્કેલ છે. જ્યાં સુધી લોકોને અંદરોઅંદર લડાવવામાં નહીં આવે ત્યાં સુધી રાજ કરવું અશક્ય છે. તેથી, તેમણે 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ અપનાવી અને બંગાળને તેની પ્રયોગશાળા બનાવી."
વિકસિત ભારતનું સપનું અને વંદે માતરમની પ્રેરણા
વડાપ્રધાને કહ્યું કે, "વંદે માતરમે આપણને સંસદ સુધી પહોંચવાનો રસ્તો બતાવ્યો છે. હવે આપણે આત્મનિર્ભર ભારતનું સપનું લઈને ચાલી રહ્યા છીએ અને વંદે માતરમ આપણી પ્રેરણા છે." તેમણે 2047 સુધીમાં વિકસિત ભારતનું સપનું સાકાર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને કહ્યું કે જેમ આઝાદીના સેનાનીઓનું સ્વપ્ન સ્વતંત્ર ભારતનું હતું, તેમ આજની પેઢીનું સ્વપ્ન સમૃદ્ધ ભારતનું છે. બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા 1875માં રચાયેલું આ ગીત આજે પણ દેશને જોડે છે અને પ્રેરણા આપે છે.