ખડગેની આ દોડધામ એવા સમયે થઈ રહી છે જ્યારે સીમાંકન બિલને લઈને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે મતભેદ સામે આવ્યા છે. કોંગ્રેસ આ બિલનો સખત વિરોધ કરી રહી છે, જ્યારે DMK એ પોતાની માંગણીઓ સ્વીકારાઈ હોવાનો દાવો કરીને બિલને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.
Delimitation Bill: કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત સીમાંકન બિલ (Delimitation Bill)ને લઈને વિપક્ષી ગઠબંધન ‘INDIA'માં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. સંસદમાં આ બિલને પાસ થતું રોકવા માટે વિપક્ષ પાસે પૂરતું સંખ્યાબળ નથી. આવી સ્થિતિમાં સંસદના વિશેષ સત્ર પહેલાં આ બિલને રોકવાના છેલ્લા પ્રયાસરૂપે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના સાથી પક્ષોના નેતાઓને મનાવવાની પહેલ કરી છે.
અહેવાલો મુજબ, ખડગે આજે રવિવારે (29 નવેમ્બર) ચેન્નાઈમાં DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિન અને મુંબઈમાં NCP (SP) પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરવાના છે. આ બેઠકોમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ તેમની સાથે જોડાઈ શકે છે. બંને નેતાઓ પહેલા ચેન્નાઈ જશે અને ત્યારબાદ મુંબઈની મુલાકાત લેશે. ન્યૂઝ એજન્સી ANI ના સૂત્રોના જણાવ્યા અનુસાર, INDIA ગઠબંધનનું એક પ્રતિનિધિમંડળ પણ ખડગેની સાથે જઈ રહ્યું છે, જેમાં બંગાળના પૂર્વ સીએમ મમતા બેનર્જી, રાહુલ ગાંધી, મીસા ભારતી અને રાજીવ રાયનો સમાવેશ થાય છે.
વિપક્ષી દળોમાં કેમ જોવા મળી રહ્યો છે અલગ-અલગ સૂર?
ખડગેની આ દોડધામ એવા સમયે થઈ રહી છે જ્યારે સીમાંકન બિલને લઈને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે મતભેદ સામે આવ્યા છે. કોંગ્રેસ આ બિલનો સખત વિરોધ કરી રહી છે, જ્યારે DMK એ પોતાની માંગણીઓ સ્વીકારાઈ હોવાનો દાવો કરીને બિલને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ શરદ પવારની પાર્ટી NCP (SP) એ પણ સરકારને ટેકો આપવાનું મન બનાવી લીધું હોવાના અહેવાલ છે.
Congress president Mallikarjun Kharge will meet DMK chief MK Stalin in Chennai and NCP-SCP chief Sharad Pawar in Mumbai today. CPP chairperson Sonia Gandhi is also likely to go with him.
સીમાંકન બિલ મામલે વિપક્ષી ગઠબંધન સામે સૌથી મોટો પડકાર અલગ-અલગ રાજ્યોના રાજકીય અને સંસદીય હિતોનો છે. કેટલાક પ્રાદેશિક પક્ષો માને છે કે સુધારેલા પ્રસ્તાવમાં તેમની મુખ્ય ચિંતાઓનું સમાધાન થઈ ગયું છે. 28 નવેમ્બરના રોજ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળેલી બેઠકમાં INDIA ગઠબંધનના નેતાઓએ આ બિલનો એકજૂથ થઈને વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો અને 3 મુખ્ય માંગણીઓ મૂકી હતી:
* લોકસભાની હાલની 543 બેઠકો યથાવત રાખવી.
* વર્તમાન બેઠકોના આધારે જ મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ કરવી.
* આગામી 25 વર્ષ સુધી રાજ્યો વચ્ચે લોકસભા બેઠકોનું હાલનું પ્રમાણ જાળવી રાખવું.
જોકે, આ બેઠકમાં DMK અને NCP (SP)ની ગેરહાજરી અને ત્યારબાદ સામે આવેલા તેમના અલગ વલણે વિપક્ષની એકતા પર સવાલો ઉભા કરી દીધા છે.
DMKએ કેમ કર્યું સીમાંકન બિલનું સમર્થન?
DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિને શનિવારે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી સીમાંકન બિલનું સમર્થન કરશે, કારણ કે તેમાં પાર્ટીની બે મુખ્ય માંગણીઓ લેખિતમાં સામેલ કરવામાં આવી છે:
1) લોકસભામાં તમિલનાડુની બેઠકોના 7.18 ટકા હિસ્સામાં કોઈ કાપ ન મૂકવો.
2) 1971ની વસ્તી ગણતરીના આધારે રાજ્યો વચ્ચે સંસદીય પ્રતિનિધિત્વનું હાલનું પ્રમાણ જાળવી રાખવું.
સ્ટાલિને કહ્યું કે, એપ્રિલમાં રજૂ કરાયેલા જૂના બિલમાં આ બાબતો ન હોવાથી તેનો વિરોધ કરાયો હતો. આ વર્ષ 2024થી DMK દ્વારા કરવામાં આવી રહેલા સતત સંઘર્ષની અને તમિલનાડુ સહિત તમામ દક્ષિણના રાજ્યોની જીત છે. આ બિલમાં 1971ની વસ્તીના આધારે તમામ રાજ્યો માટે બેઠકોમાં 50 ટકા વધારાની જોગવાઈ છે. DMKના વરિષ્ઠ નેતા એ. રાજાએ જણાવ્યું કે, આનાથી તમિલનાડુને કોઈ નુકસાન નહીં થાય, ઊલટાનું તેમનો હિસ્સો 7.18 ટકાથી વધીને 7.21 ટકા થઈ જશે. સત્તામાં હોઈએ કે સત્તાની બહાર, DMKનું વલણ હંમેશા એકસરખું રહ્યું છે.
અગાઉ ગણાવ્યો હતો ‘કાળો કાયદો'
ઉલ્લેખનીય છે કે, નિષ્પક્ષ સીમાંકનની માંગ સાથે જ્યારે DMK સત્તામાં હતી ત્યારે 14 ફેબ્રુઆરી 2024ના રોજ એક પ્રસ્તાવ પસાર કર્યો હતો. આ વર્ષે એપ્રિલ મહિનામાં સ્ટાલિને કેન્દ્રના તત્કાલીન સીમાંકન બિલની નકલ સળગાવી હતી અને તેને ‘કાળો કાયદો' ગણાવી આરોપ લગાવ્યો હતો કે તેનો હેતુ તમિલ લોકોને પોતાની જ જમીન પર શરણાર્થી બનાવવાનો છે.
શરદ પવારની પાર્ટીના વલણ પર પણ સૌની નજર
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારના નેતૃત્વવાળી NCP, શિવસેના અને ભાજપના 'મહાયુતિ' ગઠબંધનનો ભાગ છે. ત્યારે NCP ના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે શનિવારે દાવો કર્યો હતો કે, સંસદના વિશેષ સત્રમાં રજૂ થનારા બંધારણીય સુધારા અને સીમાંકન બિલની ચકાસણી કર્યા બાદ શરદ પવારના નેતૃત્વવાળી NCP (SP) એ પણ તેને સમર્થન આપવાની ઈચ્છા દર્શાવી છે.
પ્રફુલ્લ પટેલે કહ્યું કે, આ બિલ દેશ, મહિલાઓ અને વધતા શહેરીકરણના હિતમાં છે. શરદ પવારની પાર્ટી બિલનો અભ્યાસ કર્યા બાદ તેના પર મતદાન કરશે. તેમણે પોતાના જૂના દિવસો યાદ કરતા કહ્યું કે, જ્યારે તેઓ ગોંદિયા-ભંડારાથી સાંસદ હતા ત્યારે સીમાંકન દરમિયાન નવી સીમાઓ નક્કી થઈ હતી અને જો દર 15 વર્ષે સીમાંકન થાય તો તેમાં કંઈ નવું કે ચોંકાવનારું નથી. સૌથી મહત્વની વાત એ છે કે પીએમ નરેન્દ્ર મોદીએ હિંમત દાખવીને મહિલાઓ માટે 33 ટકા અનામતને હકીકત બનાવી છે. NDAને સમર્થન આપવા બદલ NCP (SP)ને મંત્રીપદની ઓફર અંગેના સવાલ પર પટેલે કહ્યું કે, બિલનું સમર્થન રાષ્ટ્રહિતમાં છે, તેમાં કંઈ રાજકીય નથી.
કોંગ્રેસ અને શરદ પવાર વચ્ચે વધી રાજકીય ખટાશ
NCP (SP)ના સંભવિત સમર્થનથી મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ નારાજ થયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે શરદ પવારની પાર્ટીના વલણ પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ એ પણ યાદ અપાવ્યું કે આ વર્ષે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન પાર્ટીએ શરદ પવારની ઉમેદવારીને ટેકો આપ્યો હતો.
30 નવેમ્બરથી સંસદનું વિશેષ સત્ર: સરકારનો રસ્તો થયો સરળ
30 નવેમ્બરથી શરૂ થતા સંસદના વિશેષ સત્રમાં લોકસભાની બેઠકોમાં આશરે 50 ટકાનો વધારો 543થી વધારીને અંદાજે 816 બેઠકો અને 33 ટકા મહિલા અનામત લાગુ કરવા પર ચર્ચા થશે. રાજ્યો વચ્ચે બેઠકોના હાલના પ્રમાણને વર્ષ 2051 સુધી સુરક્ષિત રાખવાની જોગવાઈ પણ પ્રસ્તાવિત છે. આ બંધારણીય સુધારા બિલને પાસ કરાવવા માટે સંસદના બંને ગૃહોમાં વિશેષ બહુમતી ઉપરાંત ઓછામાં ઓછા અડધા રાજ્યોની વિધાનસભાઓની મંજૂરી જરૂરી રહેશે. DMK અને NCP (SP) પાસે કુલ 30 સાંસદો છે. એપ્રિલમાં તેમણે આ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું, પરંતુ હવે તેમણે પાટલી બદલતા સરકારનો રસ્તો એકદમ સરળ થઈ ગયો છે.