Modi Cabinet Decision: 'સીમાંકન બિલ' અને મહિલા અનામત સુધારાને મળી મંજૂરી, તમામ રાજ્યોમાં 50% વધશે બેઠકો | Moneycontrol Gujarati
Get App

Modi Cabinet Decision: 'સીમાંકન બિલ' અને મહિલા અનામત સુધારાને મળી મંજૂરી, તમામ રાજ્યોમાં 50% વધશે બેઠકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં સીમાંકન બિલ અને મહિલા અનામતને લગતા બંધારણીય સુધારા બિલને મંજૂરી મળી ગઈ છે. જાણો આ બિલની ખાસ વાતો અને રાજકીય સમીકરણો.

અપડેટેડ 03:34:44 PM Nov 27, 2026 પર
Story continues below Advertisement
આ બિલમાં તમામ રાજ્યોની બેઠકોમાં સમાન પ્રમાણમાં 50 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

Modi Cabinet Decision: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. લગભગ 40 મિનિટ સુધી ચાલેલી આ બેઠકમાં સંસદની આગામી કાર્યવાહી પર મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં સીમાંકન બિલને મંજૂરી આપી દેવામાં આવી છે.

આ બિલમાં તમામ રાજ્યોની બેઠકોમાં સમાન પ્રમાણમાં 50 ટકાનો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. બેઠકોની સંખ્યા પરની આ મર્યાદા વર્ષ 2051 સુધી લાગુ રહેશે. આ સાથે જ કેબિનેટે 'નારી શક્તિ વંદન અધિનિયમ' (મહિલા અનામત) સંબંધિત બંધારણીય સુધારા બિલને પણ લીલી ઝંડી આપી દીધી છે, જેના હેઠળ એક-તૃતીયાંશ (33%) બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે.

મોદી સરકારે બિલ પાસ કરાવવા ભેગો કરી લીધો છે 'જાદુઈ આંકડો'!


સીમાંકન બિલને લઈને દેશનું રાજકારણ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારે સંસદમાં બિલ પાસ કરાવવા માટે જરૂરી જાદુઈ આંકડો (બહુમતી) ભેગો કરી લીધો છે. સરકારે પહેલા પૂરી તૈયારી કરી, સાંસદોનું સમર્થન મેળવ્યું અને ત્યારબાદ લોકસભા સ્પીકર તથા રાજ્યસભાના સભાપતિને સત્ર બોલાવવાની વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે 30 નવેમ્બરથી લોકસભા અને 2 ડિસેમ્બરથી રાજ્યસભાની કાર્યવાહી શરૂ થશે અને 3 ડિસેમ્બરે સત્ર સમાપ્ત થશે.

બીજી તરફ, વિપક્ષ સરકારના આ પગલાને ગેરબંધારણીય ગણાવી રહ્યો છે. વિપક્ષનું કહેવું છે કે ન તો વિપક્ષને જાણ કરવામાં આવી, ન તો બિલની કોઈ કોપી આપવામાં આવી અને માત્ર 4 દિવસની ટૂંકી નોટિસ પર સંસદનું સત્ર બોલાવી લેવામાં આવ્યું છે.

શરદ પવાર અને સ્ટાલિનની પાર્ટી પણ સમર્થનમાં

સૌથી મોટા સમાચાર એ છે કે વિપક્ષી છાવણીની કેટલીક મોટી પાર્ટીઓનું વલણ બદલાઈ ચૂક્યું છે અને તેઓ સરકારના સમર્થનમાં આગળ આવી છે. શરદ પવારની પાર્ટીના 8 સાંસદો બિલના સમર્થનમાં મતદાન કરી શકે છે. તમિલનાડુની સત્તાધારી પાર્ટી DMK પણ આ મુદ્દે સરકારની સાથે આવી ગઈ છે, જેની પાસે 22 સાંસદો છે.સૂત્રો જણાવે છે કે હવે સરકાર પાસે 355 ની આસપાસ સાંસદોનું સમર્થન છે. આવી સ્થિતિમાં સંસદમાં આ બિલ પાસ કરાવવામાં સરકારને કોઈ અડચણ નડે તેમ લાગતું નથી.

RJD સાંસદે કર્યું સમર્થન, તો કોંગ્રેસ, સપા અને AAP એ કર્યો વિરોધ

આ બિલને લઈને વિપક્ષમાં જ બે ફાંટા પડી ગયા હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. વિપક્ષના વિરોધથી વિપરીત RJD સાંસદ સુરેન્દ્ર યાદવે સીમાંકનનું સમર્થન કર્યું છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જો લોકસભાની બેઠકો વધશે તો અમે તેની તરફેણમાં છીએ.અખિલેશ યાદવે નિશાન સાધતા કહ્યું છે કે સીમાંકન ભાજપની સૌથી મોટી ભૂલ સાબિત થશે. કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ બિલ ભારતની આત્મા પર હુમલો છે.

સરકારના તમામ હથકંડા નિષ્ફળ જશે અને 2029 માં જનતા સરકારને જવાબ આપશે. AAP સાંસદ સંજય સિંહે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે અમે દરેક સંજોગોમાં આ બિલનો વિરોધ કરીશું. હિન્દી પટ્ટાના રાજ્યોમાં બેઠકો વધારવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે જેથી ભાજપ આગામી 50-100 વર્ષ સુધી સત્તામાં બની રહે.

આ પણ વાંચો-Union Budget 2027: દેશમાં પ્રથમ વખત બજેટ પહેલાં યુવાનો સાથે થઈ ખાસ બેઠક, નાણામંત્રી સમક્ષ Gen Zએ મૂક્યા આ મહત્વના સૂચનો

MoneyControl News

MoneyControl News

First Published: Nov 27, 2026 3:34 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.