Union Budget 2027: દેશમાં પ્રથમ વખત બજેટ પહેલાં યુવાનો સાથે થઈ ખાસ બેઠક, નાણામંત્રી સમક્ષ Gen Zએ મૂક્યા આ મહત્વના સૂચનો
આગામી કેન્દ્રીય બજેટ 2027-28 પહેલાં નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશમાં પ્રથમ વખત યુવાનો (Gen Z) સાથે પ્રી-બજેટ કન્સલ્ટેશન બેઠક કરી છે. જાણો આ બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ.
પ્રી-બજેટ કન્સલ્ટેશન એ બજેટ બનાવવાની સરકારની સહભાગિતા પ્રક્રિયાનો એક મહત્વનો હિસ્સો છે, જેનાથી તમામ હિતધારકોને ભારતના વિકાસ એજન્ડાને નક્કી કરવામાં પોતાનું યોગદાન આપવાની તક મળે છે.
Union Budget 2027: આગામી નાણાકીય વર્ષ 2027-28 ના કેન્દ્રીય બજેટને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ગુરુવારે, 26 નવેમ્બરના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ પહેલાં દેશના યુવાનો (Gen Z) સાથે એક ખાસ 'બજેટ-પૂર્વ પરામર્શ બેઠક' યોજી હતી. ખાસ વાત એ છે કે દેશના ઈતિહાસમાં બજેટ પહેલાં યુવાનો સાથે આ પ્રકારનું પ્રી-બજેટ કન્સલ્ટેશન પ્રથમ વખત કરવામાં આવ્યું છે.
નાણા મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં આગામી કેન્દ્રીય બજેટ 2027-28 માટે યુવાનો સાથે 13મી અને અંતિમ બજેટ-પૂર્વ પરામર્શ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં આર્થિક બાબતોના વિભાગ, શિક્ષણ મંત્રાલય અને યુવા બાબતો તથા રમતગમત મંત્રાલયના સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતની 65% વસ્તી 35 વર્ષથી ઓછી વયની: રોજગાર પર રહેશે ખાસ ફોકસ
નોંધનીય છે કે હાલમાં ભારતની લગભગ 65 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી ઉંમરની છે. છેલ્લા 12 વર્ષોમાં સરકારે શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ, એન્ટરપ્રાઈઝ, રમતગમત, આરોગ્ય અને નાગરિક ભાગીદારી જેવા ક્ષેત્રોમાં યુવાનોને કેન્દ્રમાં રાખીને અનેક યોજનાઓ શરૂ કરી છે. આગામી નાણાકીય વર્ષના બજેટમાં આર્થિક વિકાસને વધુ ઝડપી બનાવવા માટે આર્થિક સુધારાઓ ચાલુ રાખવા, નવી રોજગારીનું સર્જન કરવા અને સ્થાનિક માંગને વેગ આપતા પગલાં પર ખાસ ફોકસ કરવામાં આવે તેવી આશા છે.
અત્યાર સુધીમાં 13 સેક્ટરના 200 થી વધુ દિગ્ગજો સાથે થઈ બેઠક
પ્રી-બજેટ કન્સલ્ટેશન એ બજેટ બનાવવાની સરકારની સહભાગિતા પ્રક્રિયાનો એક મહત્વનો હિસ્સો છે, જેનાથી તમામ હિતધારકોને ભારતના વિકાસ એજન્ડાને નક્કી કરવામાં પોતાનું યોગદાન આપવાની તક મળે છે.
બજેટ 2027-28 માટે અત્યાર સુધીમાં યોજાયેલી કુલ 13 પરામર્શ બેઠકોમાં 13 અલગ-અલગ સેક્ટરો અને સ્ટેકહોલ્ડર ગ્રુપનું પ્રતિનિધિત્વ કરતા 200 થી વધુ લોકોએ ભાગ લીધો છે. તેમાં ઉદ્યોગ સંગઠનો, વિષય નિષ્ણાતો, ભારતીય કોર્પોરેટ જગતના દિગ્ગજો, શિક્ષણવિદો, યુવાનોના પ્રતિનિધિઓ અને અર્થશાસ્ત્રીઓ સામેલ રહ્યા હતા. આ 13 સેક્ટરોમાં નીચેના ક્ષેત્રોનો સમાવેશ થાય છે:
-કૃષિ અને ગ્રામીણ વિકાસ, મેન્યુફેક્ચરિંગ, MSME અને સ્ટાર્ટઅપ
-કેપિટલ માર્કેટ અને બેંકિંગ, ફાઈનાન્શિયલ સર્વિસિસ અને ઈન્શ્યોરન્સ
-આઈટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને સસ્ટેનેબિલિટી
-રોજગાર અને શ્રમ, આવાસ, શહેરીકરણ અને સંસ્કૃતિ, આરોગ્ય અને સામાજિક મુદ્દાઓ
-રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઉચ્ચ શિક્ષણ, શાળાકીય શિક્ષણ, વ્યાવસાયિક શિક્ષણ, કૌશલ્ય વિકાસ, રમતગમત, યુવા બાબતો અને અર્થશાસ્ત્ર
યુવાનો અને નિષ્ણાતોએ બજેટ માટે શું સૂચનો આપ્યા?
યુવાનોના પ્રતિનિધિઓ સાથેની પરામર્શ બેઠક એ આ વર્ષની એક તદ્દન નવી પહેલ રહી છે. આ બેઠકોમાં મળેલા સૂચનોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના માનવ સંસાધન, ઈનોવેશન ઈકોસિસ્ટમ, મેન્યુફેક્ચરિંગ ક્ષમતા, કૃષિ ઉત્પાદકતા, આવાસ સુરક્ષા અને શૈક્ષણિક માહોલને મજબૂત કરવાનો છે.
તમામ પ્રતિનિધિઓએ એવા સુધારાઓ પર ભાર મૂક્યો હતો જે સર્વસમાવેશક વિકાસ સુનિશ્ચિત કરવાની સાથે આર્થિક વિકાસની ગતિને વધુ તેજ કરી શકે. એકંદરે, આ ભલામણોનું મુખ્ય ફોકસ ઈનોવેશન આધારિત વિકાસને પ્રોત્સાહન આપવા, રોજગારીની નવી તકો ઊભી કરવા, સામાજિક અને આર્થિક માળખાને મજબૂત કરવા તથા ભવિષ્ય માટે તૈયાર અર્થતંત્રનું નિર્માણ કરવા પર રહ્યું હતું.