ELECTIONS 2024: ભારત રત્ન પુરસ્કાર વિજેતા ક્રિકેટ લિજેન્ડ સચિન તેંડુલકરને બુધવારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં વધુ મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે 'રાષ્ટ્રીય આઇકન' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેંડુલકર અને ચૂંટણી પંચ વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર થઈ રહ્યાં છે. ત્રણ વર્ષની ડીલ હેઠળ તેંડુલકર મતદારોમાં જાગૃતિ ફેલાવશે.
ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ સહયોગ આગામી ચૂંટણીઓમાં, ખાસ કરીને 2024ની લોકસભાની ચૂંટણીઓમાં મતદાતાઓની ભાગીદારી વધારવા માટે યુવાનોમાં તેંડુલકરના અનન્ય પ્રભાવનો લાભ લેવા માટે એક મહત્વપૂર્ણ પગલું હશે."
ગયા વર્ષે ચૂંટણી પંચે બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠીને નેશનલ આઈકન તરીકે માન્યતા આપી હતી. અગાઉ, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની, અભિનેતા આમિર ખાન અને બોક્સર મેરી કોમ જેવા દિગ્ગજો ચૂંટણી પંચના રાષ્ટ્રીય આઇકોન હતા.
તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય ચૂંટણી પંચ આગામી વર્ષની લોકસભા ચૂંટણી-2024ની તૈયારીઓને લઈને પૂરજોશમાં વ્યસ્ત છે. ચૂંટણી પંચ દ્વારા મતદારોને શક્ય તેટલું આકર્ષવા અને પ્રોત્સાહિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.