એક સમયે એલોન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા સમર્થક હતા. 2024ની ચૂંટણીમાં મસ્કે ટ્રમ્પના કેમ્પેઈન માટે $277 મિલિયનથી વધુ ખર્ચ કર્યા હતા
Trump vs Musk: ટેસ્લા અને સ્પેસએક્સના CEO એલોન મસ્કે અમેરિકન રાજકારણમાં મોટો ધડાકો કર્યો છે. તેમણે નવી રાજકીય પાર્ટી ‘અમેરિકા પાર્ટી’ની રચનાની જાહેરાત કરી છે. આ જાહેરાત અમેરિકાના સ્વતંત્રતા દિવસ (4 જુલાઈ, 2025)ના રોજ કરવામાં આવી હતી. મસ્કનો દાવો છે કે આ પાર્ટી અમેરિકન નાગરિકોને તેમની ‘આઝાદી’ પાછી આપવા માટે કામ કરશે. આ પગલું એલોન મસ્ક અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના ચાલી રહેલા વિવાદના કારએક નવો વળાંક લાવી શકે છે.
X પર પોલથી શરૂ થયો સમગ્ર ડ્રામા
એલોન મસ્કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 4 જુલાઈએ એક પોલ શરૂ કર્યો હતો, જેમાં તેમણે પૂછ્યું હતું, “શું અમેરિકામાં નવી પોલિટિકલ પાર્ટીની જરૂર છે? શું ‘અમેરિકા પાર્ટી’ બનાવવી જોઈએ?” આ પોલમાં 12 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો, જેમાં 65.4% લોકોએ ‘હા’ અને 34.6% લોકોએ ‘ના’ માટે વોટ આપ્યો. આ પરિણામોના આધારે મસ્કે 5 જુલાઈએ ‘અમેરિકા પાર્ટી’ની રચનાની જાહેરાત કરી. તેમણે કહ્યું, “બે ગણી બહુમતીથી તમે નવી પાર્ટી ઈચ્છો છો, અને તમને તે મળશે!”
ટ્રમ્પનું ‘બિગ એન્ડ બ્યુટીફુલ બિલ’ બન્યું વિવાદનું કેન્દ્ર
આ નવી પાર્ટીની જાહેરાતનું મુખ્ય કારણ ડોનાલ્ડ ટ્રમ્પનું નવું ‘ટેક્સ કટ એન્ડ સ્પેન્ડિંગ બિલ’ છે, જેને તેમણે ‘બિગ એન્ડ બ્યુટીફુલ બિલ’નું નામ આપ્યું છે. આ બિલ 4 જુલાઈએ કાયદો બની ગયું છે, જેનો મસ્કે શરૂઆતથી જ વિરોધ કર્યો હતો. મસ્કનું કહેવું છે કે આ બિલ અમેરિકાનું દેવું $3.3 ટ્રિલિયન સુધી વધારશે, જે દેશને નાદારી તરફ લઈ જશે. તેમણે આ બિલને ‘વિનાશક’ ગણાવ્યું અને કહ્યું કે તે લાખો નોકરીઓ ખતમ કરી શકે છે.
આ બિલના વિરોધમાં મસ્કે રિપબ્લિકન સાંસદોને ચેતવણી આપી હતી કે જે કોઈ આ બિલને સમર્થન આપશે, તેમને 2026ની મિડટર્મ ચૂંટણીમાં હરાવવા માટે તે પોતાનું સંપૂર્ણ જોર લગાવશે. તેમણે ખાસ કરીને રિપબ્લિકન સાંસદ થોમસ મેસીના રી-ઈલેક્શનને સમર્થન આપવાનું વચન આપ્યું, જેમણે આ બિલનો વિરોધ કર્યો હતો.
મસ્ક અને ટ્રમ્પની દોસ્તી થઈ ખતમ
એક સમયે એલોન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી મોટા સમર્થક હતા. 2024ની ચૂંટણીમાં મસ્કે ટ્રમ્પના કેમ્પેઈન માટે $277 મિલિયનથી વધુ ખર્ચ કર્યા હતા, જેમાંથી મોટો ભાગ તેમના ‘અમેરિકા PAC’ દ્વારા ખર્ચાયો હતો. ટ્રમ્પે મસ્કને ‘ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી’ (DOGE)ના વડા તરીકે નિયુક્ત કર્યા હતા, પરંતુ મે 2025માં મસ્કે આ પદ છોડી દીધું. આ બિલના મુદ્દે બંને વચ્ચેનો વિવાદ એટલો વધ્યો કે ટ્રમ્પે મસ્કની કંપનીઓ (ટેસ્લા અને સ્પેસએક્સ)ને મળતી અરબો ડોલરની સરકારી સબસિડી કાપવાની ધમકી આપી. ટ્રમ્પે એવું પણ કહ્યું કે જો સબસિડી બંધ થશે તો મસ્કે પોતાનો બિઝનેસ બંધ કરીને દક્ષિણ આફ્રિકા પાછા જવું પડશે.
‘અમેરિકા પાર્ટી’નું ભવિષ્ય શું?
મસ્કે જણાવ્યું કે ‘અમેરિકા પાર્ટી’નું ધ્યાન શરૂઆતમાં માત્ર 2-3 સેનેટ સીટ્સ અને 8-10 હાઉસ ડિસ્ટ્રિક્ટ્સ પર રહેશે. તેમનું કહેવું છે કે નાની સંખ્યામાં સીટો જીતીને પણ તેઓ કોંગ્રેસમાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે, કારણ કે હાલની સંસદમાં બહુમતી ખૂબ જ ઓછી છે. જોકે, અમેરિકન રાજકારણમાં ત્રીજી પાર્ટી બનાવવી અને તેને સફળ કરવી એક મોટો પડકાર છે. ઈતિહાસમાં રોસ પેરોટ (1992) અને ટેડી રૂઝવેલ્ટ (1912) જેવા પ્રયાસો છતાં ત્રીજી પાર્ટીઓને મોટી સફળતા મળી નથી. મસ્કની પાસે અઢળક સંપત્તિ ($405 બિલિયન, ફોર્બ્સ મુજબ) અને X જેવું પ્લેટફોર્મ હોવા છતાં, આ પડકાર સરળ નથી.