સંજય દત્તે હથિયારોની જાણકારી આપી હોત તો મુંબઈ બ્લાસ્ટ ટળી શક્યા હોત: ઉજ્જ્વલ નિકમ
ઉજ્જ્વલ નિકમના આ નિવેદનથી 1993ના મુંબઈ બ્લાસ્ટની ઘટના ફરી ચર્ચામાં આવી છે. આ ઘટનાએ દેશને હચમચાવી દીધો હતો અને સંજય દત્તની ભૂમિકા હંમેશા વિવાદનો વિષય રહી છે. જોકે, નિકમનું માનવું છે કે સંજયની નાની ભૂલે મોટી ઘટનાને આમંત્રણ આપ્યું હતું.
નિકમે જણાવ્યું કે આર્મ્સ એક્ટ હેઠળ દોષી ઠર્યા બાદ સંજય દત્તને મોટો આઘાત લાગ્યો હતો.
Mumbai Blast 1993: જાણીતા વકીલ અને રાજ્યસભા માટે તૈયારી કરી રહેલા ઉજ્જ્વલ નિકમે 1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ અંગે મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે, જો અભિનેતા સંજય દત્તે હથિયારોથી ભરેલા વાહનની જાણકારી પોલીસને આપી હોત, તો દેશની આર્થિક રાજધાની મુંબઈમાં થયેલા આ બ્લાસ્ટ ટાળી શકાયા હોત, જેમાં 267 લોકોના જીવ ગયા હતા.
હથિયારો અને સંજય દત્તનું કનેક્શન
મીડિયા સાથેની વાતચીતમાં નિકમે કહ્યું, “12 માર્ચ 1993ના રોજ બ્લાસ્ટ થયા. તેના એક દિવસ પહેલાં એટલે કે 11 માર્ચે એક વાહન સંજય દત્તના ઘરે પહોંચ્યું હતું. આ વાહન હેન્ડ ગ્રેનેડ, AK-47 જેવા હથિયારોથી ભરેલું હતું. આ વાહન અબુ સલેમ લઈને આવ્યો હતો. સંજયે તેમાંથી કેટલાક હેન્ડ ગ્રેનેડ અને બંદૂકો લીધી, પરંતુ બાદમાં તેમણે મોટાભાગની વસ્તુઓ પરત કરી દીધી અને માત્ર એક AK-47 પોતાની પાસે રાખી.”
પોલીસને જાણ કરી હોત તો...
નિકમે આગળ જણાવ્યું, “જો સંજય દત્તે તે સમયે પોલીસને જાણ કરી હોત, તો પોલીસ તપાસ કરી શકી હોત અને મુંબઈ બ્લાસ્ટ થયા ન હોત. તેમણે સંજયના વકીલને પણ કહ્યું હતું કે AK-47નો ઉપયોગ ન થયો હોવા છતાં, તેની જાણ ન કરવાને કારણે આ બ્લાસ્ટ થયા અને ઘણા લોકોના જીવ ગયા.”
સંજય દત્ત નિર્દોષ હતા?
નિકમે સ્પષ્ટ કર્યું કે સંજય દત્ત તે સમયે નિર્દોષ હતા અને હથિયારો પ્રત્યેના આકર્ષણને કારણે તેમણે આ પગલું ભર્યું હતું. તેમણે કહ્યું, “કાયદાની નજરમાં તેમણે ગુનો કર્યો, પરંતુ હું તેમને નિર્દોષ માનું છું. તે સીધા વ્યક્તિ છે.” કોર્ટે સંજય દત્તને TADA કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ આર્મ્સ એક્ટ હેઠળ દોષી ઠેરવ્યા હતા. સુપ્રીમ કોર્ટે તેમની 6 વર્ષની સજાને ઘટાડીને 5 વર્ષ કરી હતી, જે તેઓ પુણેની યરવડા જેલમાં ભોગવી ચૂક્યા છે.
સંજય દત્તની પ્રતિક્રિયા
નિકમે જણાવ્યું કે આર્મ્સ એક્ટ હેઠળ દોષી ઠર્યા બાદ સંજય દત્તને મોટો આઘાત લાગ્યો હતો. તેમણે કહ્યું, “મેં તેમની બોડી લેંગ્વેજ બદલાતી જોઈ. તેઓ નિર્ણય સહન નહોતા કરી શકતા અને ગભરાયેલા દેખાતા હતા.” નિકમે સંજયને સલાહ આપી હતી, “સંજય, આવું ન કરો. મીડિયા તમને જોઈ રહ્યું છે. તમે એક્ટર છો, જો તમે ડરેલા દેખાશો તો લોકો તમને દોષી માનશે. તમારી પાસે અપીલનો મોકો છે.” આના જવાબમાં સંજયે કહ્યું, “હા સર.”