PM Modi Gujarat Visit: પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ અને ગાંધીનગરની જનતાને આજે મોટી ભેટ આપી છે. તેઓએ અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રોનું લોકાર્પણ કર્યું છે. ગાંધીનગરના સેક્ટર 1 સ્ટેશનથી વડાપ્રધાને ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. વડાપ્રધાન સેક્ટર 1ના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસી મુસાફરી કરી હતી. આ સાથે જ તેમણે કેટલાક વિદ્યાર્થીઓ સાથે આ સફર દરમિયાન ચર્ચા પણ કરી હતી.
ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ કરાયો છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મેટ્રો ફેઝ 1 નું લોકાર્પણ કર્યું હતું. ફેઝ 1 ના ઉત્તર - દક્ષિણ મેટ્રો કોઈડોરનું વિસ્તરણ એટલે મેટ્રો ફેઝ 2. મેટ્રો ટ્રેન હવે APMCથી મોટેરા લાઈન ગાંધીનગર સુધી જશે. PM મોદીએ મેટ્રો ફેઝ-2ના 20.8 કિમીના કોરિડોરનું લોકાર્પણ કર્યું છે.
અમદાવાદથી ગાંધીનગર મેટ્રો ટ્રેનમાં કુલ 8 સ્ટેશન આવશે. GNLU, રાયસણ, રાંદેસર, ધોળકુવા સર્કલ, ઇન્ફોસીટી, સેક્ટર 1, PDPU અને ગિફ્ટ સીટીનો સમાવેશ થાય છે. આ સાથે મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર જવા માટે મેટ્રોનું ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. મોટેસા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી સેક્શન 1 મેટ્રો સ્ટેશન અને સેક્ટર-1થી મોટેરા સ્ટેડિયમ સુધીનું ટાઈમ ટેબલ જાહેર કરાયું છે. તો જીએનએલયુથી ગિફ્ટ સિટી અને ગિફ્ટ સિટીથી જીએનેલયુ માટેનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ ટ્રેન સેવા 17 સપ્ટેમ્બરથી શરૂ થશે.
આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેવા કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. શરૂઆતમાં ગાંધીનગરના આઠ સ્ટેશન પર મેટ્રો દોડશે. આવનારા સમયમાં મેટ્રો સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર 16, સેક્ટર 24 અને મહાત્મા મંદિર સુધી જશે. મેટ્રોના બીજા ફેઝનો રૂટ 21 કિ.મીનો છે. મેટ્રોના ફેઝ-2 પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹ 5,384 કરોડ છે, જેમાં AFD અને KfW જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓમાંથી ફન્ડીંગ લેવામાં આવ્યું છે.