બાંગ્લાદેશમાં કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઇસ્લામી ચૂંટણીની તૈયારીમાં, ભારત પર શું થશે અસર?
બાંગ્લાદેશની કોર્ટે જમાતના એક મોટા નેતા અઝહરુલ ઇસ્લામની સજા પણ રદ કરી દીધી છે. અઝહરુલ પર 1971ના યુદ્ધ દરમિયાન બળાત્કાર, હત્યા અને નરસંહારના આરોપ હતા. 2014માં તેને મૃત્યુદંડની સજા થઈ હતી, પરંતુ યુનુસની સરકાર આવ્યા બાદ તેના કેસની ફરી તપાસ કરવામાં આવી અને સજા રદ કરાઈ. આ નિર્ણયથી જમાતનું મનોબળ વધ્યું છે.
હવે શેખ હસીનાનું શાસન સમાપ્ત થયું છે અને જમાત ફરી રાજકીય પ્રભુત્વ મેળવવાના પ્રયાસમાં છે.
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઇસ્લામી અને તેની વિદ્યાર્થી શાખા ચત્રા શિબપુર આગામી ચૂંટણીમાં ભાગ લેવા માટે તૈયારી કરી રહ્યાં છે. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે આ બંને સંગઠનોને રાજકીય દરજ્જો આપીને ચૂંટણીમાં ભાગ લેવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય બાદ બાંગ્લાદેશની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે, જેની અસર ભારત સહિત આખા દક્ષિણ એશિયા પર પડી શકે છે.
જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ હટાવ્યો
શેખ હસીનાની સરકારે 2013માં જમાત-એ-ઇસ્લામી પર તેની કટ્ટરપંથી પ્રવૃત્તિઓને કારણે પ્રતિબંધ લગાવીને ચૂંટણીમાં ભાગ લેવા પર રોક મૂકી હતી. જોકે, ગયા વર્ષે યુનુસે સત્તા સંભાળતા જ આ પ્રતિબંધ હટાવી દીધો હતો. આ નિર્ણય બાદ જમાત અને તેની વિદ્યાર્થી શાખા ચત્રા શિબપુરે રાજકીય પક્ષ તરીકે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું અને હવે તેઓ ચૂંટણીના મેદાનમાં ઉતરવા તૈયાર છે.
શેખ હસીનાના શાસન દરમિયાન જમાત પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ હતો. આ સંગઠનની શેખ હસીના વિરુદ્ધના વિદ્યાર્થી આંદોલનમાં મુખ્ય ભૂમિકા હોવાનું પણ માનવામાં આવે છે. આ આંદોલન દરમિયાન હિન્દુ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ પણ જમાત પર લાગ્યો હતો. હવે આ સંગઠન પોતાની ઇમેજને રિબ્રાન્ડ કરવાના પ્રયાસમાં છે, જેથી આરોપોની અસર ઓછી કરી શકાય.
નરસંહારના આરોપીની સજા રદ
બાંગ્લાદેશની કોર્ટે જમાતના એક મોટા નેતા અઝહરુલ ઇસ્લામની સજા પણ રદ કરી દીધી છે. અઝહરુલ પર 1971ના યુદ્ધ દરમિયાન બળાત્કાર, હત્યા અને નરસંહારના આરોપ હતા. 2014માં તેને મૃત્યુદંડની સજા થઈ હતી, પરંતુ યુનુસની સરકાર આવ્યા બાદ તેના કેસની ફરી તપાસ કરવામાં આવી અને સજા રદ કરાઈ. આ નિર્ણયથી જમાતનું મનોબળ વધ્યું છે.
જમાતનો ઇતિહાસ અને પાકિસ્તાન સાથેનો સંબંધ
જમાત-એ-ઇસ્લામીનો ઇતિહાસ ભારત-વિરોધી અને પાકિસ્તાન-સમર્થક રહ્યો છે. 1971ના બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેના દ્વારા બંગાળીઓ પર થયેલા અત્યાચારો છતાં, જમાતે પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું. આ ઉપરાંત, આ સંગઠને નરસંહાર અને બળાત્કારમાં પણ પાકિસ્તાની સેનાને મદદ કરી હોવાનું માનવામાં આવે છે. શેખ હસીનાએ સત્તામાં આવ્યા બાદ આ આરોપોની તપાસ કરી અને જમાત પર પ્રતિબંધ લગાવ્યો હતો.
હવે શેખ હસીનાનું શાસન સમાપ્ત થયું છે અને જમાત ફરી રાજકીય પ્રભુત્વ મેળવવાના પ્રયાસમાં છે. યુનુસની સરકાર પર પણ આરોપ છે કે તે પાકિસ્તાન સાથે ગાઢ સંબંધોની હિમાયત કરે છે, જે જમાતના પાકિસ્તાન-પરસ્ત વલણ સાથે મેળ ખાય છે. યુનુસની આ નીતિને કારણે જમાતને રાજકીય સમર્થન મળી રહ્યું છે.
ભારત પર શું થશે અસર?
જમાત-એ-ઇસ્લામીનું બાંગ્લાદેશમાં વધતું પ્રભુત્વ ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. શેખ હસીનાના શાસન દરમિયાન ભારત અને બાંગ્લાદેશના સંબંધો ખૂબ જ મજબૂત હતા. આ દરમિયાન ભારતે સિત્વે પોર્ટ અને કલાદાન મલ્ટી-મોડલ ટ્રાન્ઝિટ ટ્રાન્સપોર્ટ જેવા મોટા પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સ દક્ષિણ-પૂર્વ એશિયા સાથે ભારતની કનેક્ટિવિટી વધારે છે અને સિલિગુડી કોરિડોર પરનો ભાર ઘટાડે છે. જો જમાત બાંગ્લાદેશમાં પ્રભુત્વ મેળવે તો આ પ્રોજેક્ટ્સને જોખમ ઊભું થઈ શકે છે.
આ ઉપરાંત, જમાત દક્ષિણ એશિયાઈ ઇમિગ્રન્ટ સમુદાયો દ્વારા એક નેટવર્ક બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવાનો છે. જો બાંગ્લાદેશમાં જમાતનું વર્ચસ્વ વધે તો પૂર્વી પાકિસ્તાનના દિવસો પાછા ફરી શકે છે, જેના પાકિસ્તાન સાથે ગાઢ સંબંધો હશે. આ ભારત માટે સુરક્ષા અને રાજકીય પડકારો ઊભા કરી શકે છે.