રાહુલ ગાંધીના આ નિવેદન બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહે સખત વાંધો ઉઠાવ્યો હતો અને રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા.
સંસદના બજેટ સત્ર દરમિયાન સોમવારે લોકસભામાં વાતાવરણ એકદમ ગરમાઈ ગયું હતું. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન ચર્ચા ચાલી રહી હતી, ત્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ચીન સરહદ વિવાદ અને ડોકલામ મુદ્દે એક મોટું નિવેદન આપ્યું. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં ભારતીય સેનાના પૂર્વ પ્રમુખ એમ.એમ. નરવણેની એક મેગેઝીન રિપોર્ટ અને તેમના સંસ્મરણોનો ઉલ્લેખ કર્યો, જેના કારણે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર તકરાર થઈ ગઈ.
રાહુલ ગાંધીના આ નિવેદન બાદ રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહે સખત વાંધો ઉઠાવ્યો હતો અને રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા.
શું હતો રાહુલ ગાંધીનો દાવો?
રાહુલ ગાંધીએ ગૃહમાં બોલતા પૂર્વ સેના પ્રમુખ એમ.એમ. નરવણેના અપ્રકાશિત (જે હજુ પબ્લિશ નથી થયા) સંસ્મરણોના ક્વોટ (Quote) નો હવાલો આપ્યો હતો. તેમણે દાવો કર્યો કે તેમની માહિતીનો સ્ત્રોત એકદમ સાચો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, "ચીનની સેના ભારતીય સરહદમાં ઘૂસી રહી છે. ચીનના 4 ટેન્ક ભારતીય સીમાની અંદર આવી ગયા હતા અને તેઓ કૈલાશ રિજ પર ચઢી રહ્યા હતા." આ સાંભળતા જ સંસદમાં હોબાળો શરૂ થઈ ગયો.
રક્ષામંત્રી રાજનાથ સિંહે લીધો વાંધો
રાહુલ ગાંધીની આ વાત સાંભળીને રક્ષામંત્રી રાજનાથ સિંહ પોતાની સીટ પરથી ઉભા થયા અને કડક શબ્દોમાં વાંધો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી સંસદને ગેરમાર્ગે દોરી રહ્યા છે. રાજનાથ સિંહે સ્પષ્ટ કહ્યું કે, "રાહુલ ગાંધી જે પુસ્તકનો હવાલો આપી રહ્યા છે, તે હજુ સુધી પ્રકાશિત જ નથી થઈ. તો પછી તેઓ તેનો રેફરન્સ કેવી રીતે આપી શકે?"
તેમણે સ્પીકર ઓમ બિરલાને વિનંતી કરી કે રાહુલ ગાંધીને તથ્યો વગર બોલવાની મંજૂરી ન મળવી જોઈએ.રાજનાથ સિંહે પડકાર ફેંકતા કહ્યું કે, જો રાહુલ ગાંધી સાચા હોય તો તેઓ એ પુસ્તક સદનમાં રજૂ કરે.
અમિત શાહે કહ્યું - મેગેઝીનમાં તો કંઈ પણ છપાય
ગૃહમંત્રી અમિત શાહ પણ આ ચર્ચામાં કૂદી પડ્યા અને રાહુલ ગાંધીને વચ્ચે જ ટોક્યા હતા. અમિત શાહે કહ્યું કે રાહુલ ગાંધી કોઈ પણ જાતની ખરાઈ વગર બોલી રહ્યા છે. તેમણે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે,,,
"એક મેગેઝીનની રિપોર્ટ વાંચીને તમે સંસદમાં આવી મોટી વાત ન કરી શકો. મેગેઝીનમાં તો ગમે તે લખેલું હોઈ શકે છે."તેમણે સવાલ કર્યો કે રાહુલ ગાંધીને કોણે કહ્યું કે ચીની ટેન્ક આવ્યા હતા?
અમિત શાહે સલાહ આપી કે, દેશની સુરક્ષા બાબતે એક મેગેઝીન રિપોર્ટ કરતા દેશના રક્ષામંત્રીની વાત પર ભરોસો કરવો જોઈએ. આમ, સોમવારના સત્રમાં ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર સત્તાધારી પક્ષે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને આખો મામલો ગરમાયો હતો.