Dubai: દુબઈ તેની ભવ્યતા અને વૈભવી જીવનશૈલી માટે પ્રખ્યાત છે. આ શહેર દુનિયાભરના અબજોપતિઓનું ઘર છે. ઘણા ઉદ્યોગપતિઓએ અહીંની પ્રોપર્ટીમાં મોટું રોકાણ કર્યું છે. પામ જુમેરાહ પર એપાર્ટમેન્ટ, વિલા અને બંગલાની કિંમત કરોડોમાં છે. એ જ રીતે, દુબઈના જુમેરાહ બે આઈલેન્ડમાં, 24,500 ચોરસ ફૂટનો પ્લોટ રેકોર્ડ 125 મિલિયન દિરહામ અથવા લગભગ રૂ. 278 કરોડમાં વેચવામાં આવ્યો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર જે વ્યક્તિએ આ પ્લોટ ખરીદ્યો છે. તે મૂળ દુબઈનો રહેવાસી નથી. તેણે પરિવાર સાથે રજાઓ ગાળવા માટે આ પ્લોટ ખરીદ્યો છે. તે અહીં ઘર બનાવવા માંગે છે.
આ મોંઘી મિલકત કોણે ખરીદી છે? તેનું નામ હજુ જાહેર થયું નથી. આ પ્લોટ 19મી એપ્રિલે ખરીદવામાં આવ્યો છે. પ્લોટ વેચનાર વ્યક્તિ યુકેનો રહેવાસી છે. તે ફેશન રિટેલર પ્રીટી લિટલ થિંગના સ્થાપક છે. તેની ઉંમર 35 વર્ષ હોવાનું કહેવાય છે. રિયલ એસ્ટેટ બ્રોકર્સ આગાહી કરે છે કે રેકોર્ડ તૂટવાનું ચાલુ રહેશે.
બ્રોકરેજ ફર્મ નાઈટ ફ્રેન્કના હેડ એન્ડ્ર્યુ કમિંગે કહ્યું કે અત્યાર સુધી મોંઘી પ્રોપર્ટીના વેચાણના સમાચાર આવતા હતા. તેમાં વૈભવી વિલા અથવા લક્ઝરી પેન્ટહાઉસ હતા. આટલી ઊંચી કિંમતે ખાલી પ્લોટ વેચવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. દુબઈ લેન્ડ રેકોર્ડ દર્શાવે છે કે આ જમીન વેચનાર વ્યક્તિએ બે વર્ષ પહેલા તેને 36.5 મિલિયન દિરહામ (લગભગ 81.43 કરોડ રૂપિયા)માં ખરીદી હતી. હવે તેણે તેને 88.5 મિલિયન દિરહામ એટલે કે લગભગ 197 કરોડ રૂપિયાના નફા સાથે વેચી છે.
દુનિયાભરના અમીર લોકો દુબઈમાં ખરીદી રહ્યા છે પ્રોપર્ટી
મહત્વનું છે કે, દુબઈમાં ટેક્સ અને ક્રાઈમ ઓછા છે. જેના કારણે દુનિયાભરના અમીર લોકો ત્યાં પ્રોપર્ટી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દુબઈમાં પ્રોપર્ટીના ભાવ આસમાને છે. આ સાથે તેલની વધતી કિંમતો પણ દુબઈમાં પ્રોપર્ટીના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર દુબઈમાં પ્રોપર્ટી ખરીદનારાઓમાં રશિયન નાગરિકો પણ સામેલ છે.