2030 સુધીમાં AI મનુષ્ય જેવી બુદ્ધિમત્તા મેળવશે, માનવજાત પર ખતરો!
રિસર્ચ પત્રમાં જણાવાયું છે કે AGIના વિકાસથી મનુષ્યોની જરૂરિયાતો ખતમ થઈ શકે છે અને તેનો દુરુપયોગ પણ થઈ શકે છે. આ રિપોર્ટમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે AGI માનવજાતના અસ્તિત્વને જ પૂર્ણ રીતે નાબૂદ કરી શકે છે. સંશોધકોનું માનવું છે કે આવી અદ્યતન ટેક્નોલોજી મનુષ્યો માટે વિનાશક સાબિત થઈ શકે છે, જો તેના વિકાસ અને ઉપયોગ પર યોગ્ય નિયંત્રણ નહીં રાખવામાં આવે.
સંશોધકોએ ભવિષ્યમાં AIના પ્રભુત્વને ઘટાડવા અને તેના જોખમોને ઓછા કરવા માટે નિવારક પગલાં પર ભાર મૂક્યો છે.
ગૂગલ ડીપમાઇન્ડના તાજેતરના રિસર્ચમાં ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. સંશોધકોનું કહેવું છે કે વર્ષ 2030 સુધીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) મનુષ્યો જેવી બુદ્ધિમત્તા હાંસલ કરી લેશે. આને આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (AGI) તરીકે ઓળખવામાં આવે છે, જે મનુષ્યોની જેમ વિચારવા અને સમજવામાં સક્ષમ હશે. પરંતુ આ સાથે જ સંશોધકોએ એક ભયાનક ચેતવણી પણ આપી છે કે આવી ટેક્નોલોજી માનવજાત માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
AGIથી માનવજાત પર સંકટ
રિસર્ચ પત્રમાં જણાવાયું છે કે AGIના વિકાસથી મનુષ્યોની જરૂરિયાતો ખતમ થઈ શકે છે અને તેનો દુરુપયોગ પણ થઈ શકે છે. આ રિપોર્ટમાં એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે AGI માનવજાતના અસ્તિત્વને જ પૂર્ણ રીતે નાબૂદ કરી શકે છે. સંશોધકોનું માનવું છે કે આવી અદ્યતન ટેક્નોલોજી મનુષ્યો માટે વિનાશક સાબિત થઈ શકે છે, જો તેના વિકાસ અને ઉપયોગ પર યોગ્ય નિયંત્રણ નહીં રાખવામાં આવે.
રિસર્ચમાં શું છે?
આ રિસર્ચ પત્ર ગૂગલ ડીપમાઇન્ડના સહ-સ્થાપક શેન લેગ સહિતના નિષ્ણાતો દ્વારા લખવામાં આવ્યું છે. જોકે, આ પેપરમાં એ સ્પષ્ટ નથી કરાયું કે AGI કઈ રીતે માનવજાતને નાશ કરી શકે છે. તેમ છતાં, સંશોધકોએ ભવિષ્યમાં AIના પ્રભુત્વને ઘટાડવા અને તેના જોખમોને ઓછા કરવા માટે નિવારક પગલાં પર ભાર મૂક્યો છે.
ચાર પ્રકારના જોખમો
રિપોર્ટમાં એડવાન્સ AIથી થતાં જોખમોને ચાર શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યાં છે:
દુરુપયોગ (Misuse): AGIનો ખોટો ઉપયોગ અન્યોને નુકસાન પહોંચાડવા માટે થઈ શકે છે.
ખોટું સંરેખન (Misalignment): AIના લક્ષ્યો મનુષ્યોની જરૂરિયાતોથી અલગ હોઈ શકે છે.
ભૂલો (Mistakes): AI દ્વારા થતી ભૂલો ગંભીર પરિણામો લાવી શકે છે.
માળખાકીય જોખમો (Structural Risks): સમાજની રચનામાં ઊંડા ફેરફારો થઈ શકે છે.
નિવારણના ઉપાયો
રિસર્ચમાં AGIના દુરુપયોગને રોકવા અને તેના જોખમોને ઘટાડવા માટેના પગલાં પર પણ ચર્ચા કરવામાં આવી છે. ડીપમાઇન્ડના સીઈઓ ડેમિસ હસાબિસે આ વર્ષે ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે આગામી પાંચથી દસ વર્ષમાં AGI ઉભરી શકે છે, જે મનુષ્યો કરતાં પણ વધુ બુદ્ધિશાળી હશે. તેમણે આ માટે સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક નિયામક સંસ્થાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જે AGIના વિકાસ પર નજર રાખી શકે. આ રિસર્ચ માનવજાતને ચેતવણી આપે છે કે આવનારા સમયમાં AIના વિકાસને નિયંત્રિત કરવું કેટલું મહત્વનું છે, જેથી ભવિષ્યમાં મનુષ્યોનું અસ્તિત્વ સુરક્ષિત રહી શકે.