યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહ્યાને કેપ્ટન સ્મિત મચ્છર અને તેમની ટીમને પ્રથમ શ્રેણીના 'ઓર્ડર ઓફ જાયદ II' (Order of Zayed II) સન્માનથી સન્માનિત કર્યા છે.
ગુજરાત અને ભારત માટે એક અત્યંત ગર્વ લેવા જેવા સમાચાર સામે આવ્યા છે. હવામાં હજારો ફૂટની ઊંચાઈએ વિમાન ક્રેશ થતું અટકાવીને 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી મૂળના પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરને સંયુક્ત આરબ અમીરાતના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે. ચાલો જાણીએ આ ગુજરાતી હીરોની બહાદુરીની આખી રોમાંચક કહાની.
UAE નું સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ જાયદ II' એનાયત
યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહ્યાને કેપ્ટન સ્મિત મચ્છર અને તેમની ટીમને પ્રથમ શ્રેણીના 'ઓર્ડર ઓફ જાયદ II' સન્માનથી સન્માનિત કર્યા છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે આ એવોર્ડ પોતાના હાથે ક્રૂ સભ્યોને અર્પણ કર્યો હતો. દુબઈ મીડિયા ઓફિસે આ અંગે સત્તાવાર માહિતી આપી હતી. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કેપ્ટન અને ક્રૂની વફાદારી, સૂઝબૂઝ અને બહાદુરીના ખૂબ વખાણ કર્યા હતા.
ફ્લાયદુબઈની ફ્લાઇટમાં હવામાં શું થયું હતું?
આ રૂંવાડા ઊભા કરી દે તેવી ઘટના 30 સપ્ટેમ્બરના રોજ ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 માં બની હતી. આ વિમાન દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહ્યું હતું. ઉડાન દરમિયાન જ અચાનક કો-પાયલોટે કોકપીટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરી દીધો. તેનો ઈરાદો વિમાનનો કાબૂ પોતાના હાથમાં લેવાનો હતો. યુએઈના સરકારી વકીલોની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કો-પાયલોટ આ વિમાનને ઈઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર જાણીજોઈને ક્રેશ કરવા માંગતો હતો, જેથી મોટો વિનાશ અને જાનમાલનું નુકસાન સર્જી શકાય.
ગંભીર રીતે ઘાયલ હોવા છતાં ગુજરાતી પાયલોટે હિંમત ન હારી
કો-પાયલોટના આ જીવલેણ હુમલામાં કેપ્ટન સ્મિત મચ્છર ગંભીર રીતે ઘાયલ થયા હતા. પરંતુ તેમણે જરાય હિંમત હારી નહીં. તેમણે પોતાની પૂરી તાકાત લગાવીને સંઘર્ષ કર્યો અને કોકપીટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી. દરવાજો ખૂલતા જ વિમાનના અન્ય ક્રૂ મેમ્બર્સ અને જાગૃત મુસાફરોએ સમયસૂચકતા વાપરીને હુમલાખોર કો-પાયલોટને પકડીને કાબૂમાં લઈ લીધો.
સાઉદી અરેબિયામાં કરાયું સુરક્ષિત લેન્ડિંગ
પરિસ્થિતિની ગંભીરતાને સમજીને વિમાનનો રૂટ તાત્કાલિક બદલવામાં આવ્યો. કેપ્ટને પોતાની સૂઝબૂઝથી વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર એકદમ સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું. કેપ્ટન સ્મિત મચ્છરની આ સમયસૂચકતા અને બહાદુરીના કારણે વિમાનમાં સવાર તમામ 174 મુસાફરો અને ક્રૂ સભ્યોનો જીવ બચી ગયો.