જંતર-મંતર પર પ્રદર્શન માટે લાગુ કરાયેલા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 13 ઓક્ટોબરે આ બંને નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા હતા.
કૉકરોચ જનતા પાર્ટીના બે યુવા નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકા હાલમાં તિહાડ જેલમાં બંધ છે. આ બંને નેતાઓએ પોતાની કસ્ટડી વધારવા સામે દિલ્હી હાઈકોર્ટમાં જે અરજી કરી હતી, તે આજે પાછી ખેંચી લીધી છે. આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જજ અને વકીલો વચ્ચે કેટલીક રસપ્રદ દલીલો જોવા મળી હતી.
ઉંમર સાંભળીને જજે કહ્યું- આ Gen Z નથી!
દિલ્હી હાઈકોર્ટના જજ સુબ્રમણ્યમ પ્રસાદની બેન્ચ સમક્ષ આજે આ કેસની સુનાવણી ચાલી રહી હતી. સુનાવણી વચ્ચે જજે બંને નેતાઓની ઉંમર પૂછી હતી. CJPના વકીલે કોર્ટને જણાવ્યું કે સૌરવ દાસની ઉંમર 27 વર્ષ અને આશુતોષ રાંકાની ઉંમર 31 વર્ષ છે. આ સાંભળીને જજે તરત જ હળવાશથી કહ્યું કે, "તો પછી આ લોકો Gen Z નથી. આ પછી જજે મિલેનિયલ્સ અને Gen Zની ઉંમર વિશે પણ વાત કરી હતી.
હાઈકોર્ટમાં શું દલીલો થઈ?
સૌરવ અને આશુતોષના વકીલે હાઈકોર્ટ પાસે અરજી પાછી ખેંચવાની મંજૂરી માંગી, જે કોર્ટે આપી દીધી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અરજી પાછી ખેંચવા પર કેસના ગુણદોષ વિશે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
બીજી તરફ, દિલ્હી પોલીસના એએસજીએ જામીન માટે વકીલોને જામીનદાર બનાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો. હાઈકોર્ટે શરતોના ભંગ અંગે સવાલ કરતા કહ્યું કે જો 11 ઓક્ટોબરે બોન્ડ ભર્યા પછી તેનો ભંગ થાય છે, તો BNSS કાયદા હેઠળ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. જજે એમ પણ પૂછ્યું કે જો બીજી વાર બોન્ડ તોડવામાં આવે, તો વધુ કડક શરતો કેમ ન લાદવી જોઈએ?
વિરોધ પ્રદર્શન અને લોકશાહી વિશે કોર્ટની કડક ટિપ્પણી
હાઈકોર્ટે આંદોલન અને વિરોધ પ્રદર્શન અંગે એક બહુ જ મહત્વની વાત કહી. કોર્ટે કહ્યું, લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ કરવાનો દરેકને અધિકાર છે. પરંતુ જ્યારે શાંતિ ડહોળાવાની આશંકા હોય, ત્યારે પ્રદર્શનકારીઓ કોણ છે, તેમનો ઈરાદો શું છે અને તેઓ શું કામ કરે છે તે જોવું જરૂરી બને છે. જો પ્રદર્શનનો હેતુ સત્તા પરિવર્તન લાવવાનો હોય, તો લોકશાહીમાં આવો બદલાવ માત્ર ચૂંટણી દ્વારા જ શક્ય છે.
બંને નેતાઓ જેલમાં કેમ છે?
તમને જણાવી દઈએ કે, જંતર-મંતર પર પ્રદર્શન માટે લાગુ કરાયેલા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 13 ઓક્ટોબરે આ બંને નેતાઓને 5 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા હતા. બાદમાં વિશેષ મેજિસ્ટ્રેટ દ્વારા કસ્ટડી વધુ 2 દિવસ વધારવામાં આવી હતી. CJP નો આરોપ છે કે પોલીસ આ બંનેને જેલમાં રાખવા માટે જામીન પ્રક્રિયામાં જાણીજોઈને મોડું કરી રહી છે, જે બંધારણની કલમ 21 નું સીધું ઉલ્લંઘન છે.