દરમિયાન, રાજ્ય સરકારે પણ વિદર્ભમાં બર્ડ ફ્લૂના ખતરા અંગે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે.
આરોગ્ય ક્ષેત્રે એક મોટું પગલું ભરતા, મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે 0-14 વર્ષની છોકરીઓને ફ્રી કેન્સરની રસી આપવાની જાહેરાત કરી છે. આ માહિતી આપતાં રાજ્યના આરોગ્ય પ્રધાન પ્રકાશ આબિતકરે જણાવ્યું હતું કે બદલાતી લાઇફ સ્ટાઇલને કારણે કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે, અને હવે આ રોગ તમામ ઉંમરના લોકોને અસર કરી રહ્યો છે. આબીટકરે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ ગંભીર સમસ્યાનો સામનો કરવા માટે ફ્રી કેન્સર રસીકરણ કાર્યક્રમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
ANIના અહેવાલ મુજબ, પ્રકાશ આબિતકરે જણાવ્યું હતું કે "અમે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી અજિત પવારને 0-14 વર્ષની છોકરીઓને ફ્રી કેન્સરની રસી આપવા વિનંતી કરી હતી. તેમણે તેને મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં સરકાર તેનો અમલ કરશે,"
એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્સરના કેસોમાં વધારો થવા પાછળ માત્ર ધૂમ્રપાન કે અન્ય વ્યસન જ કારણ નથી, પરંતુ ખાવાની આદતો અને બદલાતી લાઇફ સ્ટાઇલ પણ એક મુખ્ય કારણ બની રહી છે. ખાસ કરીને બાળકોમાં કેન્સરના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ યોજનાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
બર્ડ ફ્લૂ અંગે પણ ચેતવણી
દરમિયાન, રાજ્ય સરકારે પણ વિદર્ભમાં બર્ડ ફ્લૂના ખતરા અંગે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. ત્યાં કાગડાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા (બર્ડ ફ્લૂ)ની પુષ્ટિ થઈ છે, જોકે માણસોમાં તેના ચેપની પુષ્ટિ થઈ નથી. અબિતકરે જણાવ્યું હતું કે શંકાસ્પદ દર્દીના નમૂનાઓ પરીક્ષણ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું, "સાવચેતીના પગલા તરીકે, અમે ચેપના ફેલાવાને રોકવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ચિકન દુકાનો અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે."
ચિકન ખાવા સામે ચેતવણી જાહેર
અગાઉ, પુણેમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (GBS)ના કેસ નોંધાયા બાદ, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે લોકોને ઓછી રાંધેલી ચિકન ખાવાનું ટાળવાની અપીલ કરી હતી. જોકે આ રોગ અને ચિકન વચ્ચે કોઈ સ્પષ્ટ જોડાણની પુષ્ટિ થઈ નથી, તેમ છતાં સરકારે સાવચેતી રાખવાની સલાહ આપી છે.