મહારાષ્ટ્ર FDAના કમિશનર તુકારામ મુંઢેએ મુંબઈમાં મોટી કાર્યવાહી કરી છે. જુહુ ઈસ્કોન મંદિરના ફૂડ આઉટલેટ્સ અને IRCTC વેન્ડરના રસોડામાં ગંદકી અને વંદા મળતા લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે.
IRCTC બાદ FDAની ટીમે 3 સપ્ટેમ્બરના રોજ જુહુ સ્થિત ઈસ્કોન મંદિરમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. અહીંની તપાસમાં પણ અધિકારીઓ ચોંકી ગયા હતા. પ્રખ્યાત 'ગોવિંદાસ રેસ્ટોરન્ટ' સહિત 3 આઉટલેટ્સના લાયસન્સ રદ્દ કરાયા છે.
FDA raid in Mumbai: મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ મુંબઈમાં સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે લાલ આંખ કરી છે. FDA એ તાજેતરમાં ચલાવેલી તપાસ ઝુંબેશમાં મુંબઈના જુહુ સ્થિત પ્રખ્યાત ઈસ્કોન મંદિરના 3 ફૂડ આઉટલેટ્સ અને રેલવેમાં જમવાનું પૂરું પાડતા IRCTCના એક મોટા વેન્ડરનું લાયસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે.
IRCTC ના વેન્ડરને ત્યાં જોવા મળી ભયંકર ગંદકી
સત્તાવાર માહિતી અનુસાર, FDA ની ટીમે 2 સપ્ટેમ્બરના રોજ કુર્લા વેસ્ટમાં આવેલા અને IRCTC સાથે જોડાયેલા 'R.K. એસોસિએટ્સ એન્ડ હોટેલિયર્સ' ના રસોડામાં દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન અધિકારીઓને ખૂબ જ ગંભીર ખામીઓ જોવા મળી હતી. જેના કારણે તેમનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે.
આ તપાસમાં શું-શું સામે આવ્યું?
જ્યાં જમવાનું બને છે અને સ્ટોર થાય છે તે જગ્યાએ વંદા ફરતા જોવા મળ્યા. ખુલ્લા કચરાપેટીની બરાબર બાજુમાં અને LPG સિલિન્ડરની પાસે જ રસોઈ બનાવવામાં આવતી હતી. રસોડાના ભોંયતળિયાની 17 ટાઈલ્સ તૂટેલી હતી અને દીવાલોમાં તિરાડો હતી. જમવાનું બનાવવા અને પીરસવાવાળા 34 કર્મચારીઓમાંથી માત્ર 21 પાસે જ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ હતા.
હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક કર્મચારી પોતાની આંગળીમાં ઈજા હોવા છતાં રસોઈ બનાવતો પકડાયો. જમવાનું સપ્લાય કરવા માટેના વાહનો અને રસોઈના વાસણો ગંદા અને કાટવાળા હતા. આ ફેસિલિટીને ઇન્સ્પેક્શનમાં 114 માંથી માત્ર 78 (એટલે કે 69%) માર્ક્સ જ મળ્યા હતા. નોંધનીય છે કે, કુર્લામાં આવેલું આ રસોડું IRCTCના એ 5 બેઝ કિચનમાંથી એક હતું જે રેલવે મુસાફરોને ભોજન પૂરું પાડે છે. અન્ય 4 જગ્યાઓને પણ સુધારો કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે.
જુહુ ઈસ્કોનના 'ગોવિંદાસ રેસ્ટોરન્ટ' પર પણ તવાઈ
IRCTC બાદ FDA ની ટીમે 3 સપ્ટેમ્બરના રોજ જુહુ સ્થિત ઈસ્કોન મંદિરમાં પણ સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. અહીંની તપાસમાં પણ અધિકારીઓ ચોંકી ગયા હતા. પ્રખ્યાત 'ગોવિંદાસ રેસ્ટોરન્ટ' સહિત 3 આઉટલેટ્સના લાયસન્સ રદ્દ કરાયા છે.
અહીં તપાસકર્તાઓને રસોડામાં વંદા, જામ થઈ ગયેલી ગટરો અને ગટરમાં જમા થયેલો ખોરાક જોવા મળ્યો હતો. કોલ્ડ સ્ટોરેજ રૂમમાં પાણી ભરાયેલું હતું. સૌથી મોટી બેદરકારી એ હતી કે કાચો અને રાંધેલો ખોરાક યોગ્ય રીતે અલગ-અલગ નહોતો રખાયો, જેનાથી ખોરાક ઝેરી થવાનો મોટો ખતરો હતો.
તુકારામ મુંઢેના એક્શનથી વેપારીઓમાં ફફડાટ
તમને જણાવી દઈએ કે, મે મહિનામાં કડક IAS અધિકારી તુકારામ મુંઢેએ FDA કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ત્યારથી સમગ્ર રાજ્યમાં ફૂડ સેફ્ટીના નિયમો તોડનારાઓ સામે કડક એક્શન લેવાઈ રહ્યા છે. રિપોર્ટ અને ફોટોગ્રાફ્સનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યા બાદ 7 સપ્ટેમ્બરના રોજ આ લાયસન્સ સસ્પેન્ડ કરવાના સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યા છે. જ્યા સુધી લાયસન્સ સસ્પેન્ડ રહેશે, ત્યાં સુધી આ તમામ રસોડાઓમાં ખોરાક બનાવવા કે વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.