મહિલાના પેટમાંથી 13 પેન, 5 ચમચી અને 1 મીણબત્તી નીકળી! કારણ જાણીને ડોક્ટરો પણ ચોંકી ગયા
આંધ્રપ્રદેશના નરસરાવપેટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને 1 મીણબત્તી નીકળી છે. જાણો આખરે આ મહિલાએ આવું કેમ કર્યું.
મેડિકલ એક્સપર્ટ્સના મતે, પેન કે કોઈ અણીદાર વસ્તુઓ ગળવાથી શરીરના આંતરિક ભાગો અને આંતરડામાં કાણાં પડી શકે છે. તેનાથી શરીરમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ શકે છે.
આંધ્રપ્રદેશના નરસરાવપેટમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જાણીને ભલભલા લોકો આશ્ચર્યચકિત થઈ જશે. પેટમાં સખત દુખાવાની ફરિયાદ સાથે એક મહિલા હોસ્પિટલ પહોંચી હતી. શરૂઆતમાં ડોક્ટરોને આ કોઈ સામાન્ય દુખાવો લાગ્યો હતો. પરંતુ, જ્યારે તપાસ આગળ વધી ત્યારે મહિલાના પેટમાંથી એવી વસ્તુઓ મળી જેણે મેડિકલ સ્ટાફને પણ હચમચાવી દીધા. સમયસર હોસ્પિટલ પહોંચવાના કારણે મહિલાનો જીવ બચી ગયો છે અને હાલ તેની સ્થિતિ સ્થિર છે.
એન્ડોસ્કોપી અને સીટી સ્કેનમાં થયો મોટો ખુલાસો
જ્યારે મહિલા હોસ્પિટલ આવી ત્યારે ડોક્ટરોએ સૌપ્રથમ તેનું ECG અને એન્ડોસ્કોપી કરી. ECG નો રિપોર્ટ એકદમ નોર્મલ હતો, પરંતુ એન્ડોસ્કોપીના રિપોર્ટમાં પેટની અંદર કેટલીક બહારની વસ્તુઓ દેખાઈ. આ વાતની વધુ પુષ્ટિ કરવા માટે ડોક્ટરોએ તરત જ સીટી સ્કેન કરાવ્યું. આ રિપોર્ટ જોયા પછી ડોક્ટરોએ જરા પણ સમય બગાડ્યા વિના તરત જ સર્જરી કરવાનો નિર્ણય લીધો.
ડોક્ટર રામચંદ્ર રેડ્ડીએ જણાવ્યું કે, પેટમાં રહેલી પેનમાંથી એક પેન આશરે 25 સેન્ટીમીટર લાંબી હતી. આ લાંબી પેનના કારણે પેટની અંદરના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી અને કાણું પડી ગયું હતું. જેના લીધે મહિલાના શરીરમાં 'ન્યુમોમીડિયાસ્ટિનમ' નામની ગંભીર તબીબી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી. ડોક્ટરોએ એન્ડોસ્કોપી અને લેપ્રોસ્કોપીની મદદથી ભારે જહેમત બાદ આ તમામ વસ્તુઓ બહાર કાઢી હતી.
આવું પહેલી વાર નહોતું બન્યું
જ્યારે ડોક્ટરોએ મહિલાની પૂછપરછ કરી ત્યારે વધુ એક ચોંકાવનારી વાત સામે આવી. આ મહિલાએ આશરે 1 વર્ષ પહેલાં પણ 4 પેન ગળી લીધી હતી! તે સમયે પણ સર્જરી કરીને પેન બહાર કાઢવામાં આવી હતી. તે ઘટના બાદ ડોક્ટરોએ મહિલાને માનસિક રોગના નિષ્ણાત પાસે મોકલી હતી અને તેની સારવાર પણ ચાલી રહી હતી.
પિતા સાથેના ઝઘડા બાદ ભર્યું આ ખતરનાક પગલું
BBCના એક રિપોર્ટ અનુસાર, આ વખતે મહિલાનો તેના પિતા સાથે કોઈ બાબતે મોટો ઝઘડો થયો હતો. ગુસ્સા અને માનસિક તણાવમાં આવીને તેણે ફરીથી આ બધી વસ્તુઓ ગળી લીધી.
ડોક્ટરોની ચેતવણી: આવી વસ્તુઓ ગળવી કેટલી ખતરનાક છે?
મેડિકલ એક્સપર્ટ્સના મતે, પેન કે કોઈ અણીદાર વસ્તુઓ ગળવાથી શરીરના આંતરિક ભાગો અને આંતરડામાં કાણાં પડી શકે છે. તેનાથી શરીરમાં ગંભીર ઇન્ફેક્શન ફેલાઈ શકે છે. સેપ્ટિક શોક જેવી જીવલેણ સ્થિતિ ઊભી થઈ શકે છે. લાંબા સમયે આંતરડામાં બ્લોકેજ, સતત ઉલટી થવી અને અસહ્ય દુખાવો થઈ શકે છે.
ડોક્ટરો સ્પષ્ટપણે માને છે કે, વારંવાર આવી વસ્તુઓ ગળવી એ માત્ર કોઈ શારીરિક બીમારી નથી, પરંતુ તે ગંભીર માનસિક સમસ્યાનો સંકેત છે. આવા કિસ્સાઓમાં માત્ર સર્જરી પૂરતી નથી. દર્દીને પરિવારનો સાથ, યોગ્ય મનોચિકિત્સક સારવાર અને સતત દેખરેખની ખૂબ જ જરૂર હોય છે.